Wed Jul 29 2026

Logo

કોમનવેલ્થ ગેમ્સ સમાપન સમારોહમાં ભારતીય સંસ્કૃતિની ઝલક: શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદી આપશે ધમાકેદાર પરફોર્મન્સ

Glasgow   2026-07-29 19:50:58
Author: Mumbai Samachar Team
Article Image

ગ્લાસગો 2026થી અમદાવાદ 2030: ભારતને સત્તાવાર રીતે સોંપાશે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ

ગ્લાસગો: અહીં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સના 2 ઓગસ્ટના રોજ સમાપન સમારોહમાં ભારતની સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં મુખ્ય આકર્ષણ રહેશે. આ દિવસે સત્તાવાર રીતે અમદાવાદમાં યોજાનારા 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે દેશને સત્તાવાર રીતે ધ્વજ પ્રાપ્ત થશે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ એ આ રમતોની 100મી વર્ષગાંઠ હશે. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે સમાપન સમારોહમાં ભારતને સોંપવામાં આવશે, જે આગામી યજમાનને જવાબદારી સોંપવાનું પ્રતિક છે. 

ભારતની પ્રસ્તુતિ લગભગ 20 મિનિટ ચાલશે અને સંગીત, નૃત્ય અને પરંપરાગત પ્રદર્શન દ્વારા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. દર્શકોને દેશના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત ગીતો મારફતે એક અવિસ્મરણીય સફર પર લઈ જવામાં આવશે, જે શંકર મહાદેવન અને તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવને કંમ્પોઝ કર્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતની સિંગર ભૂમિ ત્રિવેદી પણ સામેલ હશે.

યજમાન તરીકે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાશે

કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં ભારતની જીવંત સંસ્કૃતિ અને કોમનવેલ્થ પરિવાર સાથેના તેના સહિયારા મૂલ્યોને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતના કેટલાક મોટા સંગીત અને નૃત્ય સ્ટાર્સ સમાપન સમારોહ દરમિયાન પ્રતિષ્ઠિત હાઇડ્રો સ્ટેજ પર પરફોર્મ કરશે, જ્યારે આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, 'હેન્ડઓવર સેગમેન્ટ' ત્રણ હિસ્સામાં રજૂ કરાશે. જે પ્રેક્ષકોને સહિયારા મૂલ્યો, સંસ્કૃતિ અને જોડાણની ઉજવણી કરતી સફર પર લઈ જશે.

માનુષીના નેતૃત્વમાં ડાન્સર્સ સાંસ્કૃતિક ઓળખને જીવંત બનાવશે

પ્રથમ હિસ્સામાં ભારતના રાષ્ટ્રીય ગાન અને એકતાના પ્રતીક વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાશે. અભિનેત્રી અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના નેતૃત્વમાં ડાન્સર્સ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખને જીવંત બનાવશે.

ગ્લાસગો 2026 થી અમદાવાદ 2030 સુધી જોડશે

બીજા હિસ્સામાં ભારતના અગ્રણી સિતારવાદકો અને સ્કોટલેન્ડના ટોચના સિતારવાદકો એકસાથે પરફોર્મ કરશે. ઋષભ રિખીરામ શર્મા અને રોસ એન્સલી સિતાર અને પરંપરાગત સ્કોટિશ પાઇપ અને વ્હિસલ વચ્ચે એક શક્તિશાળી સંગીત સંવાદ રચશે જે ગ્લાસગો 2026 થી અમદાવાદ 2030 સુધી જોડશે. અંતિમ હિસ્સામાં ભારતભરનો એક પ્રવાસ હશે, જેમાં ગુજરાતની પણ ઝલક હશે.