Sun Aug 23 2026

Logo

અમરેલીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 707 કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

2026-03-22 17:10:00
Author: Chandrakant Kanoja
Article Image

અમરેલી : ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના રૂ. 700  થી વધુ કરોડના 24  વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ  અમરેલી એ.પી.એમ.સી ખાતે જનસભા સંબોધી હતી.

તેમણે  ખેડૂતોના ઉત્પાદનોના રક્ષણ માટે રૂ.12 કરોડના ખર્ચે બે લાખ ચોરસ ફૂટમાં નિર્મિત "વિરાટ" શેડનું લોકાર્પણ કર્યું હતું. સીએમ પટેલે  સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે જોઈએ તેટલા નાણા આપશે. આ માટે જિલ્લાની વિકાસ કામોનું સુવ્યવસ્થિત આયોજન સાથે ગુણવત્તાયુક્ત કામ થાય તેની તકેદારી લઈ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે અપીલ કરી હતી.

એક નવી જી.આઈ.ડી.સી પણ મંજુર કરવામાં આવી

તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે એક નવી તત્પરતા પણ જોવા મળી રહી છે, તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં માત્ર અમરેલી જિલ્લાના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટમાં રોકાણ અર્થે આશરે 36,000  કરોડના એમ.ઓ.યુ પણ થયા છે. ઉપરાંત એક નવી જી.આઈ.ડી.સી પણ મંજુર કરવામાં આવી છે.  

પાણીનું સંકટ ન આવે તે માટે અત્યારથી જ જરૂરી આયોજન

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓએ ટીમ બનીને સુવ્યવસ્થિત વિકાસના કામોનું આયોજન કર્યું છે. અમરેલી જિલ્લાના લોકો પાણી માટેની મુશ્કેલીઓની પરિસ્થિતિને સારી રીતે અવગત છે. ભવિષ્યમાં પાણીનું સંકટ ન આવે તે માટે અત્યારથી જ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ "કેચ ધ રેઇન" અભિયાન અંતર્ગત વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના પણ કાર્યો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે ધારાસભ્યોને દર વર્ષે રૂ. 50  લાખની અલગથી ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે.

35 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામોનું લોકાર્પણ

અમરેલીમાં મુખ્યમંત્રીએ આપેલા વિકાસકાર્યોની ભેટ થકી આગામી સમયમાં લાઠી રોડ, રેલવે ફાટક પર રૂ. 95  કરોડના ખર્ચે ઓવરબ્રીજ તૈયાર થશે. બાબાપુર માર્ગે રૂ. 35  કરોડના ખર્ચે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ તૈયાર થવાની છે. વડિયા શહેર અને તાલુકાને પ્રથમ વિજ્ઞાન કોલેજની સુવિધા મળી છે. યુવાનો માટે રૂ.25 કરોડના ખર્ચે વિજ્ઞાન કેન્દ્ર અને રૂ. 16 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ રહ્યા છે.

ગત બજેટમાં લાઇબ્રેરી માટે રૂ. 15 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ વરસડા ખાતે રૂ. 35 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક ખેડૂતો માટે રૂ.10,000  કરોડનું પેકેજ જાહેર કરી અને તાત્કાલિ સહાયતા જમા કરાવી હતી. 

01 લાખથી વધુ ચેકડેમનું નિર્માણ થયું

અમરેલી એ.પી.એમ.સી.  ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ  જગદિશ  વિશ્વકર્માએ  સૌરાષ્ટ્રની પાયાની સમસ્યા પાણી અને સિંચાઈના વિકાસી ગાથા વર્ણવી હતી. નર્મદાના નીર "સૌની યોજના"ના કેનાલ નેટવર્ક અને પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રની માતાઓ બહેનોનાં ઘર ઘર સુધી પહોંચાડ્યા છે. આ કડીના ભાગરૂપે 01 લાખથી વધુ ચેકડેમનું નિર્માણ થયું હતું.