Thu Jul 23 2026

Logo

સંસદ તરફ કૂચ થતાં જ લાગુ થયો એ ઈમર્જન્સી પ્રોટોકોલ છે શું? 3300 જવાનો, કમાન્ડો અને હાઇટેક સિસ્ટમ... જાણો સંસદનો સુરક્ષા ચક્રવ્યૂહ!

2026-07-21 19:10:53
Author: Darshana Visaria
Article Image

તાજેતરમાં જ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ જંતર-મંતરથી સંસદ ભવન તરફ કૂચ કરી હતી. વિરોધ પ્રદર્શનકારીઓ રેલ ભવન નજીક પહોંચતા જ ત્યાં તૈનાત અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને સંસદમાં તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ (Emergency Protocol) લાદી દેવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં જો તમને પણ સવાલ થયો હોય કે આખરે આ ઈમર્જન્સી પ્રોટોકોલ શું છે અને સંસદની સુરક્ષા કેટલા લેયર્સની હોય છે તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસથી વાંચી જજો... 

આ પ્રોટોકલ હેઠળ સંસદના તમામ મુખ્ય દરવાજા લોક કરી દેવામાં આવ્યા હતા અને સ્પેશિયલ ક્વિક રિસ્પોન્સ ટીમે (QRT) મોરચો સંભાળી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે દેશની સૌથી મહત્વપૂર્ણ ઈમારત એવી સંસદની સુરક્ષા વ્યવસ્થા કેવી અને કેટલી મજબૂત હોય છે?

સુરક્ષાકર્મીઓની કડક ઇન-હાઉસ ટ્રેનિંગ

કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ જવાનોને ખાસ તાલીમ આપવામાં આવે છે. જવાનોને તણાવ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર (First Aid), ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરાંત ગૃહની અંદર સાંસદોના હંગામાને શાંત રાખનારા માર્શલોની ભૂમિકા અને વિદેશી ભાષાઓનું જ્ઞાન પણ આપવામાં આવે છે, જેથી તેઓ પરિસ્થિતિ મુજબ ત્વરિત અને યોગ્ય નિર્ણયો લઈ શકે.

NSG અને IB સાથે સ્પેશિયલ જોઈન્ટ ઓપરેશન

સંસદની સુરક્ષાને ભેદવી અશક્ય બનાવવા માટે જવાનોને દેશની શ્રેષ્ઠ સુરક્ષા એજન્સીઓ પાસે ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. જવાનોએ NSG માનેસર ખાતે સ્પેશિયલ ફિલ્ડ ઓપરેશન્સ, સીઆઈએસએફ હૈદરાબાદ એકેડેમીમાં બેસિક સિક્યુરિટી અને મેઘાલયમાં લીડરશીપના પાઠ શીખ્યા છે. આ ઉપરાંત, આઈબી (Intelligence Bureau)ના નિષ્ણાતો દ્વારા જવાનોને ખતરનાક આઈઈડી (IED) અને બોમ્બ ઓળખીને તેને ડિફ્યુઝ કરવાની બારીક તકનીકો શીખવવામાં આવે છે.

2001ના હુમલા પછી સુરક્ષા વ્યવસ્થા બની હાઇટેક

વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે સમગ્ર સંસદ પરિસરની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે આધુનિક બનાવી દીધી છે. હવે અહીં માત્ર સશસ્ત્ર જવાનો જ નથી હોતા, પરંતુ હાઇ-ટેક બાયોમેટ્રિક એન્ટ્રી, અદ્યતન સીસીટીવી કેમેરા, બોમ્બ/એક્સપ્લોસિવ ડિટેક્ટર્સ અને સ્પેશિયલ કમાન્ડો દસ્તો 24 કલાક તહેનાત રહે છે. સંસદની સમગ્ર સુરક્ષા કમાન સીઆઈએસએફ (CISF) અને પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસ (PSS)ના હાથમાં હોય છે.

3,300થી વધુ જવાનોનો પહેરો અને VVIP સિક્યુરિટી

સંસદની ઈન-હાઉસ સુરક્ષા એજન્સી એટલે કે 'પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસ'નું મુખ્ય કામ સાંસદો, મંત્રીઓ અને વીવીઆઈપી મહેમાનોને સુરક્ષિત માહોલ પૂરો પાડવાનું છે. સંસદ પરિસરમાં આશરે 3,300 જેટલા જવાનો અલગ-અલગ શિફ્ટમાં તહેનાત રહે છે. જેમાં વિશેષ તાલીમ પામેલા કમાન્ડો, ડોગ સ્કવોડ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હંમેશા સ્ટેન્ડબાય મોડ પર હોય છે. યોગ્ય ઓળખપત્ર અને સઘન ચેકિંગ વગર કોઈ પણ વ્યક્તિ કે વાહનને પ્રવેશવાની મંજૂરી મળતી નથી.