મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઈટલ્સ:
વચન ને પ્રવચન સાંભળવામાં સારાં. (છેલવાણી)
વિવાદાસ્પદ, વક્તા, વિચારક ચિંતકલાલ બોલ્યા, ‘મારી પાસે દરેક સમસ્યાનું સોલ્યુશન છે.’
‘એ કઇ રીતે?’
‘પહેલાં ‘સોલ્યુશન’ બનાવવાનું ને પછી ‘સમસ્યા’ ઊભી કરવાની!’
‘સમજાયું નહીં.’
‘બધું તમને સમજાય જાય તો તમે મારી જેમ ‘ચિંતક’ ના હોત?’
‘તમે ખરેખર ફિલોસોફર છો કે નામ ખાલી ‘ચિંતકલાલ?’
‘નામ તો ‘શુભચિંતક લાલ’, લોકો પ્રેમથી ‘ચિંતક’ કહે.’
‘આપ કરો છો શું?’
‘સમાજસેવા, સાહિત્ય ને રાજકારણ થ્રી-ઇન-વન!’
‘તમે પોલિટિક્સમાં છો? બાપ રે.’
‘અરે, બાપ જ તો પોલિટિક્સમાં નહોતો ને? એટલે હજી હું એમાં નથી પહોંચી શક્યો. ટ્રાય પૂરેપૂરી ચાલુ છે.’
‘કઇ રીતે ચાલુ છે?’
‘ચાલુ બનીને!’
આવી વિચિત્ર આઇટેમ ‘ચિંતકલાલ ચૂનાવાલા’ પછી પ્રેમ, સેક્સ, ફિલ્મો, દેશવિદેશનાં ઇતિહાસ ભૂગોળ પર બકવાસ કરીને, ફેસબૂક ટ્વિટર પર વાદવિવાદ કરીને અને ઠેરઠેર ગાંધીથી હિટલર પર ચબરાકિયાં ભાષણો દ્વારા એ સમાજમાં રાતોરાત છવાઇ ગયા! મૌલિક રાખી સાવંત કે મિની કંગના રનૌતની જેમ સતત ચર્ચામાં રહીને લોકલ સેલિબ્રિટી બની બેઠાં. હવે પોલિટિક્સમાં જોડાશે એવું સાંભળ્યું એટલે મેં એમનો ઇન્ટરવ્યૂ લીધો:
નવા લેપટોપ સામે જૂની સરકારી ઓફિસની ફાઈલો જેમ ‘ચિંતકલાલ’ આરામ અર્થાત્ ‘ચિંતન’ કરતા હતા.
‘પૂછો...’ ચિંતકલાલે કહ્યું.
‘અચાનક તમે ગાંધી ટોપી પહેરવા માંડી?’
‘બાપુની ‘ગાંધીટોપી’ એ કોઇ રાજકીય પક્ષના બાપની જાગીર નથી. પણ હા, ટોપીમાં એક ફાયદો છે.’
‘શું?’
‘જ્યાં સુધી માથા પર આ ટોપી રહેશે ત્યાં સુધી મારાં ભેજામાં કંઈક તો હશે એવો ભ્રમ ટકી રહે છે. સમજ્યાં?’
‘ના. પણ ગઈકાલે તમે ખેડૂતોની રેલીમાં દેખાયેલા. ત્યાં કિસાનોએ પેન્ટ-શર્ટ પહેરેલા, ધોતીપાઇજામા નહીં. એવું કેમ?’
‘વિકાસ... બધે જ વિકાસ થયો છે, તો ખેડૂતો ફાટેલા કુર્તા કે ધોતીયા ચોયણીમાં શા માટે ફરે? બટાકાં તો બરમૂડા પહેરીનેય ઉગાડી શકાય. બિકિનીમાં યે બનાના વાવી શકાયને? ધરતી, નગ્ન છે તો ખેતી પણ નગ્ન થઇને.’
‘બસ...બસ સમજાઇ ગયું! તમે વારેવારે ‘અખિલ ભારતીય સંમેલન’નું આયોજન કરો છો. આનાથી આર્થિક લાભ થાય?’
‘લાભ નહીં, ઇન્વેસ્ટમેંટ કહો. અરે, મારે એવા એવા લોકોને દારૂ પીવડાવવો પડે જે ‘દારુ કેવી રીતે છોડાવી શકાય?’ એનાં પર ભાષણો આપે, બોલો! પોલિટિક્સમાં ઘૂસવાની એંટ્રી ફી, સમજ્યાં?’
‘તમે હંમેશાં વિવાદ કેમ ઊભો કરો છો?’
‘સનસનીખેજ હેડલાઇન્સ માટે. પબ્લિકને આવું જ તો ગમે.. એટલે રોજ બકવાસ કરીને લોકોનું ધ્યાન ખેંચવાનું. એક વિવાદ પૂરો કે બીજો તૈયાર. જોકે આ કળા હું ‘કોયલ’ પાસે શીખ્યો!’
‘કોયલ પંખી પાસે?’
‘ના! ‘કોયલ ડે-સાડીવાળા’ નામનાં બુદ્ધિજીવી લેખિકા પાસે.’
‘બુદ્ધિજીવી એટલે?’
‘પરોપજીવી એમ બુદ્ધિજીવી. એટલે કે ‘થાકેલા પતિ માટે પાણી આપવું જોઇએ’ કે પછી ‘પત્નીએ પાણીની બાલ્ટીને લાત મારી ઘર છોડવું’ એવું બધું જાતજાતનું ઘરાક ઓડિયંસનો મૂડ જોઇને ફેંકતા જવાનું.’
ઇન્ટરવલ:
મૈં ઇસ લિયે તેરે ફનકી કદર કરતા હૂં,
તું ઝૂઠ બોલકે ભી આંસુ નિકાલ દેતા હૈ!
(અહમદ કમાલ પરવાઝી)
ચાલુ ચિંતકલાલનો ઇન્ટરવ્યૂ આગળ ચાલ્યો:
‘પોલિટિક્સ અગાઉ તમે અમુક મેગેઝિનો કાઢેલાં, પણ એ બધાં 12 અંકમાં જ બાળમરણ પામેલા તોય હજી ખુદને ે‘સંપાદક’ તરીકે ઓળખાવો છો?’
‘એ મેગેઝિનો ભલે અસ્તિત્વમાં નથી પણ હું તો અસ્તિત્વમાં છુંને? ભૂતપૂર્વ સંપાદક ડો. ચિંતકલાલ તરીકે અભૂતપૂર્વ વટ પડે.’
‘તમારી ‘ડોક્ટર‘ની ડિગ્રી નકલી કે અસલી?’
‘ખબરદાર! હજી હું રાજનેતા નથી એટલે મારી ડિગ્રી પર સવાલ નહીં ઉઠાવવાનો. વળી હું કંઇ સાવ સાહિત્યનો ડોક્ટર નથી. ઢોરનો ડોક્ટર છું! રતનપુર પાંજરાપોળમાં કોઇપણ ભેંસ કે બળદને પૂછી જોજો.’
‘સોરી સોરી..પણ મેઘાણી કે બક્ષી જેવા મહાન લેખક કવિઓના ગયા પછી એમનાં પર સ્પેશિયલ અંક નીકળેલા. તમારા પર તમે જીવતેજીવત વિશેષાંક કાઢ્યો?’
‘આત્મનિર્ભર! અને એમાં તમને શું વાંધો પડ્યો?’ આપણે સૌ પળે પળે જીવીએ છીએં ને મરીએ પણ છીએંને?’ વાહ, શું લાઇન છે! ભાષણમાં કામ આવશે. દુનિયામાં મરે તો બધાં પણ જીવતેજીવત સ્પેશ્યિલ અંક કોઇકના જ નીકળે.’
‘એ વિશેષાંકમાં તમારું યોગદાન ખરું?’
‘હાસ્તો! ખર્ચો મેં જ ઉઠાવેલોને? આત્મનિર્ભર! જોકે મૂર્ખ લેખકમિત્રોએ લખેલ બકવાસમાં કાપકૂપની મહેનત પણ મેં જ કરેલી, તોયે હજૂ બાળપણ જુવાનીનાં ધાંસુ પ્રસંગો નાખવાનાં રહી ગયા છે રે.’ ચિંતકલાલે નિ:સાસો નાખ્યો.
‘ઉપરથી એ વિશેષાંકની સમીક્ષા પણ પાછી તમે જ કરી?’
‘કહ્યુંને આત્મનિર્ભર! મૂઆ વિવેચકો પર કોણ ડિપેન્ડ કરે? કોઇ નકલી નામે સમીક્ષા લખી મારી!.’
‘એમાં તો તમારા પર ટીકાઓ પણ હતી!’
‘વખાણ સાચા લગાડવા ખોટેખોટે ટીકા લખવી પડે.’
‘તમારો કાવ્યસંગ્રહ છે ‘ચિતા પર ચિંતન’ કેમ આવું નામ?’
‘અગાઉ સાહત્યિનાં માફિયાઓએ મહાન લેખકોને જીવતેજીવતા અગ્નિદાહ આપેલો. એટલે મેં ‘લેખક’ તરીકે ખુદને જ બાળી મૂક્યો. આત્મનિર્ભર! અને પછી ‘હાય રે..હું અન્યાયનો ભોગ બન્યો’ મારી પાછળ અમદાવાદથી દિલ્હી સુધીની અંગ્રેજી લોબી કે ગેંગ પડી છે’ કહીને સહાનુભૂતીયે મળેને?’
‘રાજકારણમાં ‘સરઘસ’નું કેટલું મહત્ત્વ?’
‘પુષ્કળ. વાહિયાત વાતો કરીને કંટાળી જાઓ ત્યારે ‘મૌન સરઘસ’ કાઢવાનું. કહેવા માટે કંઈ ન બચે ત્યારે ‘મીણબત્તી સરઘસ’ કાઢવાનું!’
‘રાજકારણમાં કઇ પાર્ટીમાં જોડાશો?’
‘વાત બધે ચાલે છે. પણ મને ઉતાવળ નથી.’
‘કેમ?’
‘પૂરતો ભાવ નથી મળ્યોને હજી?’ ભાવ વિના કશે જવું, એ મારો સ્વભાવ નથી’.. વાહ, શું લાઇન છે! કાલે ‘ધાર્મિકસભા’માં ‘માર્મિક’ બોલવાનું છે, ત્યાં કામ આવશે, યુ.સી..આ લો મારું નવું પુસ્તક:
‘મારી વિવાદયાત્રા’ તમે નીકળો, હવે તમે મને સીધો સંસદમાં જોશો! શું?’
પછી ચિંતકલાલે ચશ્માં પહેરીને ‘ધ્યાન ધરતાં હોય’ એમ સેલ્ફી ખેંચી.
એંડ-ટાઇટલ્સ:
આદમ: પબ્લિસિટી એટલે શું?
ઈવ: જેમાં ‘પબ્લિક’,‘સીટી’ મારે એ...