Tue Oct 06 2026

Logo

છત્તીસગઢમાં જીરામ ઘાટી હત્યાકાંડમાં 10 માઓવાદીને ફાંસીની સજા, 29 લોકો માર્યા ગયા હતા

2026-09-16 19:08:07
Author: Chandrakant Kanoja
છત્તીસગઢમાં જીરામ ઘાટી હત્યાકાંડમાં 10 માઓવાદીને ફાંસીની સજા, 29 લોકો માર્યા ગયા હતા

જગદલપુર: છત્તીસગઢના જીરામ ઘાટી હત્યાકાંડમાં જગદલપુર એનઆઇએ કોર્ટે 10 માઓવાદીઓને ફાંસીની સજા ફટકારી છે. આ હુમલો 25 મે 2013ના રોજ કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા'ના કાફલા પર થયો હતો. આ હુમલામાં તત્કાલીન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર પટેલ, મહેન્દ્ર કર્મા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લા સહિત 29  લોકોએ જીવ ગુમાવ્યા હતા.

101 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા

એનઆઈએ કોર્ટેમાં 13 વર્ષ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન 101  સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને દસ્તાવેજો રેકોર્ડ પર મૂકવામાં આવ્યા હતા. ચુકાદામાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે આ આદેશ હાઈકોર્ટ દ્વારા પુષ્ટિને આધીન છે. દોષિતોને 30  દિવસની અંદર હાઈકોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે. સરકારી પક્ષે દોષિતો માટે મૃત્યુદંડની માંગણી કરી હતી. જ્યારે બચાવ પક્ષે સજામાં ઘટાડો કરવાની દલીલ કરી હતી.

કોર્ટે 10 આરોપી પ્રમિલા મોડિયામ,સુમિત્રા પુનમ,કોસા કવાસી,મુક્કા માંડવી,મડકામી દેવા,આયત મરકામ,બજામી સેના,ચૈતુ લેકમ,જોગા મડકમી અને મહાદેવ નાગાને ફાંસીની સજા ફટકારી છે. 

એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત 

આ તમામ આરોપીઓ  હાલમાં સેન્ટ્રલ જેલમાં બંધ છે. અદાલતે કુલ 11 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ અદાલતે બાકીના 10  આરોપીઓ સામે કાર્યવાહી ચાલુ રાખી હતી. 

અદાલતમાં 1000 પાનાની ચાર્જશીટ રજૂ 

એનઆઈએ વર્ષ  2015 માં અદાલતમાં  1000  પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીઓનો ગુનો સાબિત કરવા માટે સરકારી પક્ષે ટ્રાયલ દરમિયાન 101  સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા.