Fri Oct 02 2026

Logo

મધ્ય રેલવેના મસ્જિદબંદર અને માટુંગા વચ્ચેના ચાર ફૂટઓવર બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ

2026-09-12 22:34:37
Author: Sapna Desai
મધ્ય રેલવેના મસ્જિદબંદર અને માટુંગા વચ્ચેના ચાર ફૂટઓવર બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ

AI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી, મુંબઈ (આઈઆઈટી) દ્વારા જર્જરીત અને જોખમી જાહેર કરવામાં આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાની સૂચનાને પગલે સેન્ટ્રલ રેલવે દ્વારા તેના મસ્જિદબંદરથી માટુંગા વચ્ચે આવતા ચાર ફૂટઓવર બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. ગણેશોત્સવ દરમ્યાન લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી આ પૂલ પર વધારાનું વજન સહી શકવાની ક્ષમતા રહી ન હોવાથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી ગણેશભક્તો અને લોકલ ટ્રેનમાં  પ્રવાસ કરનારા મુસાફરો અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજને બંધ કરવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેએ જણાવ્યું હતું. 

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પુન:બાંધકામ અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ઉપાય તરીકે મસ્જિદબંદર અને માટુંગા સ્ટેશન પરના ચાર ફૂટઓવર બ્રિજ પાલિકા બાબતે મધ્ય રેલવેને સૂચના મોકલવામાં આવી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી, મુંબઈ (આઈઆઈટી) દ્વારા કરવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઑડિટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાલિકા અને રેલવેના અધિકારીઓની હાજરીમાં ૨૭ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ આ ફૂટઓવર બ્રિજનું સંયુક્ત ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ૩૧ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ આઈઆઈટી મુંબઈને ચારે પુલ માટે સ્વતંત્ર સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલ રજૂ કર્યા હતા.

તપાસ દરમ્યાન ચાર પૂલ જોખમી જણાઈ આવતા તેને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોજોખમી જાહેર કરવામાં આવેલા પૂલમાં મસ્જિદબંદર પાસેનો ભંડારી પૂલ, મસ્જિદ રેલવે સ્ટેશન પરનો ફૂટઓવર બ્રિજ, ભાઉ દાજી રોડ પરનો માટુંગા લેવલ ક્રોસિંગ ફૂટઓવર બ્રિજ, ગુરુ નાનાક હાઈસ્કૂલ પાસેનો માટુંગા-ધારાવી ફૂટઓવર બ્રિજનો સમાવેશ થાય છે.સ્ટ્રક્ચર ઓડિટના અહેવાલ મુજબ ચારે પૂલના માળખાગત અસુરક્ષિત હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે. પૂલના મહત્ત્વના ભાગમાં કાટ લાગી ગયો છે. તપાસ બાદ અહેવાલમાં આ પૂલ રાહદારીઓ માટે તાત્કાલિક બંધ કરવાની અને તેને તોડી પાડીને નવેસરથી બાંધવો વિચાર કરવાની  ભલામણ કરવામાં આવી છે.

આઈઆઈટી મુંબઈના અહેવાલમાં જણાવ્યા મુજબ  સ્ટ્રક્ચરલ સુરક્ષિતતાની ચિંતા અને સાર્વજનિક સુરક્ષાના રહેલા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ  રેલવે પ્રશાસનને વિનંતી કરીને આ ચારેય પૂલ રાહદારીઓને વાપરવા માટે બંધ કરવાની અને આગામી સૂચના મળે ત્યાં સુધી પૂલ પરથી કોઈ પણ રાહદારીઓને અવરજવર કરવાની મંજૂરી આપવી નહીં એવી ચેેતવણી પણ આપી છે.ગણેશોત્સવ દરમ્યાન પ્રવાસીઓ અને રાહદારીઓની સંખ્યામાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને આ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. તહેવાર દરમ્યાન રેલવે સ્ટેશન પર આસપાસના વિસ્તારમાં થનારી ભીડને કારણે કોઈ અનુચિત ઘટના બને નહીં તે માટે તેને ટાળવા માટે અને પ્રવાસી અને સામાન્ય જનતાની સુરક્ષાને સુનિશ્ર્ચિત કરવા માટે આ પૂલના ઉપયોગ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.