નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત અંગે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે.જેમાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોને નવા નિર્દેશો આપ્યા છે. તેમજ તેનો કડકાઇથી અમલ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ભારતનું રાષ્ટ્રગાન "જન ગણ મન" છે. તેમજ રાષ્ટ્રગીત"વંદે માતરમ" છે.
આ અંગે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે નિયમોમાં પહેલાથી ઉલ્લેખ છે જ્યાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગાવાનું અથવા વગાડવાનું ફરજિયાત છે. તેમજ તે કયા પ્રસંગોએ તે રજૂ કરી શકાય તે પણ સ્પષ્ટ છે.
રાષ્ટ્રગીત બાદ રાષ્ટ્રગાન પ્રસ્તુત કરાશે
ગૃહ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે જ્યારે પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને એકસાથે રજૂ કરવામાં આવે છે. ત્યારે પહેલા રાષ્ટ્રગીત ગવાશે અથવા વગાડવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન પ્રસ્તુત કરાશે. જે રાજ્યમાં રાજ્યગીત હોય છે ત્યાં પણ નિર્ધારિત ક્રમ અનુસરવો આવશ્યક છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને માટે મૂળ શબ્દો, સાચા ઉચ્ચારણ અને પ્રસ્તુતિની નિર્ધારિત રીતનું કડક પાલન કરવું જરૂરી છે.
આદેશો પણ આ પત્ર સાથે જોડવામાં આવ્યા
આ અંગે 9 જુલાઈના રોજ લખેલા એક પત્રમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટીદારો તેમજ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને સંબોધિત કર્યા છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત અંગે અગાઉ જાહેર કરાયેલા આદેશો પણ આ પત્ર સાથે જોડવામાં આવ્યા હતા.
નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ
આ ઉપરાંત ગૃહ મંત્રાલયના પત્રમાં જણાવાયું છે કે તમને વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા અધિકારક્ષેત્રમાં આવતી તમામ સંબંધિત સંસ્થાઓ અને સંગઠનોને આ સંદર્ભમાં યોગ્ય સૂચનાઓ જાહેર કરો જેથી નિયમોનું કડક પાલન સુનિશ્ચિત થાય.