Thu May 28 2026

Logo

કેન્દ્ર સરકારે ઇડીમાં અધિકારીઓના નવા પદ ઉભા કરી ભરતી કરવાની મંજૂરી આપી, તપાસ ઝડપી બનશે

2026-05-27 22:50:57
Author: Chandrakant Kanoja
Article Image

ED


નવી દિલ્હી : કેન્દ્ર સરકારે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ઇડી) માં અધિકારીઓના નવા પદ ઉભા કરવાની મંજૂરી આપી છે. જેના પગલે ઇડીના અધિકારીઓની સંખ્યામાં વધારો થશે. તેમજ આગામી સમયમાં નાણાકીય ઉચાપત  અને મની લોન્ડરિંગના કેસોની તપાસ ઝડપી બનશે.

એડિશનલ ડિરેક્ટરોની પોસ્ટ્સ 10 થી વધારીને 24 કરવામાં આવી

આ અંગે નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં ઇડીના વિવિધ વિભાગોમાં નવી ભરતીઓ અને પોસ્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આદેશ અનુસાર, ઇડીની તપાસ શાખામાં સૌથી મહત્વપૂર્ણ વિસ્તરણ થયું છે. જેમાં એડિશનલ  ડિરેક્ટરોની પોસ્ટ્સની સંખ્યા 10 થી વધારીને 24 કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ઓફિસરની સંખ્યા 355 થી વધારીને 606  કરવામાં આવી 

આ ઉપરાંત  જોઇન્ટ ડિરેક્ટરની જગ્યાઓની સંખ્યા 28 થી વધારીને 49, ડેપ્યુટી ડિરેક્ટરની જગ્યાઓ 148 થી વધારીને 267 અને આસિસ્ટન્ટ  ડિરેક્ટરની જગ્યાઓ 255 થી વધારીને 531 કરવામાં આવી છે. આ દરમિયાન, એન્ફોર્સમેન્ટ ઓફિસરની સંખ્યા 355 થી વધારીને 606 અને આસિસ્ટન્ટ  એન્ફોર્સમેન્ટ ઓફિસરની જગ્યાઓ 425 થી વધારીને 803 કરવામાં આવી છે. આ ઉપરાંત  કેસોના નિર્ણય અને કાનૂની બાબતોના સંચાલનને ઝડપી બનાવવા માટે કાનૂની વિભાગમાં નવી જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. 

સિનિયર કોન્સ્ટેબલ પોસ્ટ્સની સંખ્યા 209 થી વધારીને 273

આ ઉપરાંત  એડજ્યુડિકેશન વિંગ, સિસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં અનેક નવી જગ્યાઓ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં સિનિયર કોન્સ્ટેબલ પોસ્ટ્સની સંખ્યા 209 થી વધારીને 273 કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે કેસના ભારણમાં વધારો અને તપાસ કાર્યમાં વધારાને  ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પોસ્ટ્સ બનાવવાથી ઇડીની તપાસ ક્ષમતામાં વધારો થશે અને કેસની તપાસની ગતિ ઝડપી બનશે.

નાયબ કાનૂની સલાહકારોની સંખ્યા સાતથી વધીને 18 થશે

જ્યારે લીગલ કેડરમાં એડિશનલ ડિરેક્ટર્સ (પ્રોસિક્યુશન) ની સંખ્યા એકથી વધારીને સાત કરવામાં આવી છે. નાયબ કાનૂની સલાહકારોની સંખ્યા સાતથી વધીને 18 થશે. જ્યારે આસિસ્ટન્ટ લીગલ એડવાઇઝર્સની સંખ્યા 18 થી વધીને 36 થશે.એડજ્યુડિકેશન વિંગમાં એડિશનલ ડિરેક્ટર (એડજ્યુડિકેશન)ની બે પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યારે ત્રણ જોઈન્ટ ડિરેક્ટર્સ, પાંચ ડેપ્યુટી ડિરેક્ટર્સ  અને 10  સહાયક ડિરેક્ટરના નવા પદ ઉભા કરવામાં આવ્યા છે.