Mon Aug 24 2026

Logo

કેન્દ્ર સરકારે આવતી કાલે સર્વપક્ષીય બેઠક બોલાવી: આ મુદ્દે થશે ચર્ચા

2026-03-24 15:14:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરુ થયેલા સશસ્ત્ર સંઘર્ષનો એક મહિનો પૂરો થવા આવ્યો છે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષની અસર ભારતમાં વિવિધ ક્ષેત્ર પર પડી રહી છે. વિપક્ષ સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવી રહી છે. આ સશસ્ત્ર સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે સરકારે આવતી કાલે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 

યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અંગે ભારતના વલણ અને ભારત પર અસર વિષે વડા પ્રધાન મોદીએ સોમવારે લોકસભા અને મંગળવારે રાજ્યસભામાં ભાષણ આપ્યુ હતું. વિપક્ષ વડાપ્રધાનના ભાષણની ટીકા કરી રહ્યું છે. તમામ પક્ષો સાથે વાત કરવા સરકારે આવતીકાલે 25 માર્ચ સાંજે 5 વાગ્યે સંસદ સંકુલમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

રાજનાથ સિંહે કરી બેઠક:
મંગળવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ના અધ્યક્ષ સમીર કામત, સહીતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

વિપક્ષે વડાપ્રધાનના ભાષણની ટીકા કરી:
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ સોમવારે પ્રથમવાર સંસદમાં સંબોધન આપ્યું હતું, સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કમર્શિયલ શિપ્સ પરના હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના પગલાને અસ્વીકાર્ય ગણાવ્યા હતાં, તેમને ફ્યુઅલ, ફર્ટીલાઈઝર અને રાષ્ટ્રીય સુરક્ષા પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી.

વિપક્ષને વડાપ્રધાનનું આ સંબોધન પસંદ ના પડ્યું, વિપક્ષના નેતાઓ વડાપ્રધાનની ટીકા કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન મોદીએ ઈરાન પર યુએસ-ઇઝરાયલ સંયુક્ત હુમલાની નિંદા કરી ન હતી. કોંગ્રેસે વડા પ્રધાનને પોતાની પ્રસંશા કરનારા અને પક્ષપાતી ડાયલોગ-બાઝી કરનાર ગણાવ્યા હતા.

આ મુદ્દે વિપક્ષનો પક્ષ સંભાળવા માટે આ સર્વપક્ષીય બેઠલ બોલાવવામાં આવી છે.