નવી દિલ્હીઃ મતદાતા યાદી સુધારણા (SIR) ને લઈને ઊભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉત્તર પ્રદેશનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ 25 સપ્ટેમ્બરે મેરઠની સીસીએસયુ (CCSU) ખાતે 'જેન-ઝી' (Gen-Z) યુવાનો સાથે અને ત્યારબાદ 28 સપ્ટેમ્બરે વારાણસીમાં યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ પ્રવાસ રદ થતાં રાજકીય ગરમાવો વધી જતાં ચૂંટણી પંચે સત્તાવાર સ્પષ્ટતા જારી કરવી પડી છે.
પ્રવાસ રદ થતાં ચૂંટણી પંચ દ્વારા કરાયો ખુલાસો
અત્યારે વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી ચૂંટણી પંચ દ્વારા CEC ના પ્રવાસ અંગે સ્પષ્ટીકરણ આપવું પડ્યું છે. પ્રવાસ રદ થવા અંગે સફાઈ આપતાં ચૂંટણી પંચે જણાવ્યું કે, કાર્યક્રમોની તારીખોમાં ફેરફાર કરવો કે તેમને સ્થગિત કરવા એ એક વહીવટી પ્રક્રિયાનો નિયમિત હિસ્સો છે.
બંને કાર્યક્રમો 21 સપ્ટેમ્બરે જ રદ્દ કરી દેવાયા હતાઃ ચૂંટણી પંચ
ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, સ્થળની ઉપલબ્ધતા, ઉચ્ચ અધિકારીઓનું ટાઈમટેબલ તેમજ કુદરતી પરિબળો જેવા અનેક કારણોસર કાર્યક્રમો મુલતવી રાખવા પડતા હોય છે. આ પહેલા પણ હિમાચલ પ્રદેશ, લદાખ અને ઉત્તરાખંડમાં ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સંમેલનોની તારીખોમાં આ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ ચૂંટણી પંચે એવો પણ ખુલાસો કર્યો કે, તારીખ 25 અને 28 સપ્ટેમ્બરના બંને કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય 21 સપ્ટેમ્બરે જ લઈ લેવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર SIR વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત એક અખબારી અહેવાલ બાદ થઈ હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ SIR હેઠળ મતદાતા યાદીમાંથી નામો રદ કરવાના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા પર આ બંને કમિશનરોએ આશરે 14 વખત પોતાના વાંધા નોંધાવ્યા હતા. વિપક્ષી ગઠબંધને આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.