Mon Sep 07 2026

Logo

32 સેકન્ડમાં 34 વાર ચાકુના ઘા, ફરીદાબાદની સ્કૂલમાં ટીચરની ચાકૂ મારી હત્યા, CCTVમાં ઘટના થઇ કેદ

2026-08-04 10:12:00
Author: Mumbai Samachar Team
32 સેકન્ડમાં 34 વાર ચાકુના ઘા, ફરીદાબાદની સ્કૂલમાં ટીચરની ચાકૂ મારી હત્યા, CCTVમાં ઘટના થઇ કેદ

ફરીદાબાદ: ફરીદાબાદના સિકરૌના ગામમાં પોલીસ ચોકીથી થોડા જ મીટરના અંતરે એક મહિલા શિક્ષિકાની દિવસના સમયે જ ચાકુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી. નકાબ પહેરેલા એક યુવકે શાળાની અંદર ઘૂસીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો. યુવકે ૩૨ સેકન્ડમાં ૩૪ વખત ચાકુથી વાર કર્યા અને શિક્ષિકાને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

સંધ્યા નામની મહિલા સિકરૌના ગામમાં આવેલી એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી. સોમવારે તે દરરોજની જેમ શાળામાં બાળકોને ભણાવવા માટે પહોંચી હતી. થોડીવાર પછી એક યુવક મોઢા પર કપડું બાંધીને શાળાએ પહોંચ્યો અને શિક્ષિકા સંધ્યાને મળવાની વાત કરી. સંધ્યા જેવી શાળાના ગેટ પર મળવા માટે પહોંચી કે તરત જ યુવકે તેની ગરદન પર ચાકુથી હુમલો કરી દીધો. સંધ્યાએ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક તેના પર સતત વાર કરતો રહ્યો. બૂમાબૂમ સાંભળીને શાળાના સંચાલક સ્થળ પર પહોંચ્યા અને સંધ્યાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક તેમની તરફ પણ ચાકુ લઈને દોડી આવ્યો.

32 સેકન્ડમાં 34 વખત ચાકુના ઘા

યુવકે 32 સેકન્ડમાં 34 વખત ચાકુથી વાર કરીને સંધ્યાને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો. આ ઘટનાથી શાળામાં નાસભાગ મચી ગઈ. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

સીસીટીવીમાં કેદ થઈ હત્યાની ઘટના

શાળાની અંદર મહિલા શિક્ષિકાની હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેમાં જોઈ શકાય છે કે નકાબ પહેરેલો યુવક શાળામાં પ્રવેશે છે અને થોડીવાર રાહ જુએ છે. શિક્ષિકા આવતાની સાથે જ તે તેના પર હુમલો કરી દે છે. યુવક શિક્ષિકાને પકડીને તેને બહાર ખેંચતા ખેંચતા ચાકુથી હુમલો કરવા લાગે છે.

પોલીસે શું કહ્યું

પોલીસનું કહેવું છે  કે હત્યાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ છે અને ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પ્રારંભિક તપાસમાં હત્યાના કારણોની ખબર નથી પડી. પોલીસ બધા એંગલને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. અને આરોપીની જલદી ધરપકડ કરવાનો દાવો કરી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.