નરેન્દ્ર કુમાર
વિશ્વના પ્રસિદ્ધ કરિઅર કાઉન્સલર રિચર્ડ એન. બોલસ સૌથી પ્રભાવશાળી કરિઅર કાઉન્સલર તરીકે ખ્યાતિ પામ્યાં છે. તેમનું કહેવું છે કે કરિઅરમાં ઊંચાઈ પર જવું છે તો સૌ પ્રથમ પોતાની મંજિલ નક્કી કરો. ખરેખર તો જે વ્યક્તિને નથી ખબર કે તેને ક્યાં જવું છે અને શું કરવું છે? તે આ દુનિયાના કોઇપણ ખૂણે જાય તેને કાંઈ યોગ્ય લાગશે જ નહીં. ટેકનિક, કૃત્રિમ બુદ્ધિમતા, ઓટોમેશન અને બદલાતાં રોજગારે કરિઅરને એક અલગ દિશા આપી છે.
આજે સફળતા માટે માત્ર સખત મહેનત કરવી જ પૂરતી નથી એના માટે યોગ્ય દિશામાં આગળ વધવું પણ જરૂરી છે. જેને લક્ષ્ય નિર્ધાર કરવો અથવા ગોલ સેટિંગ કરવો કહેવાય છે. કરિઅર નિષ્ણાતોનું માનવું છે કે જેમની પાસે સ્પષ્ટ, લિખિત અને સમયબદ્ધ લક્ષ્ય હોય છે તેઓ તકને સારી રીતે ઓળખી શકે છે. તેમનામાં પડકારનો સામનો કરવાની પણ ક્ષમતા હોય છે.
લક્ષ્ય બનાવે છે અસાધારણ: ધારી લો કે બે યુવાનોને એક જ દિવસે નોકરી મળી છે. બન્નેની યોગ્યતા, પગાર અને તક સમાન છે. પાંચ વર્ષ પછી તેમાંની એક વ્યક્તિ ટીમ લીડર બની જાય છે, પરંતુ બીજો યુવાન હજી પણ એ જ પદ પર કામ કરે છે. સવાલ એ છે કે આવું કેમ થયું? પહેલી વ્યક્તિએ નોકરી શરૂ કરવાના દિવસે જ નક્કી કરી લીધું હતું કે તેને પાંચ વર્ષમાં આ પોસ્ટ મેળવવી છે.
બાદમાં તેણે એને અનુરૂપ નવા કૌશલ્ય શીખ્યા, સર્ટિફિકેટ્સ મેળવ્યાં, પોતાની વાતચીત કરવાની ઢબમાં સુધારો કર્યો અને સમય-સમય પર વધારે જવાબદારી લેવા લાગ્યો. જોકે બીજાએ માત્ર રોજનું કામ કર્યું. સવારે ડ્યૂટી પર આવ્યો, દિવસભર કામ કર્યું અને પછી સાંજે ઘરે ચાલ્યો જતો. આ જ અંતર બન્ને વચ્ચે હતું. એને કારણે એકને પ્રમોશન મળ્યું અને બીજો એ જ પદ પર કામ કરે છે.
સ્પષ્ટ દિશા: વ્યક્તિ પ્રભાવી ઢબે ત્યારે જ કામ કરી શકે છે, જ્યારે તેનો ઉદ્ેશ સ્પષ્ટ હોય. મનો વિજ્ઞાન જણાવે છે કે લક્ષ્ય આપણું ધ્યાન, ઊર્જા અને નિર્ણયોને એક દિશામાં કેન્દ્રિત કરે છે. લક્ષ્ય વગર વ્યક્તિ કામ તો અનેક કરે છે, પરંતુ તેની ઊર્જા વિખેરાય જાય છે. સ્પષ્ટ લક્ષ્ય હોવાનો ફાયદો એ થાય છે કે તેને જાણ હોય છે કે કયા કામને પહેલા પાથમિકતા આપવાની છે.
ગોલ સેટિંગના લાભ: સ્પષ્ટ ગોલ વ્યક્તિને સમયનું મહત્ત્વ સમજાવે છે. જ્યારે કોઈ કર્મચારી એક વર્ષની અંદર પ્રમોશન મેળવે છે, સમય પર પ્રોજેક્ટ પૂરા કરે છે, નવી જવાબદારીઓ લે છે અને પોતાના પર્ફોર્મન્સમાં સુધારો કરે છે તો એની કાર્યક્ષમતા અન્યની સરખામણીએ વધી જાય છે. આજે અનેક કંપનીઓ કર્મચારીઓના પર્ફોર્મન્સના આધારે તેમનું મૂલ્યાંકન કરે છે. જે કર્મચારીના લક્ષ્ય સ્પષ્ટ હોય તેમના પરિણામ પણ પભાવશાળી હોય છે. લક્ષ્યને કારણે નવું શીખવાની જિજ્ઞાસા જાગે છે. લક્ષ્ય હોય તો નવું શીખવા માટે પણ પ્રેરિત થાય છે. નવું શીખવાની પ્રવૃત્તિ જ ભવિષ્યમાં તાકાત બનીને ઊભરે છે.
નિર્ણય લો: કરિઅરમાં દરરોજ નાના-મોટાં નિર્ણયો લેવાનાં હોય છે. જેમ કે નવી નોકરી કરવી, કયો નવો કોર્સ શીખવો, કઈ નવી ટૅકનિક શીખવી અને કઈ તકને જવા દેવી. આવી સ્થિતિ દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. એવામાં જો તમારો ગોલ સ્પષ્ટ હોય તો નિર્ણય લેવા સરળ બને છે.
વ્યક્તિ જ્યારે નાના લક્ષ્યને સાધવામાં સફળ થાય તો તેનામાં આત્મવિશ્વાસ વધી જાય છે અને આ જ આત્મવિશ્વાસ મોટાં લક્ષ્ય પાર પાડવામાં મદદ કરે છે. દરેક ક્ષેત્રે કપરો સમય તો આવે જ છે. એક સમયે પ્રમોશન અટકી જાય છે. ઈન્ટરવ્યૂમાં નિષ્ફળ થાય છે. કોઈ પ્રોજેક્ટ ધાર્યું પરિણામ ન આપે. જોકે જેમની પાસે લક્ષ્યની સ્પષ્ટ દિશા હોય તો આ બધી બાબતો તેમનાં માટે મહત્ત્વ નથી રાખતી.
મજબૂત નેટવર્કિંગ: જે વ્યક્તિએ લક્ષ્ય નિશ્ચિત કરી લીધો હોય તે વરિષ્ઠેો અને નિષ્ણાંતોની સાથે નેટવર્કિંગ મજબૂત કરે છે. કેમ કે તે સારી રીતે જાણે છે કે તેને આ લોકો સાથે જ કામ કરવાનું છે અને આ નેટવર્ક જ તેને ભવિષ્યમાં કામ આવે છે.
એથી જીવનમાં આગળ વધવા માટે ચોક્કસ લક્ષ્ય બનાવો. જેનાથી જીવનમાં સફળતા તો આવે જ છે પણ સાથે જ પ્રગતિના પંથ પર આગળ વધતા પણ કોઈ અટકાવી ન શકે.