Thu Sep 03 2026

Logo

કેન્સરના દર્દીઓ માટે માઠા સમાચાર: આયુષ્માન કાર્ડની પેનલમાંથી 300 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આઉટ

2026-04-06 11:58:00
Author: Devayat khatana
કેન્સરના દર્દીઓ માટે માઠા સમાચાર: આયુષ્માન કાર્ડની પેનલમાંથી 300 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આઉટ

નવી દિલ્હી: છેલ્લા અનેક વર્ષોના આંકડાઓ પર નજર નાખીએ તો ભારતમાં કેન્સર એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં દર વર્ષે અંદાજે 15 લાખ નવા કેન્સરના કેસો નોંધાય છે. આ આંકડો કોઈ ટાયર-ટુ કે ટાયર-થ્રી શહેરની કુલ વસ્તી જેટલો વિશાળ છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) ના પેનલમાંથી દેશના અંદાજે 300 જેટલા નામી કેન્સર સ્પેશિયાલિસ્ટોને બહાર કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે દેશમાં કેન્સરના નિષ્ણાત ડોક્ટરોની ભારે અછત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

મળતી વિગતો અનુસાર, નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હોવાના ટેકનિકલ કારણોસર આ ડોક્ટરોને પેનલમાંથી હટાવવામાં આવ્યા છે. જોકે આ ડોક્ટરો પાસે બહોળો અનુભવ અને ઉત્તમ તાલીમ ઉપલબ્ધ છે, પરંતુ તેમણે ખાનગી ક્ષેત્રમાંથી ફેલોશિપ મેળવીને તાલીમ લીધી હોવાથી તેમને આ યાદીમાંથી બાકાત રખાયા છે. 

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે દાયકાઓ પહેલા કેન્સરની સારવાર માટે ફેલોશિપ જ એકમાત્ર વિકલ્પ હતો અને તે સમયે કોઈ ઔપચારિક કોર્સ ઉપલબ્ધ નહોતા. આજે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી ડોક્ટરો કેન્સર હોસ્પિટલમાં બે-ત્રણ વર્ષની ફેલોશિપને જ પ્રાથમિકતા આપે છે.

આ નિર્ણયની સૌથી વધુ માઠી અસર ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોમાં જોવા મળશે, જ્યાં પહેલાથી જ નિષ્ણાત ડોક્ટરોની અછત છે. ૨૦૧૮ના અંદાજ મુજબ, ભારતમાં ૧૦ લાખની વસ્તી સામે માત્ર એક જ કેન્સર ડોક્ટર ઉપલબ્ધ છે. પેનલમાંથી બહાર કરાયેલા ૩૦૦ ડોક્ટરોમાં અનેક વિભાગીય વડાઓ, સિનિયર સર્જનો અને મેડિકલ ડાયરેક્ટરોનો સમાવેશ થાય છે. દેશમાં કુલ અંદાજે ૪૦૦૦ કેન્સર ડોક્ટરો છે, જેમાંથી ૩૦૦ જેટલા અનુભવી તબીબોને સરકારી યોજનામાંથી બાકાત રાખવા એ સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

PM જન આરોગ્ય યોજના હેઠળ મફત સારવાર મેળવતા નબળા વર્ગના લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. આયુષ્માન કાર્ડ દ્વારા કેન્સર જેવી મોંઘી સારવાર મેળવતા દર્દીઓ હવે નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એક તરફ કેન્સરના કેસો વધી રહ્યા છે અને બીજી તરફ અનુભવી ડોક્ટરોને સરકારી પેનલમાંથી દૂર કરવાના નિર્ણયથી દર્દીઓને સારવારના વિકલ્પોમાં મોટો ઘટાડો થશે.