Wed Sep 23 2026

Logo

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: વિઘ્નહર્તાને ચરણે બ્રાન્ડ આડેનાં અનેકવિધ વિઘ્ન

2026-09-13 09:38:00
Author: Sameer Joshi
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: વિઘ્નહર્તાને ચરણે બ્રાન્ડ આડેનાં અનેકવિધ વિઘ્ન

 

 

 

- સમીર જોશી

 

વિધ્નહર્તાના દિવસો આવતી કાલથી શરૂ થશે. કોઈ પણ કાર્યમાં વિઘ્નો ના આવે તે માટે સૌપ્રથમ વિધ્નહર્તા ગણપતિ બાપાનું પૂજન થાય છે. જે-તે કાર્ય આપણે કરવા જઈ રહ્યા હોય તેનાં વિવિધ વિઘ્નો હોઈ શકે, જેના પર વિચાર કરી બાપાના આશીર્વાદથી તે દૂર કરી શકાય. જેમ કાર્યોમાં વિઘ્નો આવે તેમ બ્રાન્ડ બનાવવા માટેના પણ વિઘ્નો હોઈ શકે. તો ચાલો, આજે તે વિઘ્નોને જાણવાનો પ્રયાસ કરીએ

 

બધાં વિઘ્નો વચ્ચે સૌથી મોટું વિઘ્ન એટલે સ્પષ્ટતા. મારે બ્રાન્ડ બનાવવી જોઈએ કે નહીં અને જો બનાવવી હોય તો શા માટે બ્રાન્ડ બનાવવી, તેની સ્પષ્ટતા. આથી આગળનું વિઘ્ન એટલે ગેરસમજ કે બ્રાન્ડ એટલે મેં એક નામ આપી દીધું અને તેનો લોગો બનાવી દીધો એટલે બ્રાન્ડ બની ગઈ. કોઈ બ્રાન્ડને ફક્ત લોગો અથવા ટેગલાઇન તરીકે ગણી ના શકાય, કોઈ વૅલ્યુ પ્રોપોઝિશન કે તેના પોઝિશનિંગ પર કામ ના કરવાથી ગ્રાહકો મૂંઝવણમાં મુકાય છે કે તમારી બ્રાન્ડ શું છે, શું કહેવા માગે છે અને શા માટે તેનું મહત્ત્વ છે. આથી બ્રાન્ડને વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરો.

 

બીજી ગેરસમજ જે વિઘ્ન ઊભું કરે અને તે એટલે ક્નટેન્ટમાં સામ્યતા ના હોવી. વિવિધ પ્લૅટફૉર્મ, મીડિયા પર વિવિધ મેસેજો આપવા. આપણને લાગે કે આપણે તો ક્નટેન્ટ બનાવી રહ્યા છીએ પણ સામ્યતા ના હોવાથી ગ્રાહક અહીં પણ મૂંઝવણ અનુભવે છે અને ક્નટેન્ટનો સુર એક ના હોવાથી ગ્રાહકનો વિશ્વાસ અને ઓળખ નાશ પામે છે. 

 

બ્રાન્ડ બનાવવાનું વિઘ્ન એટલે મારે જેને માલ વેચવાનો છે અર્થાત્‌‍ ગ્રાહકોની વાસ્તવિક સમસ્યાઓને અવગણવી અને તમારી પાસે જે છે તે વેચવા પર ભાર આપવો. આનાથી ઘરાક નારાજ થઈ વેપારથી દૂર થાય છે. તે સમજે છેકે મને જોઈએ છે તે આપવામાં આ વેપારીને રસ નથી. આથી આગળનું વિઘ્ન એટલે, સમય સાથે સુસંગત ના રહેવું. મોટે ભાગે આપણું ધ્યાન ટૂંકા ગાળાના નફા પર હોય છે અને તેથી આપણે ઇનોવેશન અને બદલાતા ગ્રાહક વલણો ના સમજી શકતાં બ્રાન્ડ સુસંગત નથી રહેતી. આમ સ્પષ્ટતા અને ગેરસમજની જેમ ત્રીજું વિઘ્ન એટલે આંતરિક સહમતી. જે કોઈ પણ વેપાર સાથે જોડાયેલા છે- તે પછી પરિવારના લોકો હોઈ શકે, ભાગીદાર હોય, અથવા માલિક અને કર્મચારીઓ હોઈ શકે, બધા એક અવાજે બ્રાન્ડ બનાવવાની તરફેણમાં અને તે વિઝનને આકાર આપવા તૈયાર હોવા જોઈએ.

 

આનાથી આગળનું વિઘ્ન જે નાના વ્યવસાયો માટે વધુ હોય છે અને તે એટલે ઓછા બજેટ સાથે કામ કરવું. આના કારણે બ્રાન્ડને પ્રમોટ કરવાના વ્યાપક માર્કેટિગ પ્રયાસોમાં રોકાણ કરવું મુશ્કેલ બને છે. આનાથી તે પોતાની સાથેના અને મોટા સ્પર્ધકોની તુલનામાં જેમની પાસે વધુ નોંધપાત્ર માર્કેટિગ સંસાધનો છે તેમની પાછળ રહી જાય છે. આવા સમયે જો તેમ વિચારવામાં આવે કે નાણાકીય મર્યાદાઓ હોવા છતાં, અસરકારક માર્કેટિગ વ્યૂહરચના અપનાવીને નોંધપાત્ર પરિણામો મેળવી શકાય છે. આજે સોશ્યલ મીડિયા જેવા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને, આકર્ષક ક્નટેન્ટ બનાવી તેમના પ્રેક્ષકો સુધી પહોંચી શકાય છે. વધુમાં, આજે ઇનફ્લુએન્સરોના સહારે બનાવેલા ક્નટેન્ટનો ઉપયોગ કરીને, બજેટમાં રહીને, બ્રાન્ડ એક્સપોઝરને વધુ વધારી શકાય છે.

 

નાના કદની કંપનીઓના કિસ્સામાં, આ વિષયના આવડતવાળા કર્મચારીઓ અને નિષ્ણાતોની અછતને કારણે તેમને બ્રાન્ડિંગ વ્યૂહરચનાના અમલીકરણમાં વિઘ્ન આવી શકે છે. મોટી કંપનીઓ જે વિશાળ બ્રાન્ડ્સ અને જોઈતા રોકાણકારો સાથે જોડાયેલી હોય છે તેમની પાસે જે કુશળતા અને સંસાધન હોય છે તે નાના વેપારીઓ પાસે ના હોવાથી બ્રાન્ડ વિકસાવવી મુશ્કેલ થઈ શકે છે.

 

ઉપરનાં અને તેવાં ઘણાં વિઘ્નો વિચારી શકાય પણ સૌથી મોટું વિઘ્ન બ્રાન્ડ બનાવવા માટેનું છે. તે બ્રાન્ડ બનાવવાની ઇચ્છા નહીં, માનસિકતા હોવી જોઈએ. ઘણા વેપારીઓને મન આ બધી નક્કામી વાતો છે. બ્રાન્ડ એટલે ખોટો ખર્ચો અને એવા ખર્ચા ના કરાય. માલ વેચાઈ રહ્યો છે, ધંધો વધી રહ્યો છે તો પછી બ્રાન્ડ બનાવવાની શી જરૂર છે? આટલા વર્ષોથી હું સફળતાથી ધંધો કરી રહ્યો છું અને ધંધો વધાર્યો પણ છે તે પણ બ્રાન્ડ બનાવ્યા વગર.  આવી વિચારધારા અનેક આજના સમયે ઘણા વેપારી ધરવે છે જે દૂર કરી બ્રાન્ડ બનાવવાની માનસિકતા કેળવવી પડશે, કારણ કે આપણે વર્ષો સુધી એક સ્થાપિત માનસિકતા સાથે વેપાર કરીએ છીએ અને બ્રાન્ડ સાથે વેપાર કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવો પડશે.

 

 બ્રાન્ડ બનાવવી એ ખરેખર એક પડકાર છે ખાસ કરીને નાના વ્યવસાયો માટે, પરંતુ યોગ્ય વ્યૂહરચના, સમય સાથે બદલાવની તૈયારી, થોડી ધીરજ, જે વિઘ્નો છે તેને સમજીને અને નિશ્ચિત કરેલા ઉકેલોનો અમલ કરીને, કોઈ પણ વ્યવસાયો મજબૂત બ્રાન્ડ સ્થાપિત કરીને પોતાના ગ્રાહકો સાથે અસરકારક રીતે જોડાઈ શકે છે અને બજારમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. પછી ભલે તે ઓછા ખર્ચે વિચારેલી અસરકારક માર્કેટિગ યુક્તિઓનો ઉપયોગ હોય, ટેક્નૉલૉજી અપનાવવી હોય અથવા સુસંગતતા જાળવી રાખવી હોય, સર્જનાત્મકતા અને બ્રાન્ડ વિઝન પ્રત્યે અવિરત પ્રતિબદ્ધતા સફળતાની ચાવી છે.    

 

વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ કે અમારી માનસિકતા બદલવામાં અને બ્રાન્ડ બનાવવા આડે જે પણ વિઘ્નો આવે તેને દૂર કરવામાં અમારી મદદ કરજો જેથી અમે એક મજબૂત બ્રાન્ડ બનાવવાના શ્રીગણેશ કરી શકીએ.