Thu Jul 23 2026

Logo

સંસદમાં વધી હલચલ, અમિત શાહે જેપી નડ્ડા અને પીયૂષ ગોયલ સાથે કરી મુલાકાત, લોકસભા-રાજ્યસભા ફરી સ્થગિત

2026-07-21 15:05:00
Author: Mumbai SamacharTeam
Article Image

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે NEET-UG 2026 પેપર લીકના મુદ્દે વિપક્ષના ભારે હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી. વિપક્ષી સાંસદોએ પરીક્ષામાં થતી કથિત ગેરરીતિઓ, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે બંને ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ સંસદ પરિસરની બહાર પણ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો.

લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતાં જ વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પ્રશ્નકાળ શરૂ થતાં જ અવાજ વધવા પર સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ પણ હંગામો ચાલુ રહ્યો અને ગૃહને અનેક વખત સ્થગિત કરવું પડ્યું હતું. અંતે બપોરે લગભગ ત્રણ વાગ્યે દિવસભરની કાર્યવાહી સમાપ્ત કરવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન લોકસભાની કાર્યવાહી છ વખત સ્થગિત થઈ હતી.

રાજ્યસભામાં પણ પરિસ્થિતિ કંઈ અલગ નહોતી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET-UG 2026 પેપર લીકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી બાબત છે. તેમણે આરોપ લગાવ્યો કે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને સરકાર આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં અને અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાન કૌભાંડના મુદ્દે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપસભાપતિ હરિવંશે સભ્યોને ગૃહની ગરિમા જાળવી રાખવા અને ચર્ચા દ્વારા મુદ્દા ઉઠાવવા અપીલ કરી હતી, પરંતુ હંગામો શાંત થયો ન્હોતો. રાજ્યસભાની કાર્યવાહી પણ પાંચ વખત સ્થગિત થયા બાદ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

હંગામા વચ્ચે રજૂ થયા વિધેયક

હંગામા વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 34 થી વધારીને 38 કરવા સંબંધિત વટહુકમના સ્થાને બિલ (વિધેયક) રજૂ કર્યું. જોકે, ‘વંદે માતરમ્’ના અપમાનને દંડનીય અપરાધ બનાવવા સાથે જોડાયેલા પ્રસ્તાવિત બિલને રાજ્યસભામાં રજૂ કરી શકાયું નહીં. સંસદ પરિસરની બહાર પણ હજારો પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકી દીધા. સ્થિતિ તંગ બનતાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો. સુરક્ષાના કારણોસર સંસદના કેટલાક પ્રવેશદ્વાર પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

અમિત શાહે જે.પી. નડ્ડા અને પીયૂષ ગોયલ સાથે કરી મુલાકાત

સંસદ ભવન પરિસરમાં મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને પીયૂષ ગોયલે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સંસદના વર્તમાન સત્ર દરમિયાન ગૃહના કામકાજ અને સરકારની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે બેઠકમાં વિપક્ષના વલણ, મુખ્ય કાયદાકીય કાર્યો અને આગામી સંસદીય એજન્ડા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. જોકે, આ બેઠક અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.