મુંબઈ: હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટ સેશન ચાલી રહ્યું છે, એવામાં વિધાન ભવનમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે. આજે સવારે મહારાષ્ટ્ર વિધાન ભવન કાર્યાલયના ઓફિશિયલ ઇમેઇલ એડ્રેસ પર બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી, મુંબઈ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરીને વિધાન ભવનમાં પરિસરને ખાલી કરાવ્યું છે, હાલ સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) પણ વિધાન ભવનમાં તૈનાત છે.
Mumbai, Maharashtra: Security was heightened at Maharashtra Vidhan Bhavan after a bomb threat. The Mumbai Police, along with the Bomb Detection and Disposal Squad and dog squad, conducted searches and intensified security checks pic.twitter.com/N9ERyXpj8r
— IANS (@ians_india) March 12, 2026
નોંધનીય છે કે હાલ બજેટ સેશન ચાલી રહ્યું હોવાથી મોટાભાગના વિધાન સભ્યો વિધાન ભવનમાં હાજર હતાં, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પણ વિધાન પરિસરમાં હાજર હતાં. એવામાં પરિસરમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે.
ધમકી પોકળ સાબિત થઇ:
અહેવાલ મુજબ સંપૂર્ણ પરિસરની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, ઉચ્ચ અધિકારીઓની મંજુરી બાદ વિધાન સભ્યો અને કર્મચારીઓને વિધાન ભવનમાં પ્રવેશ આપવામાં આવી શકે છે. અહેવાલ મુજબ સવારે 11 વાગ્યા બાદ વિધાનસભાની કાર્યવાહી ફરી શરુ થઇ શકે છે.
ધમકીભર્યો ઇમેઇલ કોણે મોકલ્યો અને તેનો ઉદ્દેશ્ય શું હતો, એની તપાસ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા:
નોંધનીય છે કે છેલ્લા ઘણાં સમયથી દેશના વિવિધ વિસ્તાઓમાં શાળા, કોલેજ, કોર્ટ પરિસર અને વિમાનમાં બોમ્બ વિસ્ફોટની ધમકીના મેસેજ મળી રહ્યા છે. સદભાગ્યે હજુ સુધી કોઈ નીચ્છનીય ઘટના બની નથી, આ તમામ ધમકી પોકળ સાબિત થઇ રહી છે. પણ ચિંતાની વાત એ છે કે હજુ સુધી તપાસ એજન્સીઓ આ ધમકી કોણ આપી રહ્યું છે અને તેમનો ઈરાદો શું છે એ જાણી શકી નથી.