શો-શરાબા - દિવ્યકાંત પંડ્યા
કમલ હસન, રજનીકાંત, વિશાલ ભારદ્વાજ, શાહિદ કપૂર, પ્રિયદર્શન , સની દેઓલ
આજે બોલિવૂડમાં હવા એવી ફૂંકાઈ રહી છે કે જાણે આપણે ટાઈમ મશીનમાં બેસીને 2000ના દાયકાના એ સુવર્ણ કાળમાં પાછા પહોંચી ગયા હોઈએ. અત્યારે થિયેટરના દરવાજે ઊભા રહીને જુઓ તો એવું લાગે કે મુંબઈની ફિલ્મ નગરીમાં જાણે કોઈ બહુ મોટું ‘ગેટ ટુ-ગેધર’ ચાલી રહ્યું છે. 2026માં કંઈક આવું જ થઈ રહ્યું છે. કલાકારો અને ડિરેક્ટર્સની જોડી અત્યારે ફરીથી હાથ મિલાવી રહી છે.
સૌથી પહેલા વાત કરીએ એ જોડીની જેણે હંમેશાં રૂપેરી પડદા પર લોહી અને પરસેવાની સાથે કવિતા વણી છે એટલે કે શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ. ‘કમીને’ એ તોતડો ગુડ્ડુ હોય કે ‘હૈદર’ નું પાગલપન, વિશાલે હંમેશાં શાહિદની અંદરના અસલી એક્ટરને ઢંઢોળીને બહાર કાઢ્યો છે. હવે 2026માં ‘ઓ’ રોમિયો’ સાથે એવો જ માહોલ ગરમાયો હતો.
હુસૈન ઝૈદીની ડાર્ક અંડરવર્લ્ડ દુનિયા અને એમાં શાહિદનો પેલો ઉસ્તરાવાળો રફ અંદાજ! વિશાલ ભારદ્વાજની
ફિલ્મ્સમાં જે દેશી માટીની સુગંધ અને અંધારી ગલીઓનો રોમાંચ હોય છે, તે આ રિયુનિયનમાં સાફ દેખાય છે. શાહિદ માટે પણ આ એક રીતે પોતાની ચોકલેટી બોયની છાપ પર ફરીથી રગ્ડ (Rugged) અવતારનું રિયુનિયન હતું.
પછી આવે છે સિરિયલ કિસરથી સિરિયસ એક્ટર બનેલો ઈમરાન હાશ્મી. 2007માં ‘આવારાપન’ જોઈને કોણ એવું હતું, જેણે શિવમના પ્રેમ અને પસ્તાવા માટે આંસુ નહીં સાર્યાં હોય? આજે વર્ષો પછી જ્યારે ‘આવારાપન’ની વાત નીકળે છે, ત્યારે દિલમાં એ જ જૂની યાદો તાજી થાય છે. ઈમરાન હાશ્મી અને વિશેષ ફિલ્મ્સનું આ ‘આવારાપન’ સાથે રિયુનિયન છે. ઈમરાનનો એ ટ્રેડમાર્ક અંદાજ, લાંબા વાળ, આંખોમાં ગમ અને પાછળ વાગતું સૂરીલું મ્યુઝિક, આ બધું જ ફરી પાછું આવી રહ્યું છે.
હવે થોડી હસી-મજાક અને ધમાલની વાત કરીએ.
અક્ષય કુમાર અત્યારે જે રીતે બેક-ટુ-બેક રિયુનિયન કરી રહ્યો છે, તે જોઈને લાગે છે કે એને પોતાની જૂની લય સમજાઈ ગઈ છે. અક્ષય અને પ્રિયદર્શન એટલે હાસ્યનો ગેરંટીડ ડોઝ! ‘ભૂત બંગલા’ની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ ઉત્સુક થઈ ગયા છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે આ જોડી પાછી આવે અને સાથે પરેશ રાવલ તથા રાજપાલ યાદવ જેવા કલાકારો હોય ત્યારે ટિકિટબારી પર લાઈનો લાગવાની આશા બંધાય...
પણ અક્ષય અહીં જ નથી અટકતો. પ્રિયદર્શન સાથેની જ તેની બીજી ફિલ્મ ‘હૈવાન’ માં એ ફરીથી સૈફ અલી ખાન સાથે દેખાશે. યાદ છે ‘મેં ખિલાડી તુ અનાડી’, ‘ટશન’ અને તેમની જોડીની અન્ય ફિલ્મ્સ? સૈફ અને અક્ષયની એ જુગલબંદી 2026માં ફરી જીવંત થઈ રહી છે, પણ આ વખતે પ્રિયદર્શન એમને થોડા સિરિયસ થ્રિલર મોડમાં લાવ્યા છે.
દેશભક્તિના અસલી સુપરસ્ટાર સની પાજી એટલે કે સની દેઓલ અત્યારે 2.0 વર્ઝનમાં જીવી રહ્યો છે. ‘ગદર 2’ પછી તેણે સમજી લીધું છે કે લોકો તેને કયા રૂપમાં જોવા માગે છે. ‘બોર્ડર 2’ એ માત્ર જેપી દત્તાની ફિલ્મની સિક્વલ નથી, પણ સની દેઓલના એ ગરમાગરમ તેવરનું રિયુનિયન છે. 29 વર્ષ પછી ફરીથી બોર્ડર પર દુશ્મનોને લલકારતા સની પાજીને જોવા એ એક લહાવો છે, પણ એનાથી પણ વધુ રસપ્રદ તેનું એક રિયુનિયન છે. રાજકુમાર સંતોષી સાથેની તેની આગામી મુલાકાત ... ‘ઘાયલ’ - ‘ઘાતક’ અને ‘દામિની ’ આ ફિલ્મ્સે સનીને જે ઊંચાઈ આપી હતી, એ જ જાદુ ‘લાહોર 1947’ માં ફરીથી જોવા મળશે એવું લાગે છે. આમિર ખાન જ્યારે આ પ્રોજેક્ટમાં નિર્માતા તરીકે જોડાયો છે ત્યારે સમજી લેવું કે વાર્તામાં દમ જરૂર હશે.
થોડી ‘હટકે’ વાત કરીએ તો 2026માં એક એવું રિયુનિયન થયું છે જેની કોઈએ આશા નહોતી રાખી. ‘હેપ્પી પટેલ’માં આમિર ખાન, વીર દાસ અને ઈમરાન ખાન! હા, વર્ષોથી રૂપેરી પડદાથી દૂર રહેલો ઈમરાન ખાન ફરી પાછો આ ફિલ્મમાં દેખાયો. વીર દાસના ડિરેક્શનમાં અને આમિરના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ આપણને પેલા ‘ડેલ્હી બેલી’ના જમાનામાં લઈ જાય છે, જ્યાં કોમેડી થોડી રફ, હટકે અને એકદમ ઓરિજિનલ હતી.
-અને છેલ્લે આખા ભારતીય સિનેમાનું એક તગડું રિયુનિયન એટલે કમલ હાસન અને રજનીકાંત. 47 વર્ષ! તમે કલ્પના કરી શકો છો? જે બે માણસે આખી ઈન્ડસ્ટ્રી ચલાવી, જે એકબીજાના કટ્ટર હરીફ ગણાયા તે બન્ને આજે નેલ્સન દિલીપકુમારની ફિલ્મમાં સાથે આવી રહ્યા છે. આ રિયુનિયન માત્ર દક્ષિણ ભારત પૂરતું સીમિત નથી, પણ આખા ભારત માટે એક તહેવાર જેવું છે. લેધર જેકેટ, હાથમાં ગન અને એ જૂનો રેટ્રો અંદાજ, આ બંને સુપરસ્ટાર્સને સાથે જોવા એ સિનેમા પ્રેમીઓ માટે ગંગા ન્હાયા બરોબર છે.
આમ જોવા જઈએ તો 2026 એ માત્ર અંક નથી, પણ મનોરંજન દેવની કૃપાથી ભારતીય સિનેમા માટે ભરોસાનું વર્ષ છે. જ્યારે નવું કામ નથી કરતું ત્યારે જૂના સંબંધો અને જૂની કેમેસ્ટ્રી જ કામ આવે છે. આ રિયુનિયન્સ એ વાતની સાબિતી છે કે ભલે જમાનો ગમે તેટલો બદલાય, પણ જ્યારે જૂના જોગીઓ ભેગા થાય છે ને, ત્યારે અસલી મનોરંજનની આશા રખાય છે.
લાસ્ટ શોટ
કમલ હાસન અને રજનીકાંત છેલ્લે 1985ની ફિલ્મ ‘ગિરફ્તાર’માં સાથે દેખાયા હતા!