Sun Oct 04 2026

Logo

બાન્દ્રાથી સાંતાક્રુઝ વચ્ચે રવિવારે પાણીપુરવઠો બંધ...

2026-03-24 08:49:00
Author: Yogesh C. Patel
બાન્દ્રાથી સાંતાક્રુઝ વચ્ચે રવિવારે પાણીપુરવઠો બંધ...

મુંબઈ: નવી નાખવામાં આવેલી 750 મિલીમીટર વ્યાસની પાણીની મુખ્ય પાઈપલાઈનને જોડવાનું કામ હાથ ધરાવાનું હોવાથી રવિવારે બાન્દ્રા પશ્ચિમથી સાંતાક્રુઝ પશ્ચિમ વચ્ચેના મોટા ભાગના પરિસરમાં પાણીપુરવઠો બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ પાલી હિલ જળાશયની પાણીની સ્થિતિ સુધારવા માટે બાન્દ્રા પશ્ચિમના રામદાસ નાઈક માર્ગ, સ્વામી વિવેકાનંદ માર્ગ અને આર. કે. પાટકર માર્ગ જંક્શન દરમિયાન 750 મિલીમીટર વ્યાસની પાણીની મુખ્ય પાઈપલાઈન નાખવામાં આવી છે. આ પાઈપલાઈન કાર્યાન્વિત કરવાનું કામ શનિવારની રાતે 11 વાગ્યાથી રવિવારની સાંજે પાંચ વાગ્યા સુધી હાથ ધરાશે.

લગભગ 16 કલાક ચાલનારા આ કામને કારણે એચ વેસ્ટ વૉર્ડના અનેક વિસ્તારોમાં રવિવારે પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે, જ્યારે કેટલાક વિસ્તારમાં ઓછા દબાણથી પાણીપુરવઠો થશે, એવું જણાવી પાલિકાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન પાણીનો ઉપયોગ કરકસરથી કરવાની સાથે આગામી ચારથી પાંચ દિવસ પાણી ઉકાળીને અને ગાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.