નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) નું સુકાન નીતિન નબીનને સોંપાયા બાદ આજે પાર્ટી દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા પાર્ટીના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ અને અન્ય મહત્વના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી ટીમમાં દેશના વિવિધ રાજ્યોના દિગ્ગજ નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નવી ટીમમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સહિત અનેક દિગ્ગજ ચહેરાઓને સ્થાન મળ્યું છે.
સ્મૃતિ ઈરાનીના નામની સૌથી વધુ ચર્ચા
આ નવી ટીમમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ સ્મૃતિ ઈરાનીનું છે, જેમને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે વિનોદ તાવડે, સુનિલ બંસલ અને બિપ્લબ કુમાર દેબને પણ રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે. આ ઉપરાંત વસુંધરા રાજે સિંધિયા, રામ માધવ, તીરથ સિંહ રાવત અને બૈજયંત જય પાંડા જેવા દિગ્ગજોને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે બી.એલ. સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે નિયુક્ત છે અને પિયુષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin द्वारा निम्नलिखित सदस्यों को भाजपा के राष्ट्रीय पदाधिकारी एवं अन्य दायित्वों पर नियुक्त किया जा रहा है। (1/2) pic.twitter.com/tcTJsJG0dc
— BJP (@BJP4India) August 17, 2026
ગુજરાતના કયા કયા નેતાઓને મળ્યું સ્થાન?
ભાજપની આ નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના નેતાઓનો પણ સારો એવો દબદબો જોવા મળ્યો છે. ગુજરાતમાંથી મુખ્યત્વે ત્રણ નેતાઓને રાષ્ટ્રીય સંગઠનના મુખ્ય હોદ્દાઓમાં સ્થાન મળ્યું છે. જેમાં વર્ષાબેન દોશીને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુજરાતના બે નેતાઓ જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકેની મહત્વની જવાબદારી આપીને સંગઠનમાં તેમનું કદ વધારવામાં આવ્યું છે.
ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષની કમાન
વિવિધ મોરચાઓના રાષ્ટ્રીય અધ્યક્ષોની નિમણૂકમાં પણ ગુજરાતને એક અત્યંત મહત્વનું સ્થાન મળ્યું છે. ગુજરાતના ડૉ. હેમાંગ જોશીને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષની કમાન સોંપવામાં આવી છે. જ્યારે મહિલા મોરચાની જવાબદારી છત્તીસગઢના રૂપ કુમારી ચૌધરીને અને ઓબીસી મોરચાની જવાબદારી અમરપાલ મૌર્યને સોંપાઈ છે. આ નિમણૂકો સાથે ભાજપે આગામી સમયની રણનીતિઓને ધ્યાનમાં રાખીને યુવા અને અનુભવી નેતાઓનો શ્રેષ્ઠ સમન્વય સાધ્યો છે.