Tue Oct 06 2026

Logo

ભાજપના સાંસદનો ચોંકાવનારો દાવોઃ કૉંગ્રેસે કારગિલ, POK અને સર ક્રીક પાકિસ્તાનને સોંપવાની કરી હતી તૈયારી

2026-09-16 16:49:00
Author: Mayur Patel
ભાજપના સાંસદનો ચોંકાવનારો દાવોઃ કૉંગ્રેસે કારગિલ, POK અને સર ક્રીક પાકિસ્તાનને સોંપવાની કરી હતી તૈયારી

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જુલાઈ 2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ બાદ સરહદ પર આતંકવાદનો સામનો કરવા અંગે કૉંગ્રેસના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં દુબેએ યુપીએ સરકારના ડિપ્લોમેટિક વલણની તુલના વર્તમાન સરકારના વલણ સામે કરી હતી. કૉંગ્રેસે હવાના બેઠક દરમિયાન કારગિલ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) અને સર ક્રીકને પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કર્યો હોવાનો દાવો કર્યો હતો.

કૉંગ્રેસ અમેરિકાના દબાણમાં કામ કરતી હતી
નિશિકાંત દુબેએ 16 સપ્ટેમ્બર, 2006ના હવાનામાં તત્કાલની પીએમ મનમોહન સિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચે દ્વીપક્ષીય બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન તત્કાલીની પીએમ મનમોહન સિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચે અમેરિકાના દબાણમાં બેઠક થઈ હતી. જુલાઈ 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ  થયા હતા, જેમાં આશરે 200 લોકોના મૃત્યુ થયા હતા. હજારો લોકો દિવ્યાંગ અને ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ હુમલાનું વાતાવરણ બની ગયું હતું, પરંતુ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ નબળી, લાચાર અને અમેરિકન દબાણમાં કામ કરી રહી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાને બદલે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પોતાની ઓગસ્ટની બેઠકમાં એવો નિર્ણય કર્યો કે વાતચીત દ્વારા સમાધાન કરવામાં આવશે.

 

વિકિલીક્સના ખુલાસાઓનો હવાલો
વિકિલીક્સના ખુલાસાઓનો હવાલો આપતાં દુબેએ આરોપ લગાવ્યો કે યુપીએ નેતૃત્વ વ્યાપક રાજદ્વારી કરારો હેઠળ કારગિલ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને સર ક્રીકના મામલે છૂટછાટો આપવા તૈયાર હતું. 22 સપ્ટેમ્બર 2006ના વૉશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ અને દક્ષિણ એશિયાઈ નેતાઓ વચ્ચે થયેલી બેઠકોના ઐતિહાસિક રેકોર્ડનો ઉલ્લેખ કરતાં દુબેએ દાવો કર્યો કે દ્વિપક્ષીય વાતચીતની વિગતો ભારત-અમેરિકા પરમાણુ કરાર હેઠળ સોંપવામાં આવી હતી.

તમામ વિગતો રાષ્ટ્રપતિ બુશને સોંપી દીધી
ભાજપના સાંસદે જણાવ્યું કે આ સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે કે આપણે 2006ની હવાના બેઠકમાં જ કારગિલ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને સર ક્રીક પાકિસ્તાનને સોંપી દેવાનો નિર્ણય કરી લીધો હતો. આ બેઠક પછી તરત જ 22 સપ્ટેમ્બર 2006ના પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહ અમેરિકા પહોંચ્યા અને વાતચીતની તમામ માહિતી રાષ્ટ્રપતિ બુશને સોંપી હતી. આપણે પરમાણુ કરારમાં જ આપણું સાર્વભૌમત્વ અમેરિકાને સોંપવાનો નિર્ણય કરી લીધો હતો.

રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો
બંને સમયગાળાની સરખામણી કરતાં દુબેએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે 2006માં પાકિસ્તાન સાથે થયેલી રાજદ્વારી વાતચીત અને 2025ના પહલગામ આતંકી હુમલા પર વર્તમાન સરકારની પ્રતિક્રિયા વચ્ચેના તફાવત અંગે જવાબ માંગ્યો હતો. પહલગામ હુમલા પછી સેનાએ સરહદ પાર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું. દુબેએ કહ્યું કે રાહુલ ગાંધીએ જનતાને ૨૦૨૫ની પહલગામ ઘટના અને ત્યાર બાદ થયેલા ઓપરેશન સિંદૂરની સરખામણી 2006ના મુંબઈ બ્લાસ્ટ અને ત્યાર બાદ પાકિસ્તાન સાથે થયેલી ગળે મળવાની ઘટનાઓ સાથે કરીને સમજાવવું જોઈએ.