Wed Aug 19 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ નીતિન નબીનનનો ગઢ છિનવી પી. કે.એ ભાજપનું નાક વાઢ્યું

2026-08-04 08:41:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

દેશના રાજકારણ માટે જરાય મહત્ત્વની ના કહેવાય એવી ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામ ભાજપ માટે આંચકાજનક છે. બિહારની બાંકીપુર, ગુજરાતની માંજલપુર અને મધ્ય પ્રદેશની દતિયા આ ત્રણ વિધાનસભા બેઠકોમાંથી બાંકીપુર અને માંજલપુર એ બે બેઠકો ભાજપ પાસે હતી પણ ભાજપ તેમાંથી માંજલપુર બેઠક જ જાળવી શક્યો છે જ્યારે બાંકીપુર બેઠક હારી ગયો છે. 

મધ્ય પ્રદેશની દતિયા બેઠક 2023માં કૉંગ્રેસે જીતેલી પણ એ પહેલાં ભાજપનો ગઢ હતી. 2023માં કૉંગ્રેસે આ ગઢના કાંગરા ખેરવી નાખ્યા પછી આ વખતે ભાજપે દતિયા જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધેલી પણ ભાજપ કૉંગ્રેસને ના હરાવી શક્યો.  

ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકારો છે. સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષ જીતતો હોય છે પણ ભાજપ બે રાજ્યોમાં પોતાની સત્તા હોવા છતાં જીતી ના શક્યો એ મોટી નાલેશી કહેવાય. તેમાં પણ બિહારની બાંકીપુરની હાર તો ભાજપ માટે બે રીતે આબરૂનો ફજેતો છે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનો ગઢ છે. નીતિન નબિન રાષ્ટ્રીય પ્રમુખ બનતાં ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા તેથી આ બેઠક ખાલી પડેલી.  

નીતિન નબીન છેલ્લી 4 ટર્મથી આ બેઠક પર જીતતા હતા તેથી આ વખતે પણ ભાજપ સરળતાથી જીતી જશે એવું લાગતું હતું પણ આશ્ચર્યજનક રીતે ભાજપ હારી ગયો. ભાજપના ઘા પર મીઠું ભભરાવવા જેવી વાત પાછી એ છે કે, બાંકીપુરમાંથી ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર ઉર્ફે પી. કે. જીતી ગયા છે. હજુ બે વરસ પહેલાં જ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પી. કે.ની જન સુરાજ પાર્ટીનું સાવ પડીકું થઈ ગયું પછી ભાજપના નેતા પી. કે.ની હાંસી ઉડાવતા હતા. એ જ પી. કે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની બેઠક આંચકી ગયા એ ભાજપ માટે આંચકાજનક તો કહેવાય જ. 

પી. કે.ની જીતના પિષ્ટપિંજણમાં શું બહાર આવે છે એ જોઈએ પણ આ પરિણામો દેશના મતદારોનો મિજાજ બદલાઈ રહ્યો છે કે શું એ સવાલ પેદા કરે છે. તેનું કારણ એ કે, લોકોએ માત્ર ભાજપને નથી નકાર્યો પણ બિહારમાં ફરી બેઠા થવા માગતા તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળને પણ નકારી છે. આરજેડીનાં મહિલા ઉમેદવાર રેખા કુમારીને પૂરા 15 હજાર મત પણ મળ્યા નથી તેના પરથી એવું લાગે કે, આરજેડી જેવા જ્ઞાતિવાદને પોષનારા પક્ષોના દાડા તો સાવ જ ભરાઈ ગયા છે. 

એક મત એવો છે કે, જેન-ઝી ભાજપથી નારાજ છે તેનો ફાયદો પી. કે.ને મળી ગયો. નીટ પેપર લીક થયું તેમાં ભાજપની સરકારે પાપીઓને છાવરવાનાં ફાંફાં માર્યાં તેથી નારાજ જેન-ઝીએ પી. કે. જેવા શિક્ષિતને મત આપવાનું પસંદ કર્યું હોય એ શક્ય છે. બિહારમાં ભાજપે પક્ષપલટુ સમ્રાટ ચૌધરીને ગાદી પર બેસાડી દીધા તેના કારણે ભાજપના કાર્યકરો નારાજ હોય ને સક્રિય ના રહ્યા હોય તેના કારણે પી. કે.ને ફાયદો થયો હોય એ પણ શક્ય છે પણ આ જીતે પી. કે.ની રાજકીય કારકિર્દીને જીવતદાન આપી દીધું છે તેમાં શંકા નથી. પી. કે. મોટા ચૂંટણી વ્યૂહરચનાકાર ગણાતા હોવા છતાં પોતાની જન સુરાજ પાર્ટીને એક પણ બેઠક ના જીતાડી શક્યા એ કલંક આ જીતથી થોડું ભૂંસાશે. 

મધ્ય પ્રદેશમાં પણ દતિયા બેઠકની હાર ભાજપ માટે લપડાક સમાન છે. દતિયા એક જમાનામાં મધ્ય પ્રદેશ ભાજપના દિગ્ગજ બ્રાહ્મણ નેતા નરોત્તમ મિશ્રાનો ગઢ હતો. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા આ બેઠક પરથી ત્રણ વાર જીત્યા હતા પણ 2023માં કૉંગ્રેસના રાજેન્દ્ર કુમાર ભારતીને મિશ્રાએ હરાવીને તેમના પ્રભુત્વનો અંત આણ્યો હતો. 3 એપ્રિલ 2026ના રોજ, દિલ્હીની એક વિશેષ અદાલતે 2015ના કેસમાં બેંક સાથે છેતરપિંડી કરવા બદલ રાજેન્દ્ર ભારતીને 3 વર્ષની જેલની સજા ફટકારતાં આ બેઠક ખાલી પડેલી.
 
મિશ્રાએ ફરી ટિકિટ માટે ભારે ધમપછાડા કર્યા પણ ભાજપે તેમના બદલે આશુતોષ તિવારીને ટિકિટ આપી દીધેલી. મિશ્રાએ રીતસરની બગાવત કરી નાખેલી પણ હાઈકમાન્ડે લાલ આંખ કરતાં છેવટે મિશ્રા ઠંડા પડી ગયેલા. જો કે અંદરખાને નારાજ મિશ્રાએ તિવારીનું તપેલું ચઢાવીને કૉંગ્રેસના ઘનશ્યામસિંહને જીતવામાં મદદ કરી હોવાની શક્યતા નકારી ના શકાય. મુખ્યમંત્રી મોહન યાદવ ભ્રષ્ટાચારના કારણે વગોવાયેલા છે તેની પણ અસર પડી હશે. કારણ ગમે તે હોય, દતિયામાં ભાજપનું નાક વઢાયું જ છે. 

ગુજરાતમાં ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલનાં નિધનથી ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી છે. ભાજપના સતેન્દ્રભાઈ ઉર્ફે સતિષ પટેલે કૉંગ્રેસના ભીખાભાઈ રબારીને હરાવ્યા છે પણ તેમની લીડ બહુ ઘટી છે. અલબત્ત લીડ આંકડાની રીતે ઓછી થઈ પણ મતદાનની ટકાવારીને જોતાં બહુ નથી ઘટી તેથી ભાજપ માટે ચિતાનું કારણ નથી. 

યોગેશ પટેલ 2022માં માંજલપુરમાંથી 1 લાખ કરતાં વધારે મતે જીતેલા જ્યારે સતિષ પટેલની લીડ માંડ માંડ 30 હજારને પાર થઈ છે તેનું કારણ સાવ ઓછું મતદાન છે. પેટાચૂંટણી હોવાથી મતદારોને તો ઝાઝો રસ નહોતો જ પણ ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરોને પણ રસ નહોતો તેથી માંડ 37 ટકા મતદાન થયેલું. 2002માં 61 ટકા મતદાન થયેલું તેની સરખામણીમાં 24 ટકા ઓછું મતદાન થયું ને બધા મળીને માંડ 82 હજાર મત પડેલા એ જોતાં લીડ ઘટવાની હતી જ.

યોગેશ પટેલ સામે 2022માં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવાર હતા. બંને ભેગા મળીને લગભગ 31 હજાર મત લઈ ગયેલાં પણ મતો વહેંચાઈ ગયેલા તેથી લીડ લાખને પાર થઈ ગઈ. સતિષ પટેલની સામે કૉંગ્રેસના ભીખાભાઈ રબારી જ હતા તેથી સીધાં જંગમાં લીડ ઓછી લાગે, બાકી ભાજપ વિરોધી મતોને ધ્યાનમાં લઈને ગણતરી કરો તો યોગેશ પટેલની લીડ સતિષ પટેલ કરતાં કંઈ બહુ વધારે નહોતી. 

ટકાવારીની રીતે 2022માં યોગેશ પટેલને કુલ પડેલા 1.30 લાખ મતમાંથી 1.20 લાખની આસપાસ એટલે કે લગભગ 80 ટકા મત મળેલા જ્યારે સતિષ પટેલને 82 હજારમાંથી 56 હજાર એટલે કે લગભગ 70 ટકા મત મળ્યા છે. યોગેશ પટેલ ધુરંધર નેતા હતા ને 1990થી જીતતા હતા તેના કારણે આટલો ફરક તો રહે જ ને! 

ટૂંકમાં ભાજપે ગુજરાતમાં કંઈ ચિંતા કરવા જેવું નથી પણ મધ્ય પ્રદેશ અને બિહારનાં પરિણામો ચોક્કસ ચિંતાજનક છે. વિધાનસભાની એકાદ બેઠકની પેટાચૂંટણીની હારથી કોઈ રાજ્યનાં રાજકીય સમીકરણો બદલાઈ જતાં નથી પણ લોકોના મિજાજની ઝલક ચોક્કસ જોવા મળી જાય છે. ભાજપ તો આ બધું પારખવામાં ને તરત તેની દવા કરવામાં બહુ પાવરધો છે એ જોતાં બિહાર ને મધ્ય પ્રદેશમાં નવાજૂની થાય તો નવાઈ ના પામતા.