ન્યુ યોર્ક: યુએસ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે સેકસ્યુઅલ ઓફેન્ડર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી ફાઈલ્સ રિલીઝ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. જસ્ટિસ ડીપાર્ટમેન્ટે યુએસની ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સનાં કેટલીક મહિલાઓ સાથેના ફોટો જાહેર કર્યા હતાં, જેને કારણે ગેટ્સની ટીકા કરવામાં આવી રહી છે. આજે બિલ ગેટ્સે જેફરી એપસ્ટીન સાથેના તેમના સંબંધો બદલ ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીઓ સમક્ષ માફી માંગી છે.
ગેટ્સ ફાઉન્ડેશનના પદાધિકારીને ટાંકીને યુએસના એક પ્રમુખ અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ગેટ્સે તાજેતરની ટાઉન હોલ મીટિંગ દરમિયાન તેમના કાર્યોની જવાબદારી સ્વીકારી હતી.
અહેવાલ મુજબ મુજબ, બિલ ગેટ્સે ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીઓને કરેલા સંબોધન દરમિયાન બે રશિયન મહિલાઓ સાથે તેમના સંબંધ હોવાની વાત સ્વીકારી હતી, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે તે સંબંધો એપસ્ટીનના સ્કેન્ડલની પીડિતા સાથે જોડાયેલા નહોતા.
ગેટ્સ ફાઉન્ડેશનની છબીને નુકશાન:
ગેટ્સે કર્મચારીઓને કહ્યું કે એપ્સટીન સાથે સમય વિતાવવો અને તેની સાથેની બેઠકોમાં ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓને સામેલ કરવા એ એક મોટી ભૂલ હતી. ગેટ્સે કહ્યું, "જેઓ મારી ભૂલને કારણે આ કેસમાં ફસાયા એ તમામ લોકોની માફી માંગુ છું.”
ગેટ્સે સ્વીકાર્યું કે તેની ભૂલોને કારણે ગેટ્સ ફાઉન્ડેશનની છબીને નુકશાન પહોંચ્યું છે, આ સાથે ગેટ્સે એમ પણ જણાવ્યું કે તમણે એપસ્ટીનની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ન હતો. ગેટ્સે કહ્યું, "મેં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં ભાગ નથી લીધો, હું ગેરકાયદે પ્રવૃતિઓનો સાક્ષી પણ નથી રહ્યો. એપસ્ટીન સ્કેન્ડલની પીડિતા કે તેની આસપાસની મહિલાઓ સાથે ક્યારેય સમય વિતાવ્યો નથી."
તેમણે સ્પષ્ટતા કરી કે જે બે મહિલાઓ સાથે તેમના સંબંધોની ચર્ચા થઇ રહી છે, એ એપસ્ટીનની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ન હતી, તેઓ તેની પીડિતા ન હતી.
નોંધનીય છે કે એપસ્ટીન સાથેના સંબંધોને કારણે બિલ ગેટ્સની છબી ખરડાઈ છે, તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માટે તેમને આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું.