Sun Aug 23 2026

Logo

પાટણના સિદ્ધપુરમાં બે ખેડૂતોના અકસ્માતમાં કરૂણ મોત, કારચાલક ફરાર

2026-08-09 22:43:15
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા બિલિયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બે ખેડૂતોના ગંભીર ઇજાને કારણે કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ભાગી છૂટ્યો હતો. આ કરૂણ ઘટનાથી સમગ્ર બિલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સિદ્ધપુર પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગંભીર ઈજા પહોંચી
બિલિયા ગામના વતની નવીન પટેલ અને અંબારામ પટેલ પોતાના ખેતરે ખેતીકામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ કરીને જ્યારે બંને ખેડૂતો બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બિલિયા ગામ નજીક રોડ ક્રોસ કરતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે બેફામપણે વાહન હંકારીને તેમની બાઇકને અડફેટે લીધી હતી. આ ટક્કરમાં કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ બાઇક સવાર બંને ખેડૂતો ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈને આશરે 20 ફૂટ દૂર જઈને રોડ પર પટકાયા હતા. આ કારણે એમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ખેડૂત પરિવારમાં શોક
અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતોને તાત્કાલિક સારવાર અર્થે સિદ્ધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમને વધુ સઘન સારવાર માટે મહેસાણા લઈ જતી વખતે રસ્તામાં જ અંબારામ પટેલે દમ તોડી દીધો હતો, જ્યારે નવીન પટેલે બીજા દિવસે સારવાર દરમિયાન પ્રાણ ગુમાવ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈને  ફરીવાર બિલિયા રોડ ગોઝારો સાબિત થયો છે. ખાસકરીને આ અકસ્મતાથી ખેડૂત પરિવારમાં શોક છવાઈ ગયો છે.