શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં નવા મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત
પટણા: બિહારમાં સત્તા પરિવર્તન અને નવી સરકારની રચનાની અંતિમ રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. આવતીકાલે બપોરે 2 વાગ્યે મુખ્ય પ્રધાન આવાસ પર નીતીશ કુમારે જનતા દળ યુનાઈટેડ (JDU)ના ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે, ત્યાર પછી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની 3 વાગ્યે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના ધારાસભ્ય દળના નેતા એટલે કે રાજ્યના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરશે ત્યાર બાદ સાંજે 4 વાગ્યે સેન્ટ્રલ હોલમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ના ધારાસભ્ય દળની સંયુક્ત બેઠક મળશે, જેમાં ભાજપના નેતાને ગઠબંધનના નેતા તરીકે ચૂંટીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા રાજભવન મોકલવામાં આવશે.
બિહારમાં ભાજપના નેતૃત્વમાં બનનારી આ પ્રથમ NDA સરકાર 15 એપ્રિલે શપથ લેશે. હાલમાં સરકારની રચના માટે નાયબ મુખ્ય પ્રધાન સીએમ સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ તેજ થયો છે. JDU નેતા સંજય ઝા અને લલન સિંહે સમ્રાટ ચૌધરી સાથે 40 મિનિટ સુધી મુલાકાત કરી હતી, જે બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગી પણ ત્યાં પહોંચ્યા હતા. સરકારની રચનાની તમામ ગતિવિધિઓનું કેન્દ્ર અત્યારે નીતીશ કુમાર કુમાર અને સમ્રાટ ચૌધરીનું નિવાસસ્થાન બન્યું છે. ભાજપના નવા સીએમની પસંદગી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે સવારે પટના પહોંચશે.
આવતીકાલે નીતીશ કુમારની કેબિનેટની છેલ્લી બેઠક
સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા મુજબ, 14 એપ્રિલે નીતીશ કુમારની કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન નીતીશ કુમાર રાજભવન જઈને પોતાનું રાજીનામું સુપરત કરશે, જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. રાજીનામું આપીને પરત ફર્યા બાદ નીતીશ કુમાર JDU ધારાસભ્ય દળની બેઠક કરશે. મહત્વની વાત એ છે કે, નીતીશ કુમાર હવે સાંસદ બની ગયા હોવાથી JDU ધારાસભ્યોએ પણ તેમનો નવો નેતા પસંદ કરવો પડશે, જે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય હોય. ભાજપ પાસે સમ્રાટ ચૌધરી અથવા વિજય સિન્હાને જાળવી રાખવાનો વિકલ્પ છે, પરંતુ નવી સ્થિતિમાં ફેરફારની શક્યતા નકારી શકાય તેમ નથી.
શિવરાજ સિંહને સોંપવામાં આવી જવાબદારી
છેલ્લા પાંચ મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં જે પ્રક્રિયા શરૂ થઈ હતી તે હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. અગાઉ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને નિરીક્ષક બનાવાયા હતા, પરંતુ હવે જવાબદારી શિવરાજ સિંહને સોંપાઈ છે. બિહારના રાજકીય ઈતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે કારણ કે પ્રથમ વખત ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં રહીને મુખ્યમંત્રી પદ સંભાળવા જઈ રહ્યું છે. આગામી 48 કલાક બિહારના ભાવિ રાજકારણ માટે અત્યંત મહત્વના સાબિત થશે.