Tue Oct 06 2026

Logo

નેહા પછી રિયાઃ બિહારમાં વધુ એક યુવતી બ્રાન્ડેડ દારુ સાથે ઝડપાઈ, જાણો કુંડળી?

2026-09-09 15:12:50
Author: Vimal Prajapati
નેહા પછી રિયાઃ બિહારમાં વધુ એક યુવતી બ્રાન્ડેડ દારુ સાથે ઝડપાઈ, જાણો કુંડળી?

પ્રતીકાત્મક તસવીર


પટનાઃ બિહારમાં દારૂબંધી હોવા છતાં દારૂ માફિયાઓ અવનવી રીતો અજમાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. સમસ્તીપુરમાંથી નેહા નામની યુવતીની ધરપકડ બાદ હવે પટનામાંથી રિયા નામની યુવતી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવતી કોઈ પ્રોફેશનલ ગુનેગાર નથી પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વિદ્યાર્થિની છે, સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ રૂપિયાની લાલચમાં દારૂની હેરાફરી કરી હોવાનો ખુલાસો કર્યો છે. 

પટના જંકશન બહારથી બાઇક પર જતાં ઝડપી
આ ઘટના પટનાના કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. કોટવાલીના એએસપી કૃષ્ણ મુરારી પ્રસાદના જણાવ્યા અનુસાર પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે પટના જંકશન આસપાસ વિદેશી દારૂનો મોટો જથ્થો સપ્લાય થવાનો છે. પોલીસને મળેલી ટિપના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પટના જંકશન પરથી ટ્રેનમાંથી ઊતરીને બેગ સાથે બહાર નીકળેલી યુવતી જ્યારે બાઇક પર સવાર થઈને જઈ રહી હતી ત્યારે પોલીસે શંકાના આધારે તેને રોકીને તલાશી લીધી હતી.

પૈસાની લાલચમાં પહેલીવાર તસ્કરીનો ખુલાસો
યુવતીના હેન્ડબેગ અને શોલ્ડર બેગમાંથી આશરે રૂપિયા 14,000ની કિંમતની બ્રાન્ડેડ વિદેશી દારૂની અડધા ડઝનથી વધુ બોટલો મળી આવી હતી. યુવતી ઉત્તર પ્રદેશથી ટ્રેન મારફતે દારૂની બોટલો લઈને પટના પહોંચી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવતી પટનાના જ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. રિયાએ દાવો કર્યો છે કે તે અગાઉ ક્યારેય આવા ગુનામાં સામેલ નહોતી. માત્ર પૈસાની લાલચમાં આવીને તેણે પહેલીવાર આ કામ કર્યું હતું. જો કે, આ દારૂ કોને આપવાનો હતો અને આ સમગ્ર નેટવર્ક પાછળ મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે? તેની તપાસ શરૂ કરી દીધી છે.

પહેલા નેહા નામની યુવતીને દારૂ સાથે ઝડપાઈ હતી
આ અગાઉ સમસ્તીપુરમાંથી પોલીસે નેહા નામની યુવતીને દિલ્હીથી આવતી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાંથી દારૂની બોટલો સાથે પકડી પાડી હતી. નેહા તેના પરિજના સભ્યો સાથે મળીને ડોક્ટરો અને હાઈપ્રોફાઈલ લોકોને મોંઘો દારૂ સપ્લાય કરતી હતી. પટના અને સમસ્તીપુરની આવી ઘટના પરથી સાબિત થાય છે કે, પોલીસને ચકમો આપવા માટે દારૂ માફિયાઓ હવે યુવતીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

ગયા મહિના દરમિયાન ગુજરાત પછી બિહાર અને મધ્ય પ્રદેશમાં લઠ્ઠાકાંડે દેશને હલાવી નાખ્યો હતો. દારુબંધીવાળા રાજ્યમાં બેરોકટોક દારુની હેરાફેરી થઈ રહી છે, પરંતુ હવે ટ્રેનો માધ્યમ બની રહ્યું છે, ત્યારે ગયા અઠવાડિયે મોડલ જેવી દેખાતી નેહા (રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનમાં બે સૂટકેસ સાથે ઝડપાયા) પછી રિયા નામની યુવતી વિદેશી દારુના જથ્થા સાથે ઝડપી લેતા દારુબંધીને લઈ મહિલાઓ પણ ગેરકાયદે ધંધામાં જોતરાઈ રહી હોવાની બાબત ગંભીર છે.