Tue Jul 21 2026

Logo

ખોટી રીતે પાર્ક કરાયેલા ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં બે પિતરાઇનાં મોત

2026-02-17 17:48:00
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ખોટી દિશામાં પાર્ક કરાયેલા ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં બે પિતરાઇનાં મોત થયાં હતાં. ભિવંડીના વેહલગાંવ માર્ગ નજીક રવિવારે રાતે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બંને પિતરાઇની ઓળખ આયૂષ વિજય જાધવ (19) અને હૃષીકેશ રાજેશ જાધવ (25) તરીકે થઇ હતી. બંને જણ મંદિરમાં દર્શન કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બંને જણ રાતના 11.30 વાગ્યાની આસપાસ મોટરસાઇકલ પર દિવા પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર પાર્કિંગ લાઇટ્સ કે વોર્નિંગ સિગ્નલ વિના ખોટી દિશામાં પાર્ક કરાયેલા ડમ્પર સાથે તેમની મોટરસાઇકલ અથડાઇ હતી. 

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને પિતરાઇના ઘટનાસ્થળે મોત થયાં હતાં. અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયો હતો. બંનેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. 

નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો દિવા વિસ્તારમાં આસનગાંવ માર્ગ પર આવેલી ઇમારતમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડમ્પરના ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો.

નારપોલી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ડમ્પરના ડ્રાઇવર સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની શોધ ચલાવવામાં આવી હતી. (પીટીઆઇ)