Mon May 25 2026

Logo

ભાવનગરના ભડભીડ ટોલનાકા નજીક ગોઝારા અકસ્માતમાં  ત્રણ યુવાનના મોત

2026-05-20 19:23:19
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ ભાવનગર-ધોલેરા રાજ્ય ધોરીમાર્ગ પર ભાલ પંથકના ભડભીડ ટોલનાકા નજીક મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ફોરવ્હીલર ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. ઓવરસ્પીડમાં દોડી રહેલી કારે આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગમાં એટલી જોરદાર ટક્કર મારી કે ગાડી સંપૂર્ણ પણે ભંગાર બની ગઈ અને ત્રણેય સવારો મોતને ભેટ્યા હતા.

આ અકસ્માતની મળતી  વિગતો અનુસાર ભાવનગર નજીક ભડભીડ ટોલનાકાથી આશરે એક કિલોમીટરના અંતરે 3 નંબરની ખાડી પાસે રાત્રીના અંધકારમાં આ અકસ્માત ઘટ્યો હતો. ફોરવ્હીલર ગાડી અત્યંત વધુ ઝડપે ધોરીમાર્ગ પર દોડી રહી હતી. આ દરમ્યાન આગળ ધીમી ગતિએ જઈ રહેલા ભારે કન્ટેનરના પાછળના ભાગ સાથે ગાડી સીધી જ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.  ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીનો સંપૂર્ણ આગળનો ભાગ ચગદાઈ ગયો અને ગાડીનું પડીકું વળી ગયું. અંદર ફસાયેલા ત્રણેય સવારોને બહાર નીકળવાનો કોઈ અવસર જ ન મળ્યો અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરૂ ઊડી ગયા.

આ કારમી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા ઉં. વ.૪૦, બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા ઉં. વ. ૪૮ અને ઈમ્તિયાઝ અરુણ મલેક ઉં. વ.૪૮ હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને રાહત-બચાવ ટીમ તત્કાળ ઘટનાસ્થળે ધસી આવ્યાં. ગાડીનો ભુક્કો બોલાઈ ગયો હોવાથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢવાનું કામ અત્યંત કઠિન બન્યું હતું. અથાગ મહેનત બાદ ત્રણેય મૃતદેહ બહાર કઢાયા અને પોસ્ટ-મોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

અકસ્માતના સમાચાર વીજળીવેગે ફેલાઈ ગયા અને મૃતકોના સ્વજનો, સગા-સંબંધીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સર ટી. હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા.  પ્રિયજનોને ગુમાવેલા પરિવારજનોનો વિલાપ ત્યાં ઉપસ્થિત સૌના કાળજાને કંપાવી ગયો હતો. 

ભાવનગર-ધોલેરા ધોરીમાર્ગ પર આ પ્રકારના અકસ્માતો અવારનવાર સર્જાતા રહ્યા છે. ઓવરસ્પીડ, ભારે વાહનો અને અપૂરતી લાઇટિંગ આ માર્ગ પર સૌથી મોટા જોખમ સ્વરૂપ ગણવામાં આવે છે. આ ઘટના ફરી એકવાર ઝડપ મર્યાદાના પાલન અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. 

આ બનાવ અંગે ભડભીડ પોલીસ ચોકી તથા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.