Fri Aug 28 2026

Logo

ભાવનગરમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ! સરકારી શાળાઓની ફાયર સેફ્ટી માટે 5 લાખની લાંચ માંગનાર ACBના સકંજામાં

2026-04-20 22:10:22
Author: Devayat Khatana
ભાવનગરમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ! સરકારી શાળાઓની ફાયર સેફ્ટી માટે 5 લાખની લાંચ માંગનાર ACBના સકંજામાં

ભાવનગર: ભ્રષ્ટાચારના ભોરિંગે સરકારી તંત્રને ભરડામાં લીધું છે. ગઇકાલે જીએસટી  અધિકારી બાદ આજે ભાવનગરમાં એન્ટિ કરપ્શન બ્યૂરોએ ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર અને તેના વચેટિયાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સરકારી શાળાઓની ફાયર સેફ્ટીની કામગીરી માટે 5 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી પણ અંતે એસીબીએ રંગે હાથે ઝડપી લીધા હતા.

મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લામાં સરકારી શાળાઓની ફાયર સેફ્ટીની કામગીરીમાં લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર અને તેના વચેટિયાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે જિલ્લાની 79 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો બેસાડવાનો પેટા કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ કામગીરી પૂર્ણ થયા બાદ ફાયર સેફ્ટી પ્લાન અને સર્ટિફિકેટના એપ્રુવલ માટે ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. આ અરજીઓ મંજૂર કરવાના બદલામાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર અમૃતભાઇ પટેલે રૂ. 5,00,000 ની લાંચની માંગણી કરી હતી.

લાંચની આ રકમ પૈકી અગાઉ રૂ. 50,000 વચેટિયા પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ મારફતે સ્વીકારી લેવામાં આવ્યા હતા. બાકીના રૂ. 4,50,000 માંથી રૂ. 2,00,000 આપવાનું આજે નક્કી થયું હતું. જોકે, ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને તેમની ટીમે ભાવનગરની સર ટી હોસ્પિટલના ગેટ નંબર-2 પાસે, એસબીઆઈ એટીએમની સામે જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન વચેટિયો પ્રકાશ ચૌહાણ ફરિયાદી પાસેથી લાંચના રૂ. 2,00,000 સ્વીકારતા સ્થળ પર જ ઝડપાઇ ગયો હતો.

એસીબીની કાર્યવાહીમાં મુખ્ય આરોપી મહેશકુમાર પટેલ પણ પોતાની કચેરીએથી હાજર મળી આવ્યા હતા. બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી હોવાનું સાબિત થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ જુઓ...