ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માય ડીયર ફ્રેન્ડ ગણાવે તેમાં તો મોદી સમર્થકો ઓળઘોળ થઈ જાય છે ને ટ્રમ્પનાં ઓવારણાં લેવા માંડે છે. મોદીને મિત્ર ગણાવીને માખણ લગાવતા ટ્રમ્પ ભારતીયો માટેની નફરતને પણ છૂપાવતા નથી ને છાસવારે આ નફરતનું પ્રદર્શન કર્યા કરે છે પણ આ પ્રદર્શન થાય ત્યારે નથી મોદી કંઈ બોલતા, નથી મોદી સાહેબની સરકાર બોલતી કે નથી તેમના સમર્થકો કશું બોલતા. બધાની બોલતી બંધ થઈ જાય છે ને તાજું ઉદાહરણ ટ્ર્મ્પ સરકારના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની જાહેરખબર સામેની ચુપકીદી છે.
ટ્રમ્પે અમેરિકામાં બહારથી આવેલાં લોકોને તગેડી મૂકીને અમેરિકાને અમેરિકનોના જોરે ફરી દુનિયાનો દાદો બનાવવાનું ગાજર લટકાવીને બીજી વાર સત્તા હાંસલ કરી છે તેથી છાસવારે વિદેશીઓને ડિપોર્ટ કરવાનાં નાટકો થયા છે, તેમને લાત મારીને કાઢી મૂકવાની ફિશિયારીઓ મરાય છે. તેના ભાગરૂપે યુએસ સરકારના ગૃહ મંત્રાલય એટલે કે ડીપોર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યોરિટી દ્વારા એક પોસ્ટર અને વીડિયો મૂકાયાં છે.
હોલિવૂડની બ્લોકબસ્ટર મૂવી ટ્રાન્સફોર્મર્સના પોસ્ટરની પેરોડી જેવા પોસ્ટરમાં એક રોબો અને માથે પટકો બાંધેલો ‘મિસ્ટર સિંહ’ બતાવાયો છે. પોસ્ટરમાં લખાણ છે કે, જાતે રવાના થઈ જાઓ, નહિંતર શોધી કાઢીશું. અમારા રસ્તા પરથી હટી જાઓ, મિસ્ટર સિંહ, તમને ડ્રાઈવ કરતાં નથી આવડતું. અમેરિકા ફોર અમેરિક્ધસ સ્લોગન પણ પોસ્ટરમાં છે.
ટ્રમ્પ સરકારે ટ્રાન્સફોર્મર્સ મૂવીની નકલ કરીને એઆઈથી બનાવેલા વીડિયો પણ મૂક્યો છે. આ વીડિયોમાં ટ્રાન્સફોર્મર્સ મૂવીના વિલન ‘મેગાટ્રોન’ને "એલિયન્સ”ની મુક્તિ માટે વાટાઘાટો કરતા દર્શાવવામાં આવ્યો છે. ટ્રમ્પની સરકાર અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓ માટે એલિયન્સ શબ્દ વાપરે છે.
વીડિયોમાં મેગાટ્રોન જેમને છોડાવવા માટે વાટાઘાટો કરે છે એ પાંચ ડ્રાઈવરોનાં નામ હરજિરત સિંહ, રાજેન્દ્ર કુમાર, બેકઝાન બેઇશેકીવ, અખરોર બોઝોરોવ અને જસવીર સિંહ, છે. આ નામોની પસંદગી બહુ રસપ્રદ છે કેમ કે ત્રણ નામ ભારતીય છે ને બે રશિયન છે. આ પાંચેય ડ્રાઈવર અમેરિકામાં રોડ એક્સિડન્ટ્સ અને બીજા ગંભીર અપરાધોમાં સામેલ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે. વીડિયો સાથે લખાણ પણ છે કે, અમારા દેશમાં આક્રમક ઈરાદા સાથે આવ્યા તો છોડીશું નહીં. અમેરિકાનિઝમનો અમે બચાવ કરીશું, અમારી માતૃભૂમિનું અમે રક્ષણ કરીશું.
અમેરિકાની સરકારે ગેરકાયદે રીતે અમેરિકામાં રહેનારાં લોકોને તગેડી મૂકવા માટે અભિયાન છેડ્યું છે. દરેક દેશને પોતાના નાગરિકો સિવાયનાં લોકોને કાઢી મૂકવાનો અધિકાર છે જ તેથી એ અભિયાનમાં કશું ખોટું નથી પણ આ પ્રકારની જાહેરખબરો દ્વારા ટ્રમ્પની સરકાર એવું ચિત્ર ઉભું કરી રહી છે કે, અમેરિકામાં ગેરકાયદે રીતે રહેનારા બધા ભારતીયો જ છે.
ટ્રમ્પ સરકાર ગેરકાયદે રહેનારાંને દર્શાવવા માટે કોઈ ને પણ બતાવી શકી હોત. ટ્રાન્સફોર્મર્સ મૂવીના કેરેક્ટરને અમેરિકન હોમલેન્ડ સીક્યોરિટી ડિપાર્ટમેન્ટ તરીકે દર્શાવાયું એ રીતે સામે પણ ટ્રાન્સફોર્મર્સ મૂવીના એલિયન કેરેક્ટરને મૂકી દેવાયું હોત તો કોઈ સમસ્યા જ નહોતી પણ તેના બદલે ભારતીય લાગે એવા યુવાનને મુકાયો છે ને તેનુ નામ પણ મિસ્ટર સિંઘ રખાયું છે. ભારતમાં શીખો અને હિંદુઓમાં મિસ્ટર સિંહ અટક બહુ સામાન્ય છે એ જોતાં આ જાહેરખબરો ભારતીયોને ટાર્ગેટ કરીને બનાવાઈ છે એ સ્પષ્ટ છે.
થોડી ઘણી શંકા રહી ગઈ હોય તો એ એઆઈ જનરેટેડ વીડિયોથી ખતમ થઈ જાય છે કેમ કે વીડિયોમાં અમેરિકામાં અપરાધ કરતા પાંચ ડ્રાઈવરોમાંથી ત્રણ તો ભારતીય જ બતાવાયા છે. બાકીના બે રશિયન છે તેથી ભારત અને રશિયા મળીને અમેરિકાના કલ્ચરને ખતમ કરી રહ્યાં છે ને અમેરિકા સામે ખતરો ઊભો કરી રહ્યાં છે એવું સ્થાપિત કરવાનો પ્રયત્ન કરાયો છે.
આ વાત વધારે ખટકે છે કેમ કે અમેરિકાને સમૃદ્ધ બનાવવામાં ભારતીયોનું યોગદાન બહુ છે જ્યારે અહીં તો નગુણા ટ્રમ્પ ભારતીયોને અપરાધી સાબિત કરવા મથી રહ્યાં છે, ભારતીયો અમેરિકામાં આક્રમક બદઈરાદા સાથે ઘૂસી રહ્યા હોવાનું સ્થાપવા મથી રહ્યા છે. ટ્રમ્પ અમેરિકનોના માનસમાં ભારતીયો માટે નફરત પેદા કરવા મથી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ છે.
ટ્રમ્પના ઈશારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ) દ્વારા ગેરકાયદે રીતે રહેનારાં સ્વૈચ્છિક રીતે અમેરિકા છોડી જાય એ માટે સીબીપી પ્રોગ્રામ શરૂ કરાયો છે. આ પ્રોગ્રામ હેઠળ કાયદેસર રહેવા માટે યોગ્ય ના હોય એવા બિન-નાગરિકો એપ પર પોતાની માહિતી આપીને સ્વૈચ્છિક રીતે પોતે અમેરિકા છોડી જવા માગતા હોવાની હોમલેન્ડ ડીપોર્ટમેન્ટને જાણ કરે છે. તેમને અમેરિકા છોડવાની મંજૂરી મળે પછી સરકારના માણસો કોલ કે ઈમેલ દ્વારા તેમને ડિપોર્ટ કરવાની વ્યવસ્થા કરે છે.
સામાન્ય રીતે મંજૂરી મળ્યાના 21 દિવસમાં આ વ્યવસ્થા થઈ જાય છે ને અમેરિકા છોડનારને તેના દેશ સુધી જવાની ટિકિટ પણ સરકાર આપે છે. લટકામાં 3000 અમેરિકન ડૉલર પણ અપાય છે. અમેરિકામાં જામી જવા બદલ કરાયેલો દંડ કે સજા પણ માફ કરી દેવાય છે ને કોઈ કાનૂની કાર્યવાહી કરાતી નથી.
આ યોજના સારી છે પણ તેના કારણે ગેરકાયદે રીતે રહેનારા વિદેશીઓ અમેરિકા છોડીને જતા નથી કેમ કે અમેરિકા છોડી દીધા પછી પોતાના દેશમાં જઈને શું કરવું એ સવાલ મોટો છે. પોતાના દેશમાં કશું કરી શકે તેમ ના હોય એટલે તો અમેરિકામાં આવ્યા હોય. અમેરિકામાં ગેરકાયદે રીતે રહેનારા મોટા ભાગના ભારતીયો તો લાખા રૂપિયા ખર્ચીને ને જાત જાતનાં તિકડમ કરીને અમેરિકા પહોંચ્યા હોય છે.
ડૉલર મજબૂત છે ને રૂપિયામાં ફેરવો એટલે તો અધધધ નાણું થઈ જાય. અમેરિકાના લાખ ડૉલર અહીં કરોડ રૂપિયા થઈ જાય તેથી અમેરિકામાં મજૂરી કરીને ડૉલર કમાઈને અહી દેવું ભરવાની ગોઠવણ કરીને લોકો અમેરિકા જાય છે તેથી શરૂઆતનાં ઘણાં વરસો તો દેવું ભરવામાં જ જાય છે. હવે માંડ માંડ સેટલ થયા હોય ત્યાં પાછા ભારત જવાનું થાય તો કોઈ તૈયાર ના થાય તેથી ભારતીયો તો પાછા આવતા જ નથી. ભારતમાં આર્થિક વિકાસ દર 7.8 ટકા થાય કે 8 ટકા થાય, વાસ્તવિકતા તેમને ખબર જ છે એટલે પણ અહીં પાછા આવતા નથી.
અમેરિકામાં ગેરકાયદે રીતે રહેનારા ભારતીયોનો બચાવ થઈ શકે તેમ નથી કેમ કે એ બધા અપરાધી જ કહેવાય. આપણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતના દુશ્મન ગણતા હોઈએ તો અમેરિકામાં ગેરકાયદે રીતે જામી ગયેલા ભારતીયો અમેરિકનોના દુશ્મન જ કહેવાય તેથી ટ્રમ્પ તેમને ટાર્ગેટ કરે એ યોગ્ય છે પણ બધા ગેરકાયદે રહેનારા ભારતીયો છે ને અપરાધી છે એવું ચિત્ર ઊભું કરવા મથે એ ખોટું છે.