Sun Jul 26 2026

Logo

બિહારના ભાગલપુરમાં JDU સાંસદ અજય મંડલના કાર્યાલયમાં ચોરી, બોડીગાર્ડની પિસ્તોલની ચોરી

2026-06-09 10:24:00
Author: Mumbai Samachar Team
Article Image

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં નીતીશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઇટેડ) ના સાંસદ અજય મંડલ ચર્ચામાં આવ્યા છે. અજય મંડલ ચર્ચામાં આવવાનું કારણ આ વખતે કંઈક અલગ જ છે. અજય મંડલની ઓફિસમાં (કાર્યાલયમાં) ચોરીની ઘટના બની છે. ચોરોએ સાંસદ મંડલની ઓફિસમાંથી તેમના બોડીગાર્ડની પિસ્તોલ જ ચોરી લીધી છે.

માહિતી મુજબ, ભાગલપુરના તિલકામાંઝી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજય મંડલની ઓફિસ આવેલી છે. અજય મંડલે ચોરી અંગે જણાવ્યું છે કે, રવિવાર હોવાને કારણે તેમની ઓફિસ બંધ હતી. સોમવારે સવારે જ્યારે તેઓ ઓફિસ પહોંચ્યા, ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. સાંસદના જણાવ્યા અનુસાર, ઓફિસમાં રાખેલી તિજોરી (આલમારી) અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર (DVR) પણ ગાયબ હતું.

સાંસદ તરફથી આ ઘટનાની ફરિયાદ તિલકામાઝી પોલીસને આપવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, ચોરો મુખ્ય દરવાજા (મેન ગેટ)નું તાળું તોડીને અંદર ઘૂસ્યા હતા અને કોમ્પ્યુટરની સાથે ઘણા મહત્વના દસ્તાવેજો પણ ચોરી ગયા છે. ચોરોએ અજય મંડલના બોડીગાર્ડની પિસ્તોલ પણ ન છોડી અને તે પણ ચોરી ગયા. સાંસદની ઓફિસમાંથી બીજો પણ ઘણો સામાન ગાયબ છે.

એવું કહેવાય છે કે અજય કુમાર મંડલ જ્યારે ભાગલપુરમાં હોય છે, ત્યારે આ જ ઓફિસ તેમનું ઠેકાણું હોય છે. તિલકામાઝી વિસ્તારમાં આવેલી અજય મંડલની આ ઓફિસ અને ઘર ત્યારે જ બંધ રહે છે જ્યારે સાંસદ શહેરની બહાર હોય. સાંસદ શહેરમાં ન હોય ત્યારે આ ઓફિસના માત્ર ઓફિસ રૂમનું જ તાળું ખોલવામાં આવે છે. રવિવારના દિવસે આ ઓફિસ બંધ જ રહે છે.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ચોરીની આ ઘટનાને અંજામ આપનારાઓની ઓળખ કરવા માટે પોલીસ આસપાસના સીસીટીવી (CCTV) કેમેરા પણ ચેક કરી રહી છે. પોલીસનો દાવો છે કે ગુનેગારોની ઓળખ ટૂંક સમયમાં કરી લેવામાં આવશે અને તેમની ધરપકડ પણ કરવામાં આવશે. સત્તાધારી ગઠબંધનમાં સામેલ મહત્વની પાર્ટીના સાંસદની ઓફિસમાં થયેલી આ ચોરીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.