Thu May 14 2026

Logo

બેંગલુરુમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ; ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાઓની ધરપકડ કરી, 3 યુવતીઓને છોડાવી

2026-05-14 16:58:42
Author: Vimal Prajapati
Article Image

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભાડાના મકાનમાં ચાલતા આ ગોરખધંધામાં સામેલ બે મહિલા સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ મહિલાઓને તેમના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવી છે. 

ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, બેંગલુરુ પોલીસને બાતમી મળી હતી કે શહેરના અજીત નગર અને વિદ્યાનગર વિસ્તારમાં કેટલાક લોકો ભાડાના મકાન રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ ઇનપુટના આધારે, CCB ના 'વુમન પ્રોટેક્શન સ્ક્વોડ' દ્વારા તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને સ્થળોએ સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસ પૂછપરછમાં પકડાયેલી મહિલાઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

પૈસાની લાલચમાં શરૂ કર્યો હતો ગોરખધંધો

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે વધુ પૈસા કમાવવાની લાલચમાં તેઓ ફોન અને સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતી હતી અને તેમને નક્કી કરેલા સ્થળે બોલાવીને અનૈતિક કામ કરાવતી હતી. આ મામલે આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રેસ્ક્યુ કરવામાં આવેલી ત્રણેય મહિલાઓને પુનર્વસન કેન્દ્રમાં મોકલી આપવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે? ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.