Sun Sep 06 2026

Logo

વર્લ્ડ ઍથ્લેટિક્સની હાઈ જમ્પમાં ભારતનો `ઊંચો કૂદકો': આ ભારતીયએ રચ્યો ઇતિહાસ

Eugene   2026-08-09 16:24:24
Author: Ajay Motiwala
વર્લ્ડ ઍથ્લેટિક્સની હાઈ જમ્પમાં ભારતનો `ઊંચો કૂદકો': આ ભારતીયએ રચ્યો ઇતિહાસ

યુજીન (અમેરિકા): બસંત કુમાર મેઘવાલ (Meghwal) વર્લ્ડ ઍથ્લેટિક્સ અન્ડર-20 ચૅમ્પિયનશિપ્સમાં ઊંચા કૂદકા (High Jump)ની હરીફાઈમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ બન્યો છે. શનિવારે સ્પર્ધાના ચોથા દિવસે તેણે બીજા નંબર પર આવીને સિલ્વર મેડલ જીતી લીધો હતો, જ્યારે ભારતના જ શાહનવાઝ ખાને લાંબા કૂદકાની હરીફાઈમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

મેઘવાલ રાજસ્થાનનો છે

19 વર્ષનો મેઘવાલ રાજસ્થાનમાં સરહદી ભાગમાં આવેલા શ્રી ગંગાનગર જિલ્લાના અનુપગઢનો છે. તેણે આ વિશ્વ સ્પર્ધામાં 2.21 મીટર ઊંચો કૂદકો માર્યો હતો. તે ભારતીય નૌકા દળનો છે અને 2.21 મીટર આ રમતમાં તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. ભારતની ભૂતપૂર્વ રાષ્ટ્રીય વિક્રમધારક હાઇ જમ્પર સહાના કુમારી તેની કોચ છે.

યુજીનની આ જ હરીફાઈમાં અલ્જિરિયાનો યુનેસ આયાચી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2.21 મીટરનું નિશાન પ્રથમ પ્રયાસમાં પાર કર્યું હોવાથી તે ગોલ્ડ મેડલને પાત્ર બન્યો હતો. મેઘવાલે એ માર્કિંગ બીજા પ્રયાસમાં પાર કર્યું હોવાથી રજતચંદ્રક જીત્યો હતો. બ્રિટનનો ઑટિસ પૂલેએ ત્રીજી પ્રયાસમાં 2.21 મીટર પાર કર્યું એ બદલ તેને બ્રૉન્ઝ અપાયો હતો.

શાહનવાઝ ઉત્તર પ્રદેશનો છે

લાંબા કૂદકાની હરીફાઈમાં ભારતના શાહનવાઝ ખાને 7.84 મીટર લાંબો કૂદકો લગાવીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. હરીફાઈમાં આ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. તેના ક્રમવાર લાંબા કૂદકા આ મુજબના હતાઃ 7.67 મીટર, 7.72 મીટર, 7.84 મીટર, 7.52 મીટર, 7.83 મીટર અને 5.37 મીટર. તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના મધઈપુર ગામનો છે. તેના પિતા ટેક્સીચાલક છે.

ઇટલીનો ડેનિયલ ઇન્ઝોલી 7.97 મીટરના લાંબા કૂદકા બદલ ગોલ્ડ મેડલ અને ઑસ્ટ્રેલિયાનો મૅસન મૅક્ગ્રોડર 7.96 મીટર બદલ સિલ્વર મેડલ જીત્યો હતો. આ હરીફાઈમાં કોઈ પણ સ્પર્ધક 8.00 મીટર સુધી નહોતો પહોંચી શક્યો.

શુક્રવારે આશિષ યાદવ ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીત્યો એ સાથે આ વિશ્વ સ્પર્ધામાં ભારતે મેડલ જીતવાની શરૂઆત કરી હતી. ભાલાફેંકમાં ભારતના સુપરસ્ટાર ઍથ્લીટ અને તાજેતરમાં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડાએ આશિષને અભિનંદન આપતા કહ્યું હતું કે `આ તો હજી તારી માત્ર શરૂઆત છે. તેં જે સિદ્ધિ મેળવી એ બદલ મને તારા પર ગર્વ છે.'