હેન્રી શાસ્ત્રી
બૈજુ બાવરા, મિર્ઝા ગાલિબ, કવિ કાલિદાસ, સંગીત સમ્રાટ તાનસેન, બસંત બહાર, બરસાત કી રાત, જહાં આરા... સંગીતપ્રધાન અને વ્યાવસાયિક સફળતા મેળવનારી ફિલ્મો. કર્ણમધુર ગીત- સંગીત ઉપરાંત આ ફિલ્મોને જોડતી એક કડી છે એનો નાયક ભારત ભૂષણ. ભારત ભૂષણે તટસ્થભાવે જો પોતાનું એક્ટર તરીકે મૂલ્યાંકન કર્યું હોત તો અભિનયમાં પાસિંગ માર્ક આપવામાં પણ તકલીફ પડી હોત એ હકીકત ઘણાએ ખટકી શકે છે, પણ એ ખરી છે.
દુ:ખના પહાડ જેને માથે તૂટી પડ્યા હોય એવા લાગણીશીલ અને સહનશીલ કવિ-સંગીતકારના રોલ ધરાવતી એમની ફિલ્મોને સારી સફળતા મળી હતી. સફળતા આગળ અન્ય બાબતો પાણી ભરે એ ન્યાયે અને ભારત ભૂષણજીના ચહેરા પરની માસૂમિયત અને સહજભાવે પ્રગટ થતી પીડાને કારણે લાગણીભીના દર્શકને એમના પાત્ર માટે અનુકંપા જાગે એ સ્વાભાવિક હતું. કદાચ એ જ કારણસર તેમની વરણી એ પ્રકારના નાયક માટે થતી હતી.
ખેર... વો ભી એક દોર થા. એ દોરની જ ભારત ભૂષણના લીડ રોલવાળી ‘બસંત બહાર’ ફિલ્મ ની આજે વાત કરવી છે. આ ફિલ્મની એક એવી ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણતા હશે... સંગીતકાર જોડી SJ- શંકર-જયકિશનની ‘દાદાગીરી’. સંગીતપ્રધાન ફિલ્મોના સમયમાં સંગીતકાર મુખ્ય કલાકાર જેટલું અને ક્યારેક તો એમનાથી વધુ આધિપત્ય ધરાવતા હતા.
1950-60ના દાયકાની એવી અનેક ફિલ્મો છે જેની સ્ટોરી તો શું એના હીરો હીરોઈનનાં નામ પણ સ્મૃતિપટ પરથી નામશેષ થઈ ગયા હોય, પણ એના ગીત સંગીત આજે પણ સાંભળતા મોઢું મલકાઈ જાય, હોઠ એના શબ્દો સૂરમાં ગણગણવા લાગે.
70 વર્ષ પહેલા આવેલી ‘બસંત બહાર’ વિશે કદાચ તમે કશું નહીં જાણતા હો, પણ ‘સૂર ના સજે ક્યા ગાઉં મૈં’ (મન્ના ડે), ‘નૈન મિલે ચૈન કહાં, દિલ હૈ વહીં તૂ હૈ જહાં’ (લતા-મન્ના ડે), ‘કર ગયા મુજ પે જાદુ, સાંવરિયા’ (લતા-આશા), ‘જા જા રે જા બાલમવા’ (લતા મંગેશકર), ‘મૈં પિયા તેરી તૂ માને યા ના માને’ (લતાદીદી) અને એક અનોખું યુગલ ગીત ‘કેતકી ગુલાબ જુહી ચંપક બન ફૂલે’ (ભીમસેન જોશી અને મન્ના ડે) વાગે અને તમારા કાન સરવા થયા વિના રહે નહીં. તમે સાંભળતા તલ્લીન થઈ જાઓ અને સાથે ગણગણવા જરૂર લાગો. ગીત-સંગીતનો આ જાદુ છે અને જૂનાં ગીતોને અલગ રીતે ફરી વાપરવાના ચલણનો વાયરો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાય રહ્યો છે.
1950ના દશકમાં ભારત ભૂષણનો દબદબો હતો. વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ની સફળતા પછી અને ફિલ્મ પ્રોડ્યુસર ભાઈ રમેશચંદ્ર ગુપ્તાના આગ્રહથી ભારત ભૂષણ ફિલ્મ નિર્માણમાં સક્રિય થયા અને એ નિર્ણય તેમની આર્થિક અધોગતિમાં નિમિત્ત બન્યો. અલબત્ત, આજે આપણે એની વાત નથી કરવી. ‘બસંત બહાર’ના નિર્માતા રમેશચંદ્ર ગુપ્તા હતા અને એમના કહેવાથી ભારત ભૂષણ સહ નિર્માતા બન્યા. ‘બૈજુ બાવરા’ના જાદુનું પુનરાવર્તન કરવાના આશય સાથે બનેલી આ સંગીતપ્રધાન ફિલ્મના સંગીતકાર તરીકે અનિલ વિશ્વાસ પર પસંદગી ઊતરી હતી. શાસ્ત્રીય રાગ આધારિત ગીતો તૈયાર કરવામાં એ સમયે અનિલજી અવ્વલ ગણાતા હતા.
જોકે, ‘બરસાત’, ‘આવારા’, ‘દાગ’, ‘આહ’, ‘પતિતા’, ‘શ્રી 420’ વગેરે ફિલ્મોમાં સુપરહિટ - સફળ સંગીતને લીધે શંકર-જયકિશન (SJ)ની બોલબાલા વધી ગઈ હતી. એમની હાજરી ફિલ્મની સફળતામાં વજન ધરાવતી હતી. એમનું નામ ‘સેલેબલ’ હતું મતલબ કે સંગીતકાર તરીકે SJનું નામ હોય તો ફિલ્મ વેચાણમાં આસાની રહેતી. એટલે ડિસ્ટ્રીબ્યુટરના આગ્રહને માન આપી ‘બસંત બહાર’ માટે અનિલ વિશ્વાસના નામ પર ચોકડી મારી શંકર જયકિશનને લેવા પડ્યા. એવી દલીલ કરવામાં આવી હતી કે એસજેને શાસ્ત્રીય રાગ આધારિત ગીતો સ્વરબદ્ધ કરવાનો વિશેષ મહાવરો નથી. જોકે, સંગીતકાર જોડીએ બધાને ખોટા પાડ્યા અને યાદગાર કમ્પોઝીશન આપી પોતાની ‘દાદાગીરી’ને યથાર્થ ઠેરવી. ફિલ્મના બોક્સ ઓફિસ પર ડંકા વાગ્યા એમાં SJનો સિંહફાળો હતો એ હકીકત છે.
થોડા વર્ષ પહેલા ખ્યાતનામ સફળ ફિલ્મ લેખક રોબિન ભટ્ટએ એક અનોખી બાબત પર ધ્યાન દોર્યું હતું. ફિલ્મ દુનિયામાં લેખક તરીકે પોતાની એન્ટ્રી વિશે વાત કરતી વખતે તેમણે ગુલશન કુમારની ફિલ્મ ‘આશિકી’નો ઉલ્લેખ કર્યો હતો. એક દિવસ ગુલશન કુમારે મહેશ ભટ્ટ, રોબિન ભટ્ટ વગેરેને પોતાના મ્યુઝિક સ્ટુડિયોમાં બોલાવી નદીમ શ્રવણે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીતો સંભળાવ્યાં. ગીત-સંગીત બધાને ગમ્યા અને ગુલશન કુમારે એક રોમેન્ટિક ફિલ્મ બનાવવા મહેશ ભટ્ટને ઓફર કરી અને ‘આશિકી’નું બીજારોપણ થયું.
રોબિન ભટ્ટના કહેવા મુજબ ‘અગિયાર ગીતોની કેસેટ અમને આપવામાં આવી હતી અને એના પરથી ફિલ્મ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. સામાન્યપણે ફિલ્મની કથા-પટકથા તૈયાર થયા પછી જ્યાં ‘જગ્યા’ દેખાય ત્યાં ગીતો મૂકવાની એક પ્રથા હતી. અહીં ગીતો તૈયાર હતા અને એની વચ્ચે કથા બેસાડવાની હતી!.’
જોકે, આ રીતે તૈયાર થયેલી ‘આશિકી’ સુપરહિટ સાબિત થઈ હતી. ભારત ભૂષણની ‘બસંત બહાર’ પણ એ જ પ્રકારની ફિલ્મ હતી. ફિલ્મમાં નવ ગીત હતા અને એની આસપાસ કથાએ આકાર લીધો હતો. સાવ ‘આશિકી’ જેવું નહીં, પણ એને મિલતીજુલતી કથા કહી શકાય. ‘બસંત બહાર’ પણ હિટ હતી. આ ફિલ્મના સંગીતથી એક વાત સિદ્ધ થઈ ગઈ કે શંકર જયકિશનની જોડી દરેક પ્રકારનું સંગીત આપવાનું કૌશલ ધરાવે છે. કોઈ પણ ટ્રેન્ડ-ટેસ્ટ કે ગમે એવી ડિમાન્ડ હોય, SJએમાં સફળ સાબિત થઈ શકે છે એવો વિશ્વાસ જાગ્યો. જયકિશનને રાગ ભૈરવી માટે વિશેષ લગાવ હોવાનું કહેવાતું હતું. ‘બસંત બહાર’માં પણ ભૈરવીમાં બે અવિસ્મરણીય ગીત સંગીત બેલડીએ આપ્યા છે ‘મૈં પિયા તેરી તૂ માને યા ના માને’ અને ‘નૈન મિલે ચૈન કહાં...’
એકંદરે ‘બસંત બહાર’ શંકર જયકિશનની ‘દાદાગીરી’ તેમજ એમના અફલાતૂન સ્વરાંકન, ભીમસેન જોશી-મન્ના ડેની વિશિષ્ટ જુગલબંદી અને મોહમ્મદ રફીના બે ગીત હોવા છતાં મન્ના ડેનાં ગીતોને મળેલી વધુ લોકપ્રિયતા માટે બધાના સ્મરણમાં રહી છે એ હકીકત છે. હા, એમાં ભારત ભૂષણ હીરો હતા એ માહિતીમાં ઉમેરો છે...