બાંકીપુરઃ બિહારમાં બાંકીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ, તેની આજે મતગણતરી થઈ રહી છે. આજે સવાર આઠ વાગ્યાંથી જ મતગણતી શરૂ થઈ ગઈ છે. બિહારની આ ખૂબ જ ચર્ચિત વિધાનસભા બેઠક બાંકીપુર પર ભાજપ, જન સુરાજ અને આરજેપી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. તમને જણાવી દઈએ કે, બિહારની આ બાંકીપુર વિધાનસભા બેઠક ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે, આ બેઠક પર 1995થી અત્યાર સુધીમાં માત્ર ભાજપના જ ઉમેદવારની જીત થતી આવી છે. પરંતુ અત્યારે સમીકરણ બદલાઈ શકે તેવું લાગી રહ્યું છે.
વિગતે વાત કરાવમાં આવે તો, અત્યારે ચાલી રહેલી મતગણતરીમાં પ્રશાંત કિશોર આગળ ચાલી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. બાંકીપુર વિધાનસભા બેઠક પર બીજેપીના નીરજ કુમાર સિન્હાને આરજેડીના રેખા ગુપ્તા અને જન સૂરજના નેતા પ્રશાંત કિશોર તરફથી આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પટનામાં ભાજપના કાર્યકરો બાંકીપુર પેટાચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર નીરજ સિંહાની જીતની અપેક્ષાએ મિઠાઈ તૈયાર કરી રહ્યાં છે પરંતુ બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા પછી, પ્રશાંત કિશોર બાંકીપુરમાં આગળ છે.

બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતા પ્રશાંત કિશોરે 3,795 મત મેળવ્યા છે, જ્યારે ભાજપના નીરજ સિંહાને 2,634 મત મળ્યા છે. પ્રશાંત કિશોર 1,161 મતોથી આગળ ચાલી રહ્યાં છે. જો કે, હજી મતગણતરીના 29 રાઉન્ડ બાકી છે. એટલે સમીકરણ ગમે ત્યારે બદલાઈ શકે છે, પરંતુ મૂળ વાત એ છે કે, શરૂઆતી મતગણતરીમાં પ્રશાંત કિશોર 1161 મતોની લીડથી આગળ ચાલી રહ્યાં છે.
બાંકીપુર બેઠક 1995થી ભાજપના કબ્જામાં...
બાંકીપુર બેઠક પર જીતની વાત કરવામાં આવે તો, 1995 થી ભાજપે બાંકીપુર બેઠક ગુમાવી નથી, જ્યારે આ મતવિસ્તાર 'પટણા પશ્ચિમ' તરીકે ઓળખાતો હતો. એપ્રિલમાં રાજ્યસભામાં ચૂંટાયા બાદ નીતિન નવીને આ બેઠક ખાલી કરી હતી. તેમણે ગયા નવેમ્બરમાં સતત પાંચમી વખત આ વિધાનસભા બેઠક જીતી હતી, જેમાં તેમણે તેમના નજીકના હરીફ, આરજેડીના રેખા ગુપ્તાને 50,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. હવે આ બેઠક પર કોણ બાજી મારશે તેના પર નજર છે!