Mon Oct 05 2026

Logo

બાંગ્લાદેશી નાગરિકને સાત મહિનાની જેલ

2026-05-22 19:31:05
Author: Yogesh D. Patel
બાંગ્લાદેશી નાગરિકને સાત મહિનાની જેલ

મુંબઈ: 2005માં ભારતમાં ગેરકાયદે પ્રવેશનારા અને બોગસ દસ્તાવેજોને આધારે કુવૈતમાં એક દાયકા સુધી નોકરી કરનારા બાંગ્લાદેશી નાગરિકને સાત મહિનાની કેદ ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આવા કિસ્સાઓમાં ઉદારતા દાખવવી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી પુરવાર થઇ શકે છે. 

એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ કોર્ટ) કે.એસ. જંવારે બાંગ્લાદેશી નાગરિકને ભારતીય ન્યાય સંહિતા અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો હતો. 21 મેના રોજ આપેલા ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે બીજા દેશનો નાગરિક જે ભારતમાં વિદેશી છે, તે ભારતીય નાગરિક જેવા અધિકારો અને સુવિધાઓનો દાવો કરી શકતો નથી. જો આવી ઉદારતા  દાખવવામાં આવે તો તે રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતીય નાગરિકોના કાયદેસર અધિકારો માટે જોખમી પુરવાર થઇ શકે છે.

જોકે 14 ઑક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરાયા બાદ આરોપી સતત કસ્ટડીમાં તેની સજા પૂર્ણ થઇ ગઇ હોવાનું માનવામાં આવ્યું હતું. કોર્ટે આરોપીને પાછો બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવાના તપાસકર્તા પક્ષને નિર્દેશ આપ્યા હતા.

14 ઑક્ટોબર, 2025ના રોજ ‘પિકલુ ડે’ નામથી પ્રવાસ કરનાર શખસ વ્યક્તિ કુવૈતથી ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. ઇમિગ્રેશન કાઉન્ટર પર ક્લિયરન્સ દરમિયાન અધિકારીને શખસ પર શંકા ગઇ હતી, કારણ કે તેના પાસપોર્ટમાં માત્ર બાંગ્લાદેશ સુધીનો પ્રવાસ દર્શાવવામાં આવ્યો હતો.

તપાસકર્તા પક્ષે કહ્યું હતું કે શખસની ભારતની મુલાકાતના હેતુ અંગે હિન્દીમાં પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે સમજી શક્યો નહોતો કે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. પૂછપરછમાં શખસની ઓળખ ઇકલાજ મોલ્લા (ઉર્ફે ઇકલાજ મુલ્લા) તરીકે થઇ હતી, જે બાંગ્લાદેશના સતખિરા જિલ્લાનો વતની હતો. (પીટીઆઇ)