Fri Oct 02 2026

Logo

માતા-પિતાના બેડરૂમમાંના છૂપા ખાનામાં વકીલે મૂકેલી 10 લાખની રોકડ નોકરાણીએ તફડાવી

2026-09-17 17:52:52
Author: Yogesh C. Patel
માતા-પિતાના બેડરૂમમાંના છૂપા ખાનામાં વકીલે મૂકેલી 10 લાખની રોકડ નોકરાણીએ તફડાવી

પ્રતીકાત્મક તસવીર


વકીલે દીકરીના એન્જિનિયરિંગના એડ્મિશન માટે રૂપિયા જમા કર્યા હતા, જ્યારે નોકરાણીને પતિ માટે બાઈક ખરીદવી હતી

મુંબઈ: દીકરીને એન્જિનિયરિંગમાં એડ્મિશન અપાવવા માટે હાઈ કોર્ટના વકીલે 10 લાખ રૂપિયા માતા-પિતાના બેડરૂમની છત પર બનાવેલા છૂપા ખાનામાં સુરક્ષિત રાખ્યા હતા, પરંતુ કૅરટેકર તરીકે રાખવામાં આવેલી નોકરાણીની નજર પડતાં તેણે પતિ માટે બાઈક ખરીદવા રોકડ તફડાવી હોવાની ઘટના બાન્દ્રામાં બની હતી.બાન્દ્રા પોલીસે 49 વર્ષના વકીલની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ નોકરરાણી તનુજા મંડલની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ચોરીની રકમ હસ્તગત કરવામાં આવી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર વકીલની દીકરીને એન્જિનિયરિંગમાં એડ્મિશન લેવું હતું. તેની ફી ભરવા માટે દંપતીએ કુટુંબ, મિત્ર અને સગાંસંબંધી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જમા કરાયેલા 10 લાખ રૂપિયા વકીલે નવ સપ્ટેમ્બરે તેનાં માતા-પિતાના બેડરૂમની છત પર બનાવેલા છૂપા ખાનામાં રાખ્યા હતા.કહેવાય છે કે મેરિટ લિસ્ટ અનુસાર દીકરીનું એડ્મિશન પાકું થયા પછી ફીની રકમ ભરવાની હતી. આ માટે વકીલની પત્ની બે દિવસ બાદ 10 લાખ રૂપિયા બૅન્કમાં ભરવા જવાની હતી. બૅન્કમાં ભરવા છૂપા ખાનામાંથી રોકડ કાઢવા ગયેલા વકીલને ચોરીની જાણ થઈ હતી. ખાનામાં રૂપિયા ન હોવાથી તનુજા પર શંકા ગઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. એ સિવાય ગેટ પરના ગેસ્ટ એન્ટ્રી રેકોર્ડની ચકાસણી કરાઈ હતી. એ આખા અઠવાડિયા દરમિયાન ફ્લૅટમાં કોઈ બહારની વ્યક્તિ આવી નહોતી. પરિણામે શંકાને આધારે તનુજાને તાબામાં લેવાઈ હતી.તનુજા છેલ્લા એકાદ વર્ષથી વૃદ્ધ દંપતીની કૅરટેકર અને નોકરાણી તરીકે ફ્લૅટમાં કામ કરતી હતી. સાફસફાઈ દરમિયાન તેની નજર છૂપા ખાના પર પડી હતી. તાબામાં લેવાયેલી તનુજાએ કબૂલ્યું હતું કે પતિ માટે બાઈક ખરીદવા તેણે રકમ તફડાવી હતી. જોકે કબાટમાં રાખેલા સોનાના દાગીનાને તેણે હાથ પણ લગાવ્યો નહોતો.