બનારસની વિશ્વવિખ્યાત ટમેટા ચાટ યાદ છે? દુનિયાના ધનવાન પરિવાર એવા અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણીએ નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં ખાસ આ ટામેટા ચાટ બનાવનારાને બનારસથી મુંબઈ આમંત્રણ આપીને બોલાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ ટામેટા ચાટ માત્ર બનારસના કાશીની ગલીઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સાત સમંદર પાર લંડનની ગલીઓમાં પણ તેની ધૂમ જોવા મળી રહી છે. ચાલો તમને જણાવીએ શું છે આખી સ્ટોરી...
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ભારતીયોને ગર્વ અપાવ્યો છે, જેમાં 'ગોરાઓ' દેશી અંદાજમાં આ ટમેટા ચાટની મજા માણતા જોવા મળે છે. બનારસની ટમેટા ચાટનો સ્વાદ જેણે એકવાર ચાખ્યો હોય તે ક્યારેય ભૂલી શકતું નથી. હવે આ જ સ્વાદ લંડનની ગલીઓમાં પીરસાઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે લંડનમાં એક ભારતીય શખ્સ કે જેને લોકો પ્રેમથી પંડિતજી કહે છે એ પૂરા આત્મવિશ્વાસ સાથે બનારસી ટમેટા ચાટ વેચી રહ્યો છે. તેનું એવું કહેવું છે કે, આવી ચાટ આખા યુરોપમાં બીજે ક્યાંય નહીં મળે. આ વીડિયોમાં વિદેશીઓ પ્લેટ ભરીને આ તીખી અને ચટપટી ચાટ ખાતા જોવા મળે છે. બનારસના લોકો આ જોઈને ખૂબ ખુશ છે કે તેમનો વારસો હવે વિદેશમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે.
વાત કરીએ આ ટામેટા ચાટની તો મેશ કરેલા ટમેટા, બાફેલા બટાકા, ગરમ મસાલા અને જીરાવાળી ખાસ ચટણી આ ચાટને અન્ય ચાટથી અલગ પાડે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો માણેક ચોક નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
અત્યાર સુધીમાં આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. અમુક યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ટમેટા ચાટ તો બનારસના પાણીમાં જ શ્રેષ્ઠ લાગે છે. જ્યારે અન્ય લોકોએ પંડિતજીના વખાણ કરતા કહ્યું કે તેમણે બનારસનું નામ રોશન કર્યું છે.