Sat Sep 12 2026

Logo

પાકિસ્તાનમાં બૉલની બબાલ: વાઇટ બૉલ અચાનક પિંક બૉલ થઈ ગયો!

Lahor   2026-03-27 12:21:00
Author: Ajay Motiwala
પાકિસ્તાનમાં બૉલની બબાલ: વાઇટ બૉલ અચાનક પિંક બૉલ થઈ ગયો!

લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 લીગ ગુરુવારે નિરાશાજનક અને વિવાદાસ્પદ માહોલમાં શરૂ તો થઈ, પરંતુ પહેલી જ મૅચમાં બૉલના મુદ્દે અભૂતપૂર્વ બબાલ થઈ ગઈ. મૅચમાં વપરાયેલો વાઈટ બૉલ અચાનક પિન્ક બૉલમાં ફેરવાઈ ગયો હતો.

ક્રિકેટમાં પહેલી જ ઘટના

ડે-નાઇટ ટેસ્ટ મૅચોમાં ગુલાબી બૉલ વાપરવાની પ્રથા લગભગ એક દાયકાથી ચાલી રહી છે, પરંતુ પીએસએલની મૅચમાં જે બન્યું એવું અગાઉ ક્યારે કોઈ ક્રિકેટ મૅચમાં નહોતું બન્યું.

ખરેખર શું કારણ હતું?

લાહોરના ગદાફી સ્ટેડિયમમાં લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે મૅચ ચાલી રહી હતી. આ મૅચમાં સ્વાભાવિક રીતે વાઈટ બૉલ જ વાપરવામાં આવ્યો હતો, પરંતુ મૅચ દરમ્યાન બૉલનો રંગ અચાનક બદલાઈ ગયો હતો. બૉલ સફેદમાંથી ગુલાબી થઇ ગયો હતો. એનું કારણ એ હતું કે હૈદરાબાદ કિંગ્સમેન ટીમના ખેલાડીઓએ જે ટુવાલથી બૉલ સાફ કર્યો હતો એ ટુવાલની ડાઇ બૉલ પર લાગી જવાને કારણે બૉલનો રંગ ગુલાબી થઇ ગયો હતો. અમ્પાયરોનું ધ્યાન ગયું એટલે તેમણે તરત બૉલ બદલી નાખ્યો હતો. તેમણે ‘પિંક બૉલ' પાછો આપીને વાઈટ બૉલ મગાવ્યો હતો.
હૈદરાબાદ કિંગ્સમેન ટીમના કેપ્ટન માર્નસ લાબુશેને મૅચ પછી કહ્યું, ‘મેં મારી જિંદગીમાં આવું પહેલી જ વખત જોયું.'

સોશ્યલ મીડિયામાં ટિપ્પણીઓ

પીએસએલની મૅચો પશ્ચિમ એશિયાના યુદ્ધને ધ્યાનમાં લઈને માત્ર લાહોર અને કરાચીના મેદાનો પર જ રમાવાની છે. પીએસએલની મૅચ વખતે આ મેદાનોના સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને આવવાની મનાઈ છે.  સોશિયલ મીડિયામાં કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ ટિપ્પણી કરી છે કે પીસીબીએ કદાચ નિયમમાં ફેરફાર કરીને પહેલી મૅચમાં પિન્ક બૉલનો ઉપયોગ કર્યો હશે. બીજા એક જણની એવી કમેન્ટ હતી કે પીસીબીએ કદાચ ડોમેસ્ટિક ટી-20માં ગુલાબી બૉલ વાપરવાની શરૂઆત કરી હશે.

જોકે એવું કંઈ જ નહોતું અને હૈદરાબાદની ટીમ માટે વપરાતા ટુવાલનો રંગ બૉલ પર લાગી ગયો હતો અને વાઈટ બોલ પિન્ક બૉલમાં ફેરવાઈ ગયો હતો.

મૅચનું શું પરિણામ આવ્યું?

લાહોર કલંદર્સ ટીમે 20 ઓવરમાં ફખર ઝમાનના 53 રનની મદદથી છ વિકેટે 199 રન કર્યા હતા. ત્યાર બાદ લાહોરની ટીમના બોલર સિકંદર રઝા, હારિસ રઉફ અને ઉબૈદ શાહની બે-બે વિકેટને કારણે હૈદરાબાદની ટીમ ફક્ત 130 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને લાહોરની ટીમનો 69 રનથી વિજય થયો હતો. શાહીન શાહ આફ્રિદી વિજેતા ટીમ લાહોર કલંદર્સનો અને માર્નસ લાબુશેન પરાજિત ટીમ હૈદરાબાદ કિંગ્સમેનનો કેપ્ટન હતો.