Tue Aug 25 2026

Logo

બગોદરા-બાવળા હાઈવે પર ડાયરાની મોજ માણી પરત ફરતા શ્રદ્ધાળુઓની રીક્ષા પલટી, એકનું મોત

2026-04-18 09:22:00
Author: Mayur Patel
બગોદરા-બાવળા હાઈવે પર ડાયરાની મોજ માણી પરત ફરતા શ્રદ્ધાળુઓની રીક્ષા પલટી, એકનું મોત

 

અમદાવાદઃ બગોદરા-બાવળા હાઈવે ફરી એક વખત લોહીલુહાણ થયો હતો. ભાયલા સ્થિત મોગલધામ ખાતે આયોજિત લોક ડાયરો માણીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની રીક્ષા આજે વહેલી સવારે કેરાળા ગામ પાસે પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષાચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

મોગલધામ ભાયલા ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં બાવળામાં રહેતા કેટલાક શ્રદ્ધાળુઓ રિક્ષામાં સવાર થઈને ડાયરો માણવા આવ્યા હતા. ડાયરો પૂરો થયા બાદ વહેલી સવારે તેઓ પરત જતા હતા ત્યારે કેરાળા ગામ પાસે રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી. 

અકસ્માત સર્જાતા રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને અન્ય લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.