Tue Sep 15 2026

Logo

યૂપી ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ પર દુર્ઘટનામાં વધુ 7 લોકોનો મોત, અત્યાર સુધી 13 લોકોના મોત

2026-09-07 14:33:00
Author: Mumbai Samachar Team
યૂપી ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ પર દુર્ઘટનામાં વધુ 7 લોકોનો મોત, અત્યાર સુધી 13 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર બડાગામ ટોલ પાસે રવિવારે મોડી રાત્રે થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૧૩ થઈ ગઈ છે. રાજસ્થાનના બાંગડ ધામના દર્શન કરીને બદાયું પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ગાડીને ટેન્કરે ટક્કર મારી હતી. ટક્કર બાદ પિકઅપ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્તોએ મેરઠની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

અકસ્માત રવિવારની રાત્રે લગભગ સાડા બાર વાગ્યે બડાગામ ટોલ પાસે થયો હતો. પિકઅપમાં કુલ 32 શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ લોકો રાજસ્થાનના બાંગડ ધામના દર્શન કરીને પોતાના ઘરે બદાયું પરત ફરી રહ્યા હતા. કેન્ટરની જોરદાર ટક્કર વાગતાની સાથે જ પિકઅપ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ હતી.

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સીએચસી ખેકડા અને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને વધુ સારવાર માટે મેરઠ અને દિલ્હી રિફર કરવામાં આવ્યા હતા. મેરઠની હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સાત ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. બીજી તરફ, 12 ઇજાગ્રસ્તોની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે.

એક નાનકડી પિકઅપમાં 32 શ્રદ્ધાળુ, નિયમો નેવે મૂક્યા

દુર્ઘટનામાં આ વાત સામે આવી છે કે જે નાનકડી પીકઅપમાં શ્રદ્ધાળુ મુસાફરી કરી રહ્યા હતા તેમાં 32 લોકો સવાર હતા. વાહનમાં જુગાડ કરીને ઉપર-નીચે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને બાળકો તેમજ મહિલાઓ તેમાં સવાર હતી. યાત્રીઓને લઇ જવા માટે નિર્ધારિત ન હોવા છતાં એટલા વધારે લોકોને બેસાડીને લાંબા અંતરની યાત્રા કરાવવામાં આવી રહી હતી. દુર્ઘટનાએ રોડ પર નિયમોની અવગણના અને ઓવરલોડિંગનું ગંભીર ચિત્ર રજૂ કર્યું છે.