નવી દિલ્હી: પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે હાલમાં મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં આ ત્રણમાંથી કોઇ એક દેશ પરનો હુમલો ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે.જેના પગલે ઈસ્લામિક નાટોની રચનાની ચર્ચાએ ફરી જોર પકડયું છે. જોકે, આ દરમિયાન વર્ષ 1955માં જયારે સમગ્ર વિશ્વ બે હિસ્સામાં વિભાજીત હતું. ત્યારે ઇરાક, તુર્કીયે, ઈરાન, પાકિસ્તાન અને બ્રિટને સંયુક્ત રીતે બગદાદ કરાર કર્યો હતો. જેની બાદ આ સંગઠનનું નામ સેન્ટો રાખવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે વર્ષ 1965 અને 1971 માં પાકિસ્તાન મદદની જરૂર હતી ત્યારે આમાંથી કોઇ પણ દેશે પાકિસ્તાનને મદદ નહોતી કરી.
1971ના યુદ્ધમાં પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું
જેમાં વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું હતું. ત્યારે હવે, પાકિસ્તાને મક્કા કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ એક દેશ પર હુમલો એ બધા દેશો પર હુમલો માનવામાં આવશે.
1965માં પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં ઉતર્યું હતું
આ ઉપરાંત જ્યારે વર્ષ 1965માં પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં ઉતર્યું. ત્યારે તેને અપેક્ષા હતી કે તેના સાથી દેશો તેની મદદ માટે આવશે. જોકે, સેન્ટોના સભ્યોએ મદદ ના કરી. જેમાં અમેરિકાએ બંને પક્ષોને શસ્ત્રોનો પુરવઠો અટકાવી દીધો હતો. તુર્કીયે અને ઈરાને નૈતિક ટેકો આપ્યો પણ કોઈ લશ્કરી સહાય આપી નહીં. આ સંઘર્ષમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું. તેમજ પાકિસ્તાનનું અભિમાન તૂટી ગયું.
પૂર્વ પાકિસ્તાનમાં બળવા વચ્ચે ભારત સાથે યુદ્ધ
તેની બાદ આવ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેનું નિર્ણાયક વર્ષ 1971નું યુદ્ધ. જેમાં પાકિસ્તાનને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. જેમાં તે સમયનું પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશમાં આંતરિક બળવા વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. આ દરમિયાન પાકિસ્તાને સેન્ટો દેશોને મદદ માટે અપીલ કરી હતી.
અમેરિકાએ પણ સીધો હસ્તક્ષેપ ટાળ્યો હતો
જેમાં અમેરિકાએ ભારત પર દબાણ લાવવાના પ્રયાસમાં એક યુદ્ધપોત બંગાળની ખાડીમાં તૈનાત કર્યું હતું. પરંતુ કોઈ સીધો લશ્કરી હસ્તક્ષેપ કર્યો ન હતો. જ્યારે બીજી તરફ રશિયાએ ભારતને મદદ કરવા માટે પોતાનો કાફલો મોકલ્યો હતો.
16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની રચના થઇ
તેમજ બગદાદ કરારમાં સામેલ અન્ય દેશો બ્રિટન, તુર્કીયે એ પણ મદદ માટે હાથ અધ્ધર કર્યા હતા. જેના પગલે પાકિસ્તાનને ફરી એક વાર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વિશ્વના રાજકીય નકશા પર એક નવા રાષ્ટ્રનો જન્મ થયો. 16 ડિસેમ્બર 1971 ના રોજ ઢાકામાં શરણાગતિ થઈ અને બાંગ્લાદેશની રચના થઇ. પાકિસ્તાન માટે આ સૌથી મોટી હાર હતી.