Wed Sep 09 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં 15 ઓગસ્ટથી નવો નિયમ: પૂજારીઓ માટે પીળો ડ્રેસ કોડ ફરજિયાત, જાણો કારણ....

2026-08-14 13:13:00
Author: Vimal Prajapati
અયોધ્યા રામ મંદિરમાં 15 ઓગસ્ટથી નવો નિયમ: પૂજારીઓ માટે પીળો ડ્રેસ કોડ ફરજિયાત, જાણો કારણ....

અયોધ્યાઃ રામ જન્મભૂમિ મંદિરમાં અત્યારે અનેક મુદ્દાઓને લઈને ચર્ચામાં છે. હવે રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા-અર્ચનાની વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મંદિરમાં પ્રભુ શ્રીરામલલ્લાની સેવા કરતા તમામ પુજારીઓ હવે એક સમાન ડ્રેસ કોડમાં જોવા મળશે. આવતીકાલે 15 ઓગસ્ટથી તમામ પુજારીઓને પીળા રંગના વસ્ત્રો પહેરાવ ફરજિયાત કરી દેવામાં આવ્યાં છે. ચાલો વિગતે જાણીએ...

નવા નિયમો પ્રમાણે ગરમીમાં કેવા કપડાં પહેરવાના રહેશે?

વિગતે વાત કરવામાં આવે તો, નવા નિયમો પ્રમાણે ગરમીની ઋતુમાં પુજારીઓએ નીચે ધોતી અને ઉપર ખભા પર સીવેલું ન હોય તેવું રેશમી અંગવસ્ત્ર લપેટવાનું સૂચવવામાં આવ્યું છે. ઋતુ પ્રમાણે કપડાં પ્રકાર બદલાશે પરંતુ રંગ તો પીળો જ રાખવામાં આવશે. નવા નિયમ પ્રમાણે શિળાયામાં પુજારીઓએ ઠંડીથી બચવા માટે ઉનના પીળા રંગના જ કપડા આપવામાં આવશે. 

ધાર્મિક પરંપરા અને પવિત્રતાને ધ્યાને રાખી નિર્ણય લેવાયો

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ધાર્મિક પરંપરા અને પવિત્રતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે. ધાર્મિક ન્યાસ સમિતી પ્રમાણે વૈષ્ણવ પરંપરા પ્રમાણે ગર્ભગૃહની મર્યાદા અને પવિત્રતાનું વધારે મહત્વ હોય છે. શાસ્ત્રો અને પરંપરા પ્રમાણે ગર્ભગૃહમાં સુતરાઉ અને સિલાઇવાળા કપડાંને પૂજાના દ્રષ્ટીએ અપવિત્ર માનવામાં આવે છે. જ્યારે રેશમી અને ઉનના કપડાંને શુદ્ધ માનવામાં આવે છે. 

પૂજા વ્યવસ્થામાં આ બીજો મોટો ફેરફાર

તમને જણાવી દઈએ કે, રામ મંદિરમાં પૂજારીઓની ફરજોની યાદી દર મહિનાની અમાવસ્યા અને પૂર્ણિમા પર બદલાય છે. પૂજારીઓની પાળી ફેરવવાની પ્રક્રિયા શ્રાવણ શુક્લ પ્રતિપદાથી શરૂ થઈ હતી. જેથી 15 ઓગસ્ટથી, બધા પૂજારીઓ નવા પોશાકમાં શ્રી રામ લલ્લાની સેવા કરતા જોવા મળશે. દાનની રકમની ગણતરી કરવાની પ્રક્રિયામાં તાજેતરના ફેરફારો પછી, પૂજા વ્યવસ્થામાં આ બીજો મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.