Wed Sep 02 2026

Logo

આસામમાં પૂરથી 3.32 લાખ લોકો પ્રભાવિત, મૃત્યુ આંક 75એ પહોંચ્યો

2026-07-29 18:30:00
Author: Chandrakant Kanoja
આસામમાં પૂરથી 3.32 લાખ લોકો પ્રભાવિત, મૃત્યુ આંક 75એ પહોંચ્યો

ગુવાહાટી: આસામમાં પૂરનો પ્રકોપ હજુ યથાવત છે. જેમાં છેલ્લા 24 કલાકમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ સાત લોકોના મોત થયા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં પૂરની ઘટનાઓમાં 75 લોકોના મોત થયા છે. તેમજ  3.32 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 

મૃતકોના પરિવારો માટે સહાયની રકમ રૂપિયા 9 ​​લાખ 

આ દરમિયાન સરકારે પૂરના  મૃતકોના પરિવારો માટે સહાયની રકમ વધારીને રૂપિયા 9 ​​લાખ કરી છે. તેમજ વળતર મેળવવાના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.

સાત જિલ્લાઓ પૂરની ઝપેટમાં

આસામમાં શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, ચરાઈદેવ, નાગાંવ, સોનિતપુર અને કામરૂપ મેટ્રોપોલિટન સાત જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. એકવીસ મહેસૂલ વર્તુળો અને 622 ગામો પ્રભાવિત થયા છે. જેમાં પૂરથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા 3.32 લાખ સુધી પહોંચી ગઈ છે.

ચરાઈદેવ જિલ્લામાં  1.42  લાખ લોકો અસરગ્રસ્ત 

આસામમાં ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. જેમાં 1.42  લાખ લોકો અસરગ્રસ્ત છે. જ્યારે  શિવસાગર જિલ્લામાં 97,094 લોકો અસરગ્રસ્ત છે.  જોરહાટમાં  57,371 લોકો પૂરથી પ્રભાવિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિવસાગર જિલ્લાના નઝીરા મહેસૂલ વર્તુળમાં ગયા મંગળવારે સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે આ વર્ષે આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 75 થયો છે.

આસામમાં  81 રાહત શિબિરો કાર્યરત

આસામના અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલમાં 81 રાહત શિબિરો કાર્યરત છે. જેમાં  32,477 વિસ્થાપિત લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. જ્યારે 34  રાહત સામગ્રી વિતરણ કેન્દ્રો કાર્યરત છે. સેના, ભારતીય વાયુસેના, NDRF,SDRF, ફાયર વિભાગ અને સ્વયંસેવકો સહિત અનેક એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહ્યા છે.