Wed Jun 17 2026

Logo

ગેરસમજ ત્યારે જ થાય,જ્યારે જવાબ તમે જાતે નક્કી કરી લો !

2026-06-12 08:23:00
Author: Arvind Vekariya
Article Image

અરવિંદ વેકરિયા

આઈ.એન.ટી. એટલે માતબર સંસ્થા. દીપક ઘીવાલા સાથે એમના બુટાલાનાં નવા નાટક ‘તથાસ્તુ’ની રિલીઝ માટે એક રવિવારનો ગેપ આપવા બાબત શું વાત થઈ હશે એ તો એ બંનેને ખબર. સંસ્થા મોટી એટલે ખબર ગોપનીય રહે એ સ્વાભાવિક હતું. અમને કલાકારોને દીપકભાઈ પોતાની હૈયાવરાળ ઠાલવતા એટલે થોડી ખબર પડતી. મારા અનુભવે મને એ વાત સાચી કરવા પ્રેરતું. આમ પણ ખોટું બોલીને દીપકભાઈને કોઈ ફાયદો હોય એવું મને દેખાતું નહોતું. 

એક બુધવારે સવારે ‘મુંબઈ સમાચાર’માં ‘તથાસ્તુ’ નાટકની જા.ખ.‘રવિ: 7II. ભવન્સ: ચોપાટી.’ (લગભગ). હતી. સાથે એક ખૂણામાં પાંચ સે.મી.ની ‘રવિ:7III. જયહિન્દ’ની ‘બે દુની..’ની જા.ખ. પણ હતી. (ત્યારે સંસ્થાનાં નાટકો ‘જયહિન્દ’માં નિયમિત થતાં રહેતાં.) મને નવાઈ લાગી કે કઈ નક્કી થયું હશે અને પછી કોઈ ફેરબદલ થઈ હશે? સંસ્થાનો ‘ઈગો’ ઘવાયો હશે? સંસ્થાને ‘ઈગો’ નથી હોતો. 

પ્રિન્સીપાલ હોય છે. હા, ક્યારેક એના મોવડીમંડળ કદાચ ‘ઈગો’ કવચ પહેરીને સંસ્થાને ઇગોઈસ્ટીક બનાવી નાખતા હોય છે. એવું હશે? કોને ખબર? નાટકની જા.ખ. બીજાં અખબારોમાં આવે કે ન આવે, ‘મુ.સ.’ માં બુધવારે સવારે તો નિર્માતાએ આપવી જ પડતી અને એના પરથી જ મુંબઈનો પ્રેક્ષક પોતાનો રવિવારનો કાર્યક્રમ નક્કી કરતો. હું અને દીપક સોમૈયા ત્યારે સાથે પી.આર.ઓ.નું કામ કરતાં. ત્યારે નાટકની જા.ખ.નો ભાવ સ્ક્વે.સેં.નો માત્ર રૂ: 8/- હતો, પછી રૂ: 16/- અને પછી રૂ: 24/- થયો.

પછી તો... મોંઘવારી સાથે એનાં પણ ભાવ વધતા ગયા. સાથે થિયેટરના ભાડાં પણ વધતા ગયા. આજે નાટકનો રીકરિંગ ખર્ચ ખૂબ વધી ગયો છે. સમ્માન્ય નિર્માતા તો બે-ચાર શોમાં ઠુંસ્સ થઈ જાય છે. આજે બે નાટકની સરખા સમયની જા.ખ.અખબારમાં વાંચીને આંચકો તો લાગ્યો પણ કોઈને ફોન કરવાની હિમ્મત ન કરી શક્યો. ‘બે’ વચ્ચે કઈક તો ગેરસમજ થઈ હોવી જોઈએ. ગેરસમજ ત્યારે જ થાય જયારે જવાબ જાતે નક્કી થાય. જવાબ કયાં પક્ષ તરફથી કેવો ગયો હશે એ તો તે લોકો જાણે.

ત્યારે તો જાણે કોઈ એક્શન કોઈ તરફથી ન લેવાઈ હોય એવું લાગ્યું. એ જાણવાની ઉપાધી પણ ન લીધી. મુંબઈના શો બાબત ‘જણાવીશું’ કહી કલકત્તાની આગામી ચાર-શોની તારીખો સંસ્થા તરફથી આવી ગઈ. મને અવાજ બાબત મારી વાઈફ અને ચાલુ નાટકના નિર્માતાને લેટર લખ્યાં પછી સુરેશ સાથેની મારી દુરી જાણે વધતી જતી હતી. હું ‘બે દુની..’ નાટકની તારીખોની રાહ જોતો રહેતો. એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાક સંબંધો તોડી નાખે છે.

શફી ઈનામદારે પ્રવીણ જોશીનાં ઘણાં ગુજરાતી નાટકો ‘પૃથ્વી થિયેટર’માં હિન્દીમાં ભજવ્યા. તેનો હંમેશાં એક સહાયક રહ્યો હતો, રફીક મુકાદમ. ઝી.ટી.વી. ચેનલે ત્યારે નવા નવા પગરણ માંડ્યા હતા. ઓફિસ હતી એની દૂરદર્શન-વરલી સામે. મને અચાનક રફીકનો ફોન આવ્યો કે, ‘સિરિયલમેં કામ કરના હૈ તો કલ સુબહ ઝી.ટી.વી. કી ઓફિસમેં મિલને આજા’ કહી એણે સરનામું આપ્યું.

હું ઉત્સાહિત થઈ બીજે દિવસે વરલી-રફીકને મળવા પહોંચી ગયો. નાટક-ચેટકની વાતો થઈ. એણે મૂળ વાત કરી કે ઝી.ચેનલ દિલ્લગી નામની એક વિકલી સિરિયલ બનાવી રહ્યાં છે. એમાં એક સિંધી પાત્ર હતું. ભરત દાભોલકર-સિલ્વીસ્ટર ડી’કુન્હાના હિંગ્લીશ નાટક ઇટ્સ નોટ ફની નાટકમાં સિંધી પાત્ર ‘બદલાની’નું પાત્ર ભજવેલું જે રફીકે યાદ રાખેલું. એ નાટકમાં ‘ડાન્સર’નું પાત્ર ભજવનાર હિન્દી કલાકાર જાવેદ જાફરીને પણ આ પાત્ર બહુ ગમેલું. રનીંગ રોલ હતો અને ઘણાં એપિસોડ ચાલવાનો હતો.

મને પ્રલોભન પણ બતાવ્યું કે કમ-સે-કમ તું 1.50 લાખ કમાઈશ. મારા મોઢામાં પાણી આવી ગયું અને લાગ્યું જાણે ખીસ્સા ભીના થઈ ગયા. આઈ.એન.ટી. સંસ્થાનું એક માત્ર હાલ પૂરતું કમિટમેન્ટ કલકત્તાના ચાર શોનું હતું. મેં આ વાત રફીકને કરી. એ કહે’તું સુરેશસે બાત કર લે’. મેં કહ્યું, ‘ઉસકે પીછે બડી કહાની હૈ. મેરી આવાઝકે લિયે ઉસને એક લેટર મેરી વાઈફકો લિખા તબ તક ઠીક થા લેકીન એક ઔર લેટર મેરે રનિંગ પ્રોડ્યુસર કો લિખા વો મુજે હજમ નહિ હુઆ. માના ઉસકા ઈરાદા શાયદ સહી હોગા લેકિન જરાભી ઉચિત નહિ થા. 

તબસે મેં નાટકકી બાતકે સિવા બાત હી નહિ કરતાં હું’ પછી રફીકે જ સુરેશને ફોન જોડ્યો. મને મળી રહેલી તક વિશે એણે બોધીજ્ઞાન આપ્યું, પણ સંસ્થાની નિયમાવલી આગળ કરી ‘મના’ કરી દીધી. એણે ચોખ્ખું કહી દીધું કે ‘સંસ્થા વતી હું આ નિર્ણય ન લઇ શકું. હું ડિરેક્ટર છું પણ આ ઓથોરિટી હાઈ-કમાંડ પાસે હોય. હું બે-ત્રણ દિવસમાં જણાવું?’ રફીકે આજે લીસ્ટ સબમિટ કરવાની અગત્યતા બતાવી. ઉમેર્યું જ્યાદા સે જ્યાદા કલ સુબહ તક... એ સામે સુરેશે હથિયાર હેઠા નાખતા કહી દીધું, ‘તો ફિર ઔર કિસીકો લેલે. કયું કોન્ટ્રાવર્સીમેં પડના. 

ઉસમેં અરવિંદકા નામ ખરાબ હોગા’ કહી ફોન મૂકી દીધો. રફીક મને કહે ‘અગર સુરેશ ચાહતા તો એડજસ્ટ કર સકતા થા. લેકિન નહિ..સંસ્થા કા નામ આગે કરકે રિહર્સલ કી મહેનત ઔર ખર્ચ શાયદ બચા લિયા.’ મેં કહ્યું કે ‘ઇલાબહેનને અમદાવાદ જવું હતું તો એમનું રીપ્લેસમેન્ટ હેમા દીવાન પાસે કરાવી આપ્યું પણ મને આવી તક મળે છે ત્યારે.. રફીક મને કહે આગે કોઈ ટ્રેક નિકલેગા તબ દેખેંગે, જાને દે અપની ભૂલ આગે માલુમ હોગી.’ મેં કહ્યું, ‘જવા દે રફીક, બીજાની ભૂલોનો રોજમેળ રાખનારા પોતાની ભૂલોની નાની ચિઠ્ઠી પણ નથી રાખતા.’ રફીક સાથે વધુ રોકાવાય એમ નહોતું, બીજા પણ ઓડિશનમાં હતા. ભવિષ્યની આશા સાથે હું રફીકથી છૂટો પડ્યો.

એ પછી ‘દિલ્લગી’નું એ સિંધી પાત્ર દિલીપ સોમૈયાએ ભજવ્યું. મેં અપેક્ષાઓ છોડવાની ફરી કોશિશ શરૂ કરી દીધી. જિંદગી પરીક્ષા લે, સંબંધીઓ પેપર ચેક કરે અને સમાજ સલાહ આપે...