Thu Mar 12 2026

Logo

દુ:ખને જતાં ને સુખને આવતાં વાર ન લાગે માટે મનનો દરવાજો મોટો રાખવો…

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

અરવિંદ વેકરિયા

‘મળે સૂર…’ મૂકેશ રાવલ-દેવેશ રાવલ ચલાવતા હતા એ પણ પૂરી નિષ્ઠાથી.! બુકિંગ ઓછું આવે તો પણ એમના મોઢા પર અફસોસના કોઈ ભાવ ન દેખાય. મૂકેશનું તો ‘હમદોનો’નાં ગીત જેવું, ‘…હર ફિક્રકો ધુએમેં ઉડાતા ચલા ગયા..’. એમનાં પક્ષે એવું, પણ હું જરા ઢીલો પડી જતો. ઓફકોર્સ, હું એ દેખાઈ નહિ એટલે મહોરું ચડાવી દેતો જેથી કળાય નહિ. બુકિંગ ધીમે ધીમે ઓછું થતું જતું હતું. મૂકેશ-દેવેશ હવે વધુ ‘સોલ્ડ-આઉટ’ શો માટે મહેનત કરતાં. પબ્લિક શો માટે સારી તારીખ હોય તો જ રિસ્ક લેતાં.

મહેનત એવી રીતે કરતાં જાણે કે પોતાનું જ ‘નિર્માણ’ હોય. આમ છતાં એમની મહેનત જોઈએ એવો રંગ લાવતી નહોતી. એમની મહેનત માટે સાથી કલાકારો કહેતા, ‘મહેનત ફળશે. નાટક જ સારું બન્યું છે’. હું વિચારતો કે નાટક સારું બન્યું છે કે સાધારણ, યોગ્ય સમયે યોગ્ય ચાલક ન મળ્યો હોત તો? આતો બે હાથોની મહેનત ફળે ત્યારે સઘળો જશ હસ્તરેખાને મળે એવી વાત થઈ. મેં મારી ટીમને શક્ય હોય એટલી સાચવવાની કોશિશ કરી અને કરતો રહું છું, જેથી તુષારભાઈની ગેરહાજરી વર્તાય નહિ.

ઘર નાનું હશે તો ચાલશે પણ મનનો દરવાજો તો મોટો રાખવો, જેથી દુ:ખને જતાં અને સુખને આવતાં વાર ન લાગે. હું આવું બધુ સકારાત્મક વિચારતો. દેવેશને કન્સ્ટ્રકશનનું સારું કામ હતું. મૂકેશ બેંક ઓફ બરોડાનો નોકરિયાત. ખબર નથી, પણ કદાચ બંને ભાઈઓએ અડધી-અડધી ભાગીદારીમાં આ જોખમ ઉપાડ્યું હોય, તો એક નોકરિયાત તરીકે મૂકેશ ક્યાં સુધી આ સાહસ વેંઢરી શકશે? બુકિંગ ઓછું આવતું ત્યારે આવા વિચારો આવી જતાં. હું પણ એક સમયે નોકરિયાત રહી ચુકયો હતો.

થતું કે બન્નેને કહી દઉં કે ‘તમે આવેલા પૈસા હવે ગુમાવતા હો તો અટકી જાવ. આપણો મિત્ર ભલે કરોડપતિ હોય પણ એમના ઘરે આદર વગર જમવા કરતાં બજારમાંથી 100 ગ્રામ ગાંઠિયા ખાઈ લેવા સારા.’ બીજી પળે સાથી કલાકારો દેખાતા અને હું કહેવાની હિંમત નહોતો કરી શકતો. ધીમે ધીમે હું થોડો સ્વાર્થી પણ બનતો જતો હતો. મહેન્દ્ર બોહરાનો ગોળ મૂળુભાએ મારી કોણીએ લગાડી દીધો હતો. મને થતું એ પ્રોજેક્ટ ફાઈનલ થાય તો ‘મળે સૂર..’ બંધ કરી નુકસાની ન વેઠવાની વાત હિમ્મત કરીને બંને ભાઈને કહી દઈશ. પછી જાતને સંભાળી લેતો કે વિજય રાવલ સેતુ સમાન સાથે છે અને બહુ ‘પ્રેક્ટિકલ’ છે. એને જયારે લાગશે કે હવે ‘મળે સૂર…’ નામક તલમાં તેલ નથી રહ્યું ત્યારે ‘ખોળ’ જાહેર કરવામાં એ સમય નહિ વેડફે,

ખેર! લીલી-સૂકી જોતું નાટક ચાલતું રહ્યું. મેં મૂળરાજ રાજડાને ત્યાં મહેન્દ્રના નાટક માટે આવ-જા શરૂ કરી દીધી હતી. સંબંધો જાણે પાંદડા બની ગયા. નવા બનતા જાય અને જુના ખરતા…જો કે તુષારભાઈ ભુલાતા નહોતા. મૂળુભાએ બે દિવસ પછી આવવા કહ્યું. મારો ઉત્સાહ વધ્યો અને મૂકેશ-દેવેશને બંધ કરવાનું કહેવાનું સાહસ પણ આવવા લાગ્યું.

બે દિવસ પછી સવારનાં પહોરમાં હું મૂળરાજભાઈને ત્યાં પહોંચી ગયો. એ જ પ્રેમભર્યો આવકાર. થયું આવા મીઠા આવકાર સાથે નવા નાટકનો ‘પહેલો અંક’ આપશે કે નહિ? મારી નજર એમના પર જ ચોંટી રહેલી. ચા આવી પીધી પણ ક્યારે એમનો હાથ મને પહેલો અંક આપશે મારી નજર એમના પર જ હતી. નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે એવી ભાવના સાથે હું જોતો રહ્યો.

સમીર, પેલાં પાનાં આપજે તો.! સમીર એટલે મુળુભાનો દીકરો. ‘રામાયણ’ સિરિયલમાં એણે શત્રુઘ્નનું પાત્ર ભજવેલું. એ ફૂલસ્કેપ પેપરનો નાનકડો થોકડો લઇ આવ્યો. મને આપતા મુળુભા બોલ્યા,’ લગભગ પોણો અંક લખાઈ ગયો છે, બાકીનાં પાનાં આ અઠવાડિયામાં આપી દઈશ એટલે પહેલો અંક પૂરો.’

‘મુળરાજભાઈના અક્ષરો તું કઈ રીતે વાંચી શકે છે?’ આવો સવાલ ઘણાંએ કરેલો. શરૂઆતમાં થોડી તકલીફ પડે પછી હથોટી આવી જાય. આમ પણ મને ત્રણેક નાટકનો અનુભવ હતો. કહેવાવાળા કહે પણ મૂળુભાના અક્ષરો એટલાં ખરાબ તો નહોતા જ. એ નાનકડો થોકડો લઇ હું ઘરે પહોંચ્યો. વાંચવાની તાલાવેલી હતી. અને હોય જ ને! કાગળની એક જ બાજુએ લખાણ હતું. 22 પાનાં હતાં જે વાંચતા મને 10 મિનિટ લાગી. હ્યુમર ઠાંસી ઠાંસીને ભરી હતી, થયું કે હવે મૂકેશ-દેવેશને પ્રેમથી જણાવી દઉં કે તમે નાટક ચલાવો છો એની સામે મને વાંધો ન હોય એ સ્વાભાવિક છે પણ નુકસાન આવે છે ત્યારે મને તકલીફ થાય છે.’ આ કહેવા હું મોકાની તલાશમાં હતો.

એ પહેલા હિંમત કરી મેં તુષારભાઈનાં સાળાને માટુંગા ફોન કર્યો. સમાચાર એ જ હતા. તેઓ અંદર હતા અને કોર્ટમાં કેસ દાખલ કરી દીધો હતો. હવે ક્યારે અને શું ચુકાદો આવે એનાં ઉપર અંદર કે બહારનો આધાર હતો. મને થયું કેવું સરસ બધું ચાલી રહ્યું હતું, નાનો અને સુખી પરિવાર, આ અચાનક ફેરાનો પ્રોબ્લેમ ક્યાંથી ઊભો થયો? કહે છે કે દુવિધા અને સુવિધા જરૂર કરતાં વધારે હોય તો ખતરનાક છે. લોભને લગામ આપવાનું ક્યારેક લક્ષ્મીનાં ‘ઓરા’માં આવી જઈ ચુકી જવાય છે. ખેર! આ બધા મારા મનના તુક્કા હતા. તુષારભાઈની ‘બહાર’ આવવાની અનિશ્ર્ચિતતા જાણ્યા પછી મૂકેશ-દેવેશને મેં મારી વાત કહેવાનો નિશ્ર્ચય કરી લીધો.

અઠવાડિયા પછી ફરી મેં મૂળુભાનો સંપર્ક કર્યો. એમણે ફરી અઠવાડિયું કાઢી નાખ્યું. મારી વિઝિટ ચાલતી રહી. પંદર દિવસ પછી એમના ઘરે પહોંચી ગયો. મને પાનાં આપી કહ્યું કે ફિલ્મોમાં જરા અટવાયો છું, હું પાનાં લઇ ઘરે પાછો ફર્યો. તાલાવેલી તો હતી જ. મેં પાનાં વાંચવા બંડલ ખોલ્યું.
પાનાં ઉપર નજર પડતા જ હું સ્તબ્ધ થઈ ગયો….

પતિ-પત્ની બંનેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. પતિ ભૂત બન્યો અને પત્ની ચુડેલ. થોડા સમય બાદ બન્ને મળ્યાં.
પત્ની: તમે કેટલા જુદા લાગો છો ભૂત બનીને…
પતિ: અરે પણ તું તો એવી ને એવી જ લાગે છે, જરા પણ બદલાઈ નહિ!