નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ સીએમ અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને તેમના કેસના જજ સ્વર્ણકાંત શર્માને બદલવા અંગે પત્ર લખ્યો છે. કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ લખ્યું છે તેમણે જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા વિશ્વાસ નથી. તેમજ તેમની પર ચાલી રહેલો દારૂ કૌભાંડનો કેસ નિષ્પક્ષ બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવે. જેમાં સીબીઆઇએ કેજરીવાલ સહિત 23 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની ધરપકડને પણ યોગ્ય ઠેરવી હતી
જેમાં એક દિવસ પૂર્વે જ આપના દિલ્હીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે જસ્ટિસ સ્વર્ણ કાંતાની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે તેમનો ભાજપ સાથે શું સંબંધ છે. હવે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ પોતે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને જજ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે જજ સ્વર્ણ કાંતા શર્માની અદાલતે અગાઉ દારૂ કૌભાંડ સંબંધિત કેટલાક કેસોની સુનાવણી કરી હતી અને આરોપીઓને આંચકો આપ્યો હતી. તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડને પણ યોગ્ય ઠેરવી હતી.
દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સાથે સબંધિત કેસ
ઉલ્લેખનીય છે કે, આ કેસ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સાથે સંબંધિત છે. જે તત્કાલીન આપની સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો વચ્ચે પાછળથી રદ કરવામાં આવી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે આ પોલિસી સાઉથ ગ્રુપ સહિત કેટલીક ખાનગી દારૂ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી, જેના બદલામાં ચૂંટણી હેતુઓ માટે અગાઉથી લાંચ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સરકારી તિજોરીને નુકસાન થયું
સીબીઆઈએ એવો પણ દાવો કર્યો હતો કે પોલિસી બનાવવા અને અમલીકરણમાં અનિયમિતતાઓને કારણે લાઇસન્સધારકોને અનુચિત લાભ થયો અને સરકારી તિજોરીને નુકસાન થયું. જો કે, નીચલી કોર્ટે એજન્સીના વ્યાપક ષડયંત્રના સિદ્ધાંતને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે તે સમયના રેકોર્ડ દર્શાવે છે કે નીતિ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર પરામર્શ અને વિચાર-વિમર્શ પછી ઘડવામાં આવી હતી.