Fri Oct 02 2026

Logo

દાઉદ ઇબ્રાહિમને ટક્કર આપનાર પૂર્વ ગેંગસ્ટર અરુણ ગવળીએ કર્યા 'લાલબાગના રાજા'ના દર્શન, વીડિયો વાયરલ

2026-09-25 17:15:57
Author: Mumbai Samachar Team
દાઉદ ઇબ્રાહિમને ટક્કર આપનાર પૂર્વ ગેંગસ્ટર અરુણ ગવળીએ કર્યા 'લાલબાગના રાજા'ના દર્શન, વીડિયો વાયરલ

મુંબઈઃ આજે અનંતચતુર્દશી નિમિત્તે દેશભરના મંડળો વિધિવત્ રીતે બાપ્પાની વિદાય કરી રહ્યા છે, ત્યારે બાપ્પાની ભક્તિ કરવામાં ગેંગસ્ટરના નામ પણ સામેલ છે. તાજેતરમાં ગવળીએ પણ લાલબાગના રાજાના દર્શન કરીને ફરી લાઈમલાઈટમાં આવ્યા હતા. ગુરુવારે પૂર્વ ગેંગસ્ટર અને રાજકારણી અરુણ ગવળી મુંબઈના પરેલ સ્થિત પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા. ગવળીના આગમનની જાણ થતાં જ પંડાલની આસપાસ મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. ગવળીએ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ લીધા અને ઉપસ્થિત લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગવળીએ ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી. અનંત ચતુર્દશીના એક દિવસ પહેલાં થયેલી તેમની આ મુલાકાત દરમિયાન પંડાલમાં મોટી ભીડ જોવા મળી હતી. લાંબા સમય બાદ ગવળી જાહેરમાં જોવા મળતાં તેમની હાજરી ઉપસ્થિત ભક્તોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ આ પહેલાં જાન્યુઆરી 2026માં તેઓ તેમની પુત્રીઓના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા.

અરુણ ગવળીનો લાલબાગચા રાજા સાથેનું ધાર્મિક જોડાણ વર્ષો જૂનું છે. પરેલના લાલબાગચા રાજાના પંડાલથી ગવળીનો ગઢ ગણાતી દગડી ચાલ આશરે 1.5થી 2.5 કિલોમીટર જ દૂર છે. બાપ્પાના દર્શન માટે ગવળી પહોંચતાં તેમની એક ઝલક મેળવવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ થયા પછી લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

ગવળી સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ નાગપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા હતા. જાન્યુઆરી 2026ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમની બંને પુત્રીઓ ગીતા ગવળી અને યોગિતા ગવળી ચૂંટણી મેદાનમાં હતી, જોકે બંનેનો પરાજય થયો હતો.

અરુણ ગવળી એક સમયે મુંબઈના અંડરવર્લ્ડમાં સક્રિય હતા અને બાદમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે લોકો તેમના નામથી જ થરથર કાંપતા હતા, મુંબઈ અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમને પણ તેમણે ખુલ્લો પડકાર આપ્યો હતો.  ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન માટે તેમની હાજરીએ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બાપ્પાના દર્શન બાદ તેઓ તેમના ચાહકોનું અભિવાદન ઝીલી લાગબાગથી નીકળ્યા હતા.