Wed Aug 19 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ બુવિકામાં ફ્યોર્ડ કિનારે જૂનાં ગીતો ને દેસી પાડોશી...

2026-08-01 08:38:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

કોઈ પણ લાંબું વેકેશન જ્યારેે છેલ્લા ચરણમાં પ્રવેશે છે ત્યારે એક સાથે ત્યાંથી હવે જલદી ઘરે પહોંચવાની અને ત્યાં વસી જવાની બંને ઇચ્છાઓ એકસાથે ઊમટી પડે. તેમાંય જો તે લેન્ડસ્કેપ નોર્વે જેવો હોય તો પછી રોજ દિવસમાં ઘણીવાર ત્યાંની જિંદગી જરા વધુ પડતા ઓક્સિજન અને તાજગીથી ભરેલી હોવાની ફીલિંગ આવતી જ રહે. તે સમયે ખુદને અવારનવાર યાદ અપાવ્યા કરવું પડતું કે નોર્વેમાં સમરમાં જે લાઇફ છે તે બારેમાસ નથી હોતી. 

અહીંનું વિન્ટર ડિપ્રેશન પણ એક હકીકત છે. તેમાંય ખાસ જ્યારે દિવસો સુધી ચોખ્ખી સનલાઇટ ન મળે તેવી જિંદગીનો નિર્ણય માત્ર ઉનાળાના અનંત લાગતા દિવસો પરથી ન કરી શકાય. લોકો શિયાળામાં નોર્ધર્ન લાઇટ્સ માટે નોર્વે જરૂર જાય છે, પણ નોર્ધર્ન લાઇટ્સની નવીનતાને સૂર્યપ્રકાશની જરૂરિયાત સાથે તો ન જ સરખાવી શકાય. 

વળી પ્રવાસ દરમ્યાન કોઈ સ્થળની વાસ્તવિકતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. એ સોશ્યલ મીડિયાનાં થોડાંક રીલ્સ પરથી જિંદગીભરના અભિપ્રાય બાંધી લેવા જેવું થાય. જોકે આજકાલ તેમાં પણ માહિતી ફિલ્ટર કરવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. ખાસ તો ઇન્ટરનેટ લોકોનો અભિપ્રાય બનાવવામાં હવે જે ભાગ ભજવે છે તે ઘણાં અંશે તો ડર લાગે તેવો થઈ ગયો છે. 

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં જ્યાં જુઓ ત્યાં સ્કેન્ડિનિવિયન નોર્ધર્ન લાઇટ્સને એવી રીતે પ્રમોટ કરવામાં આવે છે કે આ નેચરલ એન્ગેજમેન્ટ ન હોઈ શકે તેવી શંકા થયા વિના ન રહે. તેમાં પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સાઉથ કોરિયા અને થાઇ ફૂડ, મ્યુઝિક, પોપ કલ્ચરનો જે ઓવરડોઝ થયો છે તેમાં પણ ક્યાંક તો એન્ગેજમેન્ટ ફાર્મિંગની ગંધ આવી જાય છે. 

એક વાર પૂશ મળી જાય પછી તો લોકો આપોઆપ તે પ્રવાહમાં જોડાઈ જાય છે. તેમાંય સાયકોલોજિકલ એન્ગેજમેન્ટ એક્સપર્ટ્સની મદદથી એવી રીતે પ્લેટફોર્મ પર ક્નટેન્ટનું અલ્ગોરિધમ સેટ કરવામાં આવે છે કે લોકોને `ફોમો' પણ જલદી ફીલ થવા લાગે. નોર્વે ગયા વિના, ગેધરિગમાં ભાગ લીધા વિના, રેસ્ટોરાંમાં ગયા વિના પોતે જાણે પાછળ રહી જવાનાં હોય તેવું ડેસ્પરેશન ઊભું કરવામાં આવતું હોય તેવું લાગવા માંડે. 

એવામાં નોર્વેમાં બાકી રહેલા થોડા દિવસ ફોન, ન્યૂઝ અને કામથી દૂર ખાસ કોઈ પણ જાતના અલ્ગોરિધમને યાદ કર્યા વિના માત્ર ટ્રોન્ડહાઇમના રસ્તે તે સમયમાં જ મગજ રાખીને ફરવાનું શક્ય બન્યું હતું. કેમેરા એક તરફ રાખીને ખાલી સ્થળને જાણવાની જિજ્ઞાસા સાથે ફરવામાં જાણે અલગ જ અનુભવ થતો હતો. પહાડોની પેટર્નમાં ડિઝાઇન દેખાતી હતી, ટ્રોલનાં સ્ટેચ્યુમાં માઇથોલોજિકલ વાર્તાઓ સંભળાતી હતી, દરેક સ્થળનું આગવું કેરેક્ટર ઊભરીને સામે આવતું હતું. 

હવે ઓલમોસ્ટ બે અઠવાડિયાંથી અમે નોર્વેની કંટ્રી સાઇડમાં આમ જ રખડી રહૃાાં હતાં, છતાંય જરાય કંટાળો નહોતો આવ્યો. આર્યા અને હું જે બુક્સ સાથે લઈને આવ્યાં હતાં તે દિવસ દરમ્યાન તો વાંચવાનો મેળ પણ નહોતો પડતો. રોજ કોઈ ને કોઈ પ્રકારની હાઇક પણ થઈ જ જતી હતી. એવામાં ટ્રોન્ડહાઇમ નજીક આવેલા ગામ બુવિકામાં અમે એક મજાનું રો-હાઉસ રેન્ટ કરેલું. ત્યાં બસ ફ્યોર્ડના કિનારે બાલ્કનીમાં બેસીને ગપ્પાં મારવાનો પ્લાન હતો. આ છેલ્લા ત્રણ-ચાર દિવસ ઘણાં શાંતિમાં વિતેલા. 

અમે હાઇકનો પ્લાન પૂરો કરી ચૂકેલાં, અને લોફોટેન કે ટ્રોમ્સે આ વખતે જવાનું ન હતું, એટલે આગળની હાઇક નોર્વેની ભવિષ્યની ટ્રિપ માટે સાઇડમાં મૂકી દીધેલી, પણ રોજ કોઈ ને કોઈ કારણસર પંદર-વીસ હજાર સ્ટેપ્સ એમ જ થઈ જતાં હતાં.

ટ્રોન્ડહાઇમના સબર્બ જેવા બુવિકામાં ફ્યોર્ડના કિનારે ઘરમાં ચેક-ઇન કર્યા પછી પહેલાં તો સુપરમાર્કેટ ઊપડ્યાં. ત્યાંથી મજાની સ્થાનિક ફિશ, બેક્ડ ગુડ્સ વગેરે લાવીને ઘરે આવીને બાલ્કનીમાં ગોઠવાઈ ગયાં. સાથે જૂનાં રફીનાં ગીતો ચાલુ કર્યાં અને થોડી જ વારમાં બાજુની બાલ્કનીમાંથી એક ભારતીય કાકા બહાર આવ્યા. એ ગીત સાંભળીને જ બહાર આવેલા. નોર્વેમાં ટૂરિસ્ટ ટ્રેક પર ઓલરેડી ધાર્યા કરતાં ઘણાં વધુ ભારતીય પ્રવાસીઓ દેખાઈ ચૂક્યાં હતાં. છતાંય અહીં સાવ અજાણ્યા ખૂણામાં બુવિકામાં ભારતીય કાકાને જોઈને નવાઈ તો લાગે ને. વળી એ કંઈ ત્યાં ટૂરિસ્ટ ન હતા. એ તો ત્યાં જ રહેતા હતા. 

ચાલીસ વર્ષ પહેલાં તેમની નોર્વેજિયન પત્ની ભારત આવેલી, બંને પ્રેમમાં પડેલાં, અને પછી તેમની સાથે કાકા નોર્વે આવીને વસી ગયેલા. હવે બંને રિટાયર્ડ હતાં અને અહીં પાંચેક વર્ષ પહેલાં ઘર લઈને સેટલ થયેલાં. તેમને નોર્વેજિયન લાઇફ સારી માફક આવી ગઈ હોય એવું લાગતું હતું. તેમની સાથે અમે બાલ્કનીમાંથી જ ગ્લાસ ક્લિક કર્યા અને પછીના બે દિવસ તેમની સાથે બાલ્કનીમાં ગોષ્ઠિ થયા કરી. 

ટ્રોન્ડહાઇમ શહેરમાં સવારથી સાંજ સુધી સમય વિતાવવાનો પણ પ્લાન હતો. જોકે અહીં બુવિકાના ઘરમાં બધાંને આરામ કરવાની એવી મજા આવી ગઈ હતી કે કોઈને તૈયાર થઈને બહાર નીકળવામાં ખાસ રસ ન હતો. ટ્રોન્ડહાઇમ ફ્યોર્ડ તો ઓલરેડી અમે આખું ઓળખી જ ચૂકેલાં. રાત્રે બાર-સાડા બાર વાગ્યે સંધ્યાકાળ પછી તરત જ સવાર પડી ગઈ હતી જે જોવા માટે બહાર નીકળી પડ્યાં. દોઢ વાગ્યે અજવાળામાં જ ઊંઘવું પડ્યું. સવારે તો નીચેના પેટિયો આગળ જઈને યોગા પણ કરી લીધું. 

અહીં જો સવારે ઊઠીને કામ પર ભાગવાનું હોત તો કદાચ આ દેશ એટલો એટે્રક્ટિવ ન પણ લાગત. બાકી જર્મનીમાં પણ પહાડો અને કુદરત વચ્ચે પહાડો કે તાજી હવાની કમી નથી જ. ક્યારેક ઘરે પણ વેકેશન જેવી ફીલ તો લાવી શકાય તેવું છે. પ્રવાસમાં ખાસ નવી જગ્યાનો રોમાંચ કંઈ અલગ હોય છે. બુવિકા વિષે પણ જાણવા પ્રયત્ન કર્યો કે ત્યાં નોર્સ માયથોલોજીની કોઈ વાર્તાઓ હોઈ શકે. જોકે ત્યાં માત્ર હજારો વર્ષ પહેલાંનું નોર્વેજિયન સેટલમેન્ટ જ હતું અને તે ફીલ પણ કરી શકાતું હતું. દંતકથાઓવાળા ગામના માહોલની અલગ જ વાઈબ હોય. તેના માટે અમારે ટ્રોન્ડહાઇમ જવાનું હતું.