હાલમાં લોકપ્રિય રિયાલિટી શો ‘લોકઅપ 2’માં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ રિયાલિટી ટીવી શોમાં રોજબરોજ નવા વળાંકો અને ડ્રામા જોવા મળે છે, જેના કારણે દર્શકો આ શો સાથે સતત જોડાયેલા છે. તાજેતરમાં ‘જજમેન્ટ ડે’ના ખાસ એપિસોડમાં બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન કપૂરની એન્ટ્રીએ શોનું વાતાવરણ એકદમ બદલી નાખ્યું હતું. ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ થયું આ એપિસોડમાં...
શોમાં પ્રવેશતાની સાથે જ અર્જુન કપૂરે સ્પર્ધકોને સીધા અને તીખા સવાલો પૂછીને પરસેવો છોડાવી દીધો હતો. આ દરમિયાન એક રમુજી અને રસપ્રદ ઘટના ત્યારે બની જ્યારે દુબઈની ગ્લેમરસ હસીના પેમેલા સેરેનાએ અર્જુન કપૂરને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું! પેમેલાની આ વાત સાંભળીને અર્જુન પણ સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમણે મજાકિયા અંદાજમાં જવાબ આપતા કહ્યું, હું તો બિલકુલ તૈયાર છું, છેવટે છોકરો જવાન છે! અર્જુનનો આ જવાબ સાંભળીને પેમેલા શરમાઈ ગઈ હતી અને ત્યાં હાજર આકાંક્ષા ચમોલાએ પણ તેમને ખૂબ ચીડવ્યા હતા.
અર્જુન કપૂરે આકાંક્ષા ચમોલા સાથે પણ મજાક મસ્તી કરી હતી. તેમણે કહ્યું કે, આપણી બંનેની પસંદગી એકસરખી છે, કારણ કે મને પણ છોકરીઓ ખૂબ ગમે છે. અર્જુન કપૂરનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
દુબઈ સ્થિત પેમેલા સેરેના એક જાણીતી સોશિયલાઈટ, બ્યુટી ક્વીન અને બિઝનેસવુમન છે. યુકેમાં જન્મેલી અને ભારતીય મૂળની પેમેલાએ 'મિસેસ યુનિવર્સ દુબઈ 2021' અને 'મિસેસ યુએઈ વર્લ્ડ 2022' જેવા ખિતાબ જીત્યા છે. તેઓ 'દેસી બ્લિંગ' અને હવે 'લોકઅપ 2' દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘લોકઅપ 2’ના કરન્ટ ટ્રેકની વાત કરીએ તો, આકાંક્ષા ચૌધરી અત્યારે સિક્રેટ રૂમમાં બંધ છે, જ્યારે સુનિતા આહુજા, રિયાઝ અલી, માધુરી ગ્રોવર અને શ્રેષ્ઠા અય્યર શોમાંથી બહાર થઈ ચૂક્યા છે. શોને વધુ મસાલેદાર અને મનોરંજક બનાવવા માટે મેકર્સે તાજેતરમાં જ શિલ્પા શિંદેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડિંગમાં છે.