Fri Oct 02 2026

Logo

હવે ૧૦ મિનિટમાં  મળી શકે 'હાઉસ હેલ્પ'! ૨૩ વર્ષની યુવતીએ કઈ રીતે ઊભી કરી 1700 કરોડની કંપની?

2026-05-11 19:38:00
Author: Devayat Khatana
હવે ૧૦ મિનિટમાં  મળી શકે 'હાઉસ હેલ્પ'! ૨૩ વર્ષની યુવતીએ કઈ રીતે ઊભી કરી 1700 કરોડની કંપની?

નવી દિલ્હી: ભારતમાં હવે માત્ર ભોજન કે કિરાણા જ ૧૦ મિનિટમાં નથી પહોંચતા, પરંતુ ઘરની સફાઈ અને વાસણ માંજવા માટે પણ લોકો મોબાઈલ એપનો સહારો લઈ રહ્યા છે. આ બદલાતી આદતને પારખીને ૨૩ વર્ષની યુવા ઉદ્યોગસાહસિક અંજલિ સરદાનાએ 'પ્રોન્ટો' (Pronto) નામનું એક એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેણે માત્ર થોડા જ મહિનાઓમાં ₹૧૭૦૦ કરોડનું વેલ્યુએશન હાંસલ કર્યું છે. 

અહેવાલો અનુસાર, અંજલિએ ગુરુગ્રામથી શરૂ કરેલી આ સફર આજે દેશના સૌથી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ્સમાં ગણાય છે. વિદેશમાં અભ્યાસ કર્યા બાદ અંજલિએ જોયું કે ભારતમાં ઘરેલું કામ માટેની વ્યવસ્થા અત્યંત અસંગઠિત છે, જ્યાં લોકો ઓળખાણ કે સિક્યુરિટી ગાર્ડ્સના ભરોસે રહેતા હતા. અંજલિએ આ સમસ્યાને બિઝનેસ તકમાં બદલીને 'ઇન્સ્ટન્ટ હાઉસ હેલ્પ' મોડલ રજૂ કર્યું છે.

આ એપની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાયેલું હાઇપરલોકલ AI મોડલ છે. પ્રોન્ટો એપ દ્વારા ગ્રાહકો માત્ર ૧૦ થી ૧૫ મિનિટમાં જ સફાઈ, વાસણ, કપડાં કે રસોઈમાં મદદ માટે હેલ્પર બોલાવી શકે છે. કંપનીના આંકડા મુજબ, ડિસેમ્બરમાં જે બુકિંગ પ્રતિદિન ૩૦૦૦ હતું, તે હવે વધીને ૨૬,૦૦૦ ને પાર કરી ગયું છે. 

કંપનીએ તાજેતરમાં જ ૨૦ મિલિયન ડોલરનું નવું ફંડિંગ મેળવ્યું છે. આ મોડલ અદ્યતન અલ્ગોરિધમ પર કામ કરે છે, જે નક્કી કરે છે કે કયા વિસ્તારમાં કયા સમયે હેલ્પર્સની માંગ વધુ હશે અને કયો હેલ્પર સૌથી ઝડપથી પહોંચી શકશે. સ્મૂધ યુઝર ઇન્ટરફેસને કારણે આ એપ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

જોકે, આ તેજીની સાથે કેટલાક પડકારો પણ સામે આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ સેક્ટરમાં હાલમાં ભારે ડિસ્કાઉન્ટ આપીને બજાર કબજે કરવાની હોડ જામી છે, જેમાં નફો કમાવવો એક મોટો પડકાર છે. સાથે જ 'ગિગ વર્કર્સ'ના હિતો અને સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીજી તરફ, અંજલિ સરદાનાનું કહેવું છે કે તેમનો હેતુ માત્ર ગ્રાહકોને સુવિધા આપવાનો જ નહીં, પરંતુ કામદારોને તાલીમ, સુરક્ષા અને સ્થિર રોજગારી આપવાનો પણ છે. કંપની મહિલા કામદારોને સેલ્ફ ડિફેન્સ અને બેકગ્રાઉન્ડ ચેક જેવી સુવિધાઓ પૂરી પાડે છે.